Thursday 15 October 2020

     

સંબંધો સાચવવાનો..ય  થાક લાગે છે...
         એક ઓથાર હેઠળ જીવવાની ભાતી....
જાતને ભૂલીન જીહવળવાનોય..થાક લાગે છે...
 
કમોસમી વરસાદ હોય તોય શું!!
એ વ્યવહારને અવસર બનાવું તોય શું!!

પડછાયો થઇ પૂજાવાનોય.. થાક લાગે છે..
         તૂટી ને ફરી ફરી જોડાવાનોય... થાક લાગે છે...

                 વર્ષો વર્ષ જીવ્યા હોઈએ તો ય માત્ર વર્ષો વિતાવ્યા હોય એવું લાગે. ને ક્ષણોને જીવવાને બદલે ઓછાપામા હંમેશા ખોવાયેલ રહ્યા હોય એવું લાગે તો ચોક્કસ તમે થાકનો અનુભવ કરશો. સબંધો આખી જિંદગી માત્ર સાચવવામાં મથ્ય હોઈએ પણ સંબંધોને "જીવવામાં" ક્યારેય લક્ષ ન આપ્યું હોય તો જીવનના એક ચોક્કસ તબક્કે તમે ચોક્કસ થાકશો. જો તમે હતાશાને કાયમ છુપાવીને રાખતા હશો.. ગુસ્સો, તણાવ, આક્રોશ, પ્રેમાવેશ, લાગણીનો ઉભરો... ને કાયમ મનમાં દબાવી દેતા હો... કોઈ મિત્ર કે આત્મીયજન સાથે ક્યારેય ખુલ્લા મને રડી લેવાનું કે ખુલ્લા મને હસી લેવાની ક્ષણો ન વીતાવતા હો, કોઈની સમક્ષ વ્યક્ત ન થતાં હો.. તો માનસિક થાકની ચરમસિમા ચોક્કસ વહેલી આવશે.નજીકનાં આત્મીયજનો  માટે ઘણી બધી વાર કૃતજ્ઞતાનો ભાવ ઊભરાયો હોય પણ ક્યારેય "કદર" નું નામ આપી શબ્દ ભાવથી વ્યક્ત ન કર્યો હોય. તે વ્યક્તિની હયાતી માં તેનું પોતાનાં જીવનમાં સ્થાન અને મહત્વ ની તેને અનુભૂતિ કરાવી સંગાથે જીવનને એક ઉત્સવની જેમ ન ઉજવી શક્યા હો, તો તેની ગેરહાજરીમાં એકલતાનો થાક ચોક્કસ અનુભવશો.

થાક ક્ષણોને "જીવ્યાનો " નહીં...
        ક્ષણોને "વિતાવ્યા" નો લાગે છે....

         કામ કરવાં કરતાં કામ ન કર્યાનો થાક વધુ લાગે છે. નૈમિત્તિક કાર્યો સાચી નિષ્ઠાથી કરવાનો તો માત્ર મીઠો આત્મસંતોષ જ મળે છે. જો તમે તમારી નોકરી થી થાકી ગયા નો અનુભવ થાય તમારી દિનચર્યા થી, જવાબદારી નિભાવતા સતત ભારનો અનુભવ કરતા હો તો એનો અર્થ એ છે કે તમે તમારાં જીવનનાં આ કર્મસ્થળના અને નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી નિષ્ઠાથી અને પૂરા મનથી, પોતાનું ૧૦૦% ડેડીકેશન આપીને નથી કરી રહ્યા. તેમાં હજી ઉણપ છે. જો તમે દિનભર માં જે પણ કાર્ય હાથમાં લો છો તેને સાચાં અર્થમાં જીવો. પૂરા મનથી જીવંતતા થી કરો, ઉત્સાહથી કરો, તમારા કામને તમે માણો, એન્જોય કરો, તો દિવસના અંતે પણ તમે ઉત્સાહથી તરબતર અને પ્રસન્નતાથી થનગનતા હશો. આ કાર્યથી જે આત્મસંતોષ તમને મળશે તેની લાલી અને આભા તમારા ચહેરા પર સ્પષ્ટ જોવા મળશે. અને યાદ રાખજો જો તમે આ રીતે જીવ્યા હશો તો જીવનના કોઇપણ મુકામે તમે ક્યારેય થાકનો અનુભવ નહીં કરો.

           દુનિયામાં આપણે ઘણા બધા માણસો થી જોડાયેલાં હોઈએ છે. લાગણીથી, કામકાજથી , કે સામાજિક રીતે. આ સંબંધોને પણ આપણે અલગ-અલગ કેટેગરીમાં વહેચી દીધા છે.સામાજિક રીતે જોડાયેલા હોઈએ તેમની જોડે સામાજિક સંબંધો  રાખવાનાં,પ્રસંગમાં હાજરી આપવાની 
ક્યારેક ફોન કરી ખબર અંતર પૂછવાની , સાજામાદા હોય તો ખબર કાઢવા જવાનું. કામકાજના સ્થળે હોય તેમની જોડે માત્ર પ્રોફેશનલ સબંધ... કામ હોય તો જ અને તેટલી જ વાત કરવાની, કો-ઓર્ડિનેશન થી ફોર્માલિટી વાળા સંબંધ રાખી દિવસનો 50% સમય  વ્યતીત કરવો.લાગણીથી બંધાયા હોઈએ  તેવા બાળકો ,પતિ-પત્ની ,માતા-પિતા ,ભાઈ-બહેન સાથે જ થોડો સમય લાગણી ભર્યો વ્યવહાર કરવાનો, નહીંતર એમાંથી પણ મોટા ભાગનો સમય મોબાઈલ મહારાજને પધરાવી દેવાનો. આ બધામાંથી ભાગ્યે જ કોકની સાથે આપણે આત્મીયતાથી જોડાયેલા હોઈએ છે. એમાંય પાછું આપની અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે લાગણીનો પડઘો ન મળે તો તે આત્મીયતા પણ દુઃખદાયી નીવડે ને પાછાં "માણસ" મટીને "રોબોટ" બની જાઓ ને ફિટ કરેલા ડેટા મુજબ વ્યવહાર કરો, સંબંધો સાચવો ને જિંદગી પુરી. ભલે પોતાની સાચી જાત જે જીવંતતા થી ભરેલી છે તેને કાયમ  દબાવીને રાખી છે ક્યારેક તો ઉભરો ઠાલવશે ને આ રોબોટિક લાઈફ થી થાકી જશે. આ થાક "જીવ્યાનો" નથી.... "ન જીવાયાનો" છે.

           તો દરેક સંબંધ અને આપણી સાથે સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ સાથે આત્મીયતાથી કેમ  ન જીવી લઈએ!! સોસાયટીમાં વોચમેન હોય કે ઓફિસમાં સહકર્મચારી કે રસ્તે મળતું અજાણ્યું બાળક સરસ સ્માઈલ આપી, ક્યારેક ખબર અંતર પૂછી, આત્મીયતાથી જોડાઈને સાચા અર્થમાં કનેક્ટ કેમ ન થઈએ...!! જ્યારે તમે કોઈપણ અન્ય વ્યક્તિ સાથે પૂરેપૂરી આત્મીયતાથી કનેક્ટ થાઓ છો ત્યારે તમે પોતાની આત્મા સાથે, પોતાની જાત ને કનેક્ટ થતી અનુભવી શકો છો. અને તેની ખુશી તમારામાં સતત પ્રતિબિંબિત થતી રહે છે. જો તમે ડોક્ટર છો તો પેશન્ટ સાથે આત્મીયતાથી વર્તો. જો તમે એક શિક્ષક છો તો બાળકો સાથે આત્મીયતાથી જીવો. જો તમે વકીલ છો તો પોતાના દરેક કેસ સાથે આત્મીયતાથી જોડાવ.

          જો તમે "માણસ " છો તો દરેક "માણસ" સાથે "માનવતા"થી જોડાવ. તો "થાક" નામની વસ્તુનું અસ્તિત્વ તમારી જિંદગીમાં ક્યારેય નહીં હોય. કારણ કે તમે જીવન માત્ર વિતાવતા નથી દરેક ક્ષણને ,દરેક સંબંધને "જીવો" છો.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

           

 

1 comment:

  1. Thak to akhir thak 6
    Lage to pan maja 6 ne
    Na lage to pan maja 6
    Pan jo gamtu swajan same hoy ne to teni same jivanano badho thak utaravani pan maja 6 ho.....

    ReplyDelete