Thursday 5 August 2021



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"પલળવું સહજ બને છે, ભીંજાવું એ સંવેદનાનો ભીતરથી ઉજવાતો ઉત્સવ છે"....

   

       અક્ષ  દેખાય તો જ "પોતાની" અનુભૂતિ થવી શકય બને છે. દર્પણ વગર પોતે પોતાને જોવું શક્ય છે ખરું? તેવી જ રીતે તોતિંગ સપનાઓ ભલે ભીતર ખળભળે, પણ જીવાય તો તારે જ છે જ્યારે વરસાદ સમું ધોધમાર વરસી શકાય તેવું ભોમ સંગાથે હોય.સવેદનાનો પડઘો માણસને જિવાડે છે. નૈમિત્તિક કર્મો કરવાં આધારશીલા બને છે.

        પલળવા અને ભીંજાવાની પરિભાષામાં ફરક એટલો જ છે કે પલળવું ઉપરછલ્લું બને છે જ્યારે ભીંજાવા તો ભીતરથી છલોછલ થવું પડે. પોતાને પોતીકી માયા લાગે, વ્હાલપનું  રજવાડું આંગળી પકડે, ત્યારે વાદળીનો ઝણકાર મનનાં તારને રણઝણાવી શકે. વરસાદનાં ટીપાંના નૃત્યને, તેનાં રણકારને તહેદિલથી અનુભવી અને માણી શકીએ.

ક્યાં કોઈ શૃંગારનો મહોતાજ હોય છે..!!
                વરસાદી ઝાંઝરનો ઝણકાર અને મેઘધનુષી કટિબંધ તેની કાતિલ પરિભાષા છે.

          પ્રકૃતિને માણવા તો પ્રકૃતિમય થવું પડે. પ્રકૃતિનાં સ્વભાવમાં આગળવુ પડે. તરલતા વિચારોમાં અને દ્રષ્ટિકોણમાં કેળવવી પડે. અઘરાપણામાંથી બહાર આવી બધી ગૂંચોને  ખંખેરીને સહજ થવું પડે.

અઘરું બનવું સરળ છે..
       સરળ બનવું અઘરું છે.

        મન અને મગજ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ દરેક વ્યક્તિ પોતાનાં જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક તો અનુભવતાં જ હોય છે. મગજ જે તર્ક સમજે છે, તેનું અર્થઘટન કરે છે અને નિર્ણય લે છે, તે મન નથી સ્વીકારાતું અને મન જે દિશાસૂચન કરે છે તેનું મગજ સ્વિકાર નથી કરતું. આ પરિસ્થિતિમાં વ્યક્તિ નિર્ણય લેવામાં ગુંચવાઈ જાય છે. કદાચ માનસિક રીતે નિચોવાઈ જાય છે એમ કહી શકાય.

          ઘણાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતાં, ઉત્તમ ચારિત્ર્ય ધરાવતાં વ્યક્તિઓને વાંચીએ તો સમજાય છે કે તેઓ આ પરિસ્થિતિમાં ભીતરથી ઉઠતા નાદને, અંતરનાદ ને અનુસરે છે. લોકોનું મહાટોળુ તેમની  વિરુદ્ધમાં ભલે હોય ,કે ભલે તેમને સામા પ્રવાહે તરવાનું આવે, કે ઘણાં સંઘર્ષોનો સામનો કરવો પડે, પણ આ રીતે લીધેલા નિર્ણયથી જિંદગીમાં તેં અપ્રિતમ સફળતાને પામે છે. અને ક્યારેય પસ્તાવાનો વારો નથી આવતો.સમાજને માટે કંઈક સારું કરવા માટે પ્રકૃતિએ તેમને નિમિત્ત બનાવ્યાં હોય છે. કોઈ પરમ સત્યને પામવા તેમનામાં સાહસ કરવાની હિંમત છે એવું કુદરત તેમનામાં પારખી ગઈ હોય છે તેથી જ આવાં કાર્યો માટે તેમને નિમિત્ત બનાવે છે. આવાં ભીતરથી છલોછલ અને નિસ્વાર્થી, કપટ વિહીન, નિર્લેપ મન ધરાવતાં લોકો પોતાની આજુબાજુ એક ઓરાં રચે છે. જેનાં સંપર્કમાં આવનાર દરેકને તે શાતા આપે છે, પોઝિટિવિટી આપે છે, સારાં કાર્ય કરવાની ઉર્જા અને દિશા આપે છે કોઈ પ્રબળ પરિબળો આ વ્યક્તિઓને પ્રકૃતિ સાથે જોડે છે. જેમ કે તેઓ જેવાં છે, તેવાં જ દેખાય છે અને તેવાં જ વર્તે છે. તેમના મન, કર્મ અને વચનમાં ઐક્ય હોય છે. " નિર્લેપતા"એ આવાં વ્યક્તિઓનો સૌથી મોટો ગુણ છે. કોઈ પણ સ્વાર્થ ,કપટ ,દેખાડો, મોટાઈ જેવાં પડના લેપ તેમનાં મનોઆવરણ પર ચઢેલા હોતા નથી. તેથી જ તેઓ પ્રકૃતિમય બની શકે છે.

          બાળકોના નિર્દોષ સ્મિત પણ તેમને ભીંજવી જાય છે. સમાજ માટે, જરૂરિયાત મંદ લોકો માટે કરેલ કોઈ સારું કાર્ય કે મદદથી શાતા મેળવનાર વ્યક્તિના મન અને આંખોમાંથી નીકળેલ અશાબ્દિક આશિષ પણ તેમને ભીંજવી જાય છે. તેમનાં સંઘર્ષના સમયમાં કોઈએ સંગાથ માટે ઝાલેલો હાથ  પણ આંખ સાથે તેમનાં હૃદયને ભીંજવી જાય છે.ભીંજાવા તેઓ વરસાદનાં મહોતાજ હોતા નથી.

         સારાં પુસ્તકોનું વાંચન તમને "તરલ" બનતાં શીખવે છે. તમારામાં રહેલ જડત્વને દૂર કરે છે. વિચારોની તરલતા, સ્વભાવની નિર્દોષતા તમને પાછી આપે છે, જે બાળપણ પછી ક્યાં ખોવાઈ ગયેલ  હતી. તમને પોતાને સમજવાં, પોતાને ઓળખવા, સંપર્કમાં આવતી દરેક વ્યક્તિને ખામી ખૂબી સહિતના "એક માણસ" તરીકે જોતાં અને સ્વીકારતાં શીખવે છે. ટેવ આપોઆપ પડે છે, આદત કેળવી શકાય છે. ધીરજ, રસ અને થોડી મહેનતથી વાંચનની આદત પણ કેળવી શકાય છે. જે તમને પ્રકૃતિમય બનાવે તમે એક સારાં માણસ બનાવે છે. જીવન પૂરું થાય તે પહેલાં, જીવનને સાચી રીતે જીવતાં શીખવાડે તેવી આ આદત અવશ્ય કેળવવા જેવી છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment