Wednesday 25 August 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"જીવનમાં મુશ્કેલીઓ આપણાં મનોબળને મક્કમતાના પાઠ શીખવવા જ આવતી હોય છે..."💫🪐


રસ્તાને કદી પૂછતાં નહીં કે- 'મંઝિલ કેટલી દૂર છે'!
      મુસાફરીનો આનંદ આપવા તે તો સ્વયં કટિબદ્ધ છે...

સણસણતો વિવાદ ઘડીક આંખ ઉઘાડે એવોય હોય...!!

        વ્યાપારીકરણ વાતનું થાય ,
              સંવાદ તો હજીય શ્વાસ છે...!!

          સાવ સરળતાથી મળી જાય મુશ્કેલીઓના તાપમાં તપ્યા વગર,વિરોધોના વાવાઝોડામાં છોલાયા વગર, ઈન્જર્ડ થયા વગર, તે સફળતા તાર્કિક અને મૂલ્યમાં રસકશ થોડો ઓછો હોય એવી પણ હોય. તેનાં આનંદની અનુભૂતિ અનુભવવાની ત્રેવડ પણ આપણે કદાચ ન કેળવી શકીએ એવું પણ બને.

         રંજીસ ઇતની સી બાકી રહ ગઈ હૈ અબ તો....
            મંઝિલ સામને હૈ ઔર હમ મે "હમ" ગૂમસુદા હૈ....!!

         અનુકૂળ સંજોગો હોય, બધું આપણને ગમતું જ જીવનમાં થતું હોય, ત્યારે તો પોઝિટિવ વાતો બધાં કરે. હકારાત્મક સતત વિચારવાની અને અનુસરવાની ક્ષમતા બધાની હોય. પણ સફળ તે જ થાય છે જે બધાં પાસાં અવળા પડતા હોય, ચારે બાજુ વિરોધનો વંટોળિયુ હોય, નીચે પાડવાવાળાઓની હોડ જામી હોય, કોઈ સ્પષ્ટ રસ્તો ન જ દેખાય સતત પ્રયત્ન કરવાં છતાં પણ. ત્યારે નકારાત્મકતાને પોતાનાં વિચારોથી અલિપ્ત રાખી શકો, પોતાનાં પરનો વિશ્વાસ, "જાત પરની શ્રદ્ધા" અકબંધ જાળવીને એક હકારાત્મક અભિગમ સાથે, કોઈ જ દ્વેષભાવ રાખ્યા વગર મક્કમપણે પોતાનાં કર્મમાં તન્મય રહી શકો તો તે જ વ્યક્તિ મજબૂત મનોબળ નો અભેદ્ કિલ્લો ઘડવા પોતે સક્ષમ બને છે.


તોડી નાખે મારામાં મને તે વ્યથા કંઈ હશે...!!
       ખખડધજ દિવાલ પર પીપળાને ઊગી નીકળેલ જોયો છે...!!

           જીવનમાં આવતી ઘટનાઓ, સંજોગો ,પરિસ્થિતિનો સામનો તો દરેકને મને કે કમને કરવો જ પડે છે. પણ તે કેવી રીતે કરો છો? તમારાં સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને કરો છો કે અડગ રહીને. તમે પોતાનાં આત્મવિશ્વાસને ખોઈ બેસો છો કે તકલીફ ની આંખોમાં આંખ મિલાવી તેને નજર નીચે કરવાં મજબૂર કરી દો છો . ડરો છો કે "ડર" ની સંકલ્પના ને overcome કરી તેને ટેકા બનાવો છો. બીજાનાં ઉપકારની અપેક્ષાઓના વ્યંજન જમો છો કે પોતાનાં પગ પર ,પોતાનાં દરેક નિર્ણયનાં પરિણામ માટે પોતે મજબૂત અને જવાબદાર બનવા કટિબદ્ધ બનો છો. અને આ બધી બાબતો તકલીફોમાં વ્યક્તિનું ઘડતર થશે કે માણસમાં "સ્વ"નું ચણતર તે નક્કી કરે છે.

         "આવું મારી સાથે જ કેમ?"જ્યારે આવો પ્રશ્ન થાય ત્યારે જાતને એક વાત કરી લેવી કે ઈશ્વરને અને કુદરતને તમારાં પર શ્રદ્ધા છે. કોઈ સારાં કાર્ય માટે તમને નિમિત્ત બનાવવાં તમારામાં જે ઘડતરની જરૂર છે, તેનાં પાયારૂપ આ પરિસ્થિતિ છે. ફળદ્રુપ જમીન પર જ મબલક પાક લઈ શકાય. બાકી બિયારણ, દવાઓ કંઈ કેટલીય માવજત કરીએ તોય તે બંજર જ રહે. આવી જ રીતે જેનાં "માનસ"માં હજી સંવેદના જીવંત છે. તેવા ફળદ્રુપ વ્યક્તિત્વમાં જ "સંજીવની"ની લણણી કરવાનું અને મબલખ સારાં કાર્યો માટે નિમિત્ત બનવાનું અહોભાગ્ય પ્રજ્વલિત છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

     

 

No comments:

Post a Comment