Wednesday 16 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"અંતરાત્માને જીવનની દીવાદાંડી બનાવીએ તો ક્યારેય ભૂલા પડાય ખરું!!!"✨💫🌸⛳

    

     ભીતર જાગતો આગિયો ને...
              બહાર અજવાળાને શોધે...
      સંગાથ સાચો સંગાથે ને...
                કાઠે કાઠે દરિયો શોધે.....

         કેટલીક વાર જ્યારે આપણે જીવનનાં મહત્વનાં નિર્ણયો લેવાના હોય છે ત્યારે ભીતરથી એક અવાજ આપણને કંઈક જાણે કહેતો હોય, કોઈક દિશામાં આપણને દોરતો હોય, કદાચ સાચી દિશા બતાવતો હોય એવો અનુભવ આપણને જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય થાય છે. કેટલીકવાર આ અવાજને આપણે માત્ર આપનો ભ્રમ સમજી તેને અવગણી મગજ જે કહે તે કરીએ છીએ. ત્યારે કેટલીકવાર તે નિર્ણય લેવા બદલ પસ્તાવુ પણ પડે છે. દુનિયા અને તેમાં આપણી જીવન યાત્રા દરમિયાન બનતી ઘટનાઓ અને પરિસ્થિતિ અકળ અને ગૂઢ હોય છે. ક્યારેક આપણને જીવનમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ પણ થતો હોય છે. ભીતરથી કોક આપણને કંઈક કરતાં રોકી રહ્યું હોય એવું લાગે જેમ કે કેટલીકવાર કોઈ સારા પ્રસંગમાં વારંવાર વિઘ્નો આવે તો સમજવું કે કોઈક ગુઢ ચેતના આપણને કંઈક દિશા સૂચન કરી રહી છે. પણ જ્યારે આપને તેને અવગણી કુદરત સાથે જબરજસ્તી કરી કોઈક કાર્ય કરાવવા ની ચેષ્ટા કરીએ છીએ ત્યારે તેમાં આપણું હિત કયારેય સમાયેલું હોતુ નથી.

             જ્યારે પણ તમારે જીવનમાં કોઈક મહત્વનો નિર્ણય લેવાનો હોય તો અંતરાત્માને ચોક્કસ પ્રશ્ન પૂછજો કે શું આ મારા માટે યોગ્ય છે?? જો તમારું મન નિર્લેપ અને ચોખ્ખું હશે તેના પર દંભ ના આવરણ નહીં જામ્યા હોય તો તમે ચોક્કસ અંતરાત્માનો અવાજ સાંભળી શકશો.

‌             અંતરનાદ જીવનના ભલભલા મોટા તોફાનો સામે લડવાની તાકાત પેદા કરે છે. તે તમારામાં મક્કમ પોતાના ધ્યેય માટે ઝઝૂમવાની હિંમત પેદા કરે છે. અંતરનાદ ભીતરમાં થી ઉઠતો એક એવો નાદ છે કે જીવનમાં હર તબક્કે સાચી પસંદગી તમને કરાવી ઉત્તરોઉત્તર પ્રગતિ ના પંથે તમને ખેંચી જાય છે. અને ભૂલો કરતા અને ખોટી પસંદગી કરતાં અટકાવે છે. શ્રેષ્ઠ માણસ બનાવામાં મદદ કરે છે. જીવનનો સાચો મર્મ સમજાવી, જીવનનાં મૂળભૂત હેતુ સાથે તમારો પરિચય કરાવી જીવનને સાર્થક બનાવવામાં મદદ કરે છે.

‌ મિત્તલ પટેલ
‌" પરિભાષા"
‌ અમદાવાદ

No comments:

Post a Comment