Thursday 19 August 2021


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

તમે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અને એકાત્મ સાંધી શકો છો ખરાં..!!🏜️🏞️🌊🌕

      પંખીઓનાં અવાજ ને તમે સ્પંદી શકો છો ખરાં !! એ પહાડ પરથી આવતા ઠંડા પવનની લહેરખી તમને અડકીને જાય અને તમે તેને સામે સ્પર્શી શકો છો ખરાં !! આભલામાં વાદળા સુરજ જોડે સંતાકુકડી રમે ત્યારે સાવ ઉભળક રંગોની રંગાવલીની રંગત માણી શકો છો ખરાં!! સાંજની "સાજ" ને સાંભળીને સ્મરણના ભાથાને સ્મરી શકો છો ખરાં !! એકતારો વાગતો હોય ત્યારે હ્દના ભાવોને તેમાં આકારી ને ઢાળી શકો છો ખરાં !! કોક વાજિત્ર ભીતર પણ સંગીત રેલાવે છે તેની સુરાવલીને, રંગતને અનુભવી શકો છો ખરાં !!

આ કુદરતની કમાલ છે દોસ્તો..

     ઝાડવાને પવન સાથે સંવાદ કરવા ફોન નથી કરવો પડતો...!

આકાશને તારલાને મળવા રસ્તો નથી શોધવો પડતો...!

અસહ્ય ઉકળાટ વરસાદને વ્હાલ કરાવે...
મોરલા નું નૃત્ય સતરંગી દર્શન કરાવે...

       આ દ્રશ્યને એડિટિંગ નો મેકઅપ નથી કરવો પડતો...!

પવન કાનમાં કંઈક રહસ્યમય સભળાવી જાય તેનો પડઘો નથી શોધવો પડતો...!

દરિયાને  આભ સાથે ભળવા મેળાપ નથી કરવો પડતો...!

        કેટલીકવાર આપણા મનમાં ચાલતાં સતત વિચારોનો ઘોંઘાટ અને મહત્વકાંક્ષાઓના અવરોધો આપણને પ્રકૃતિમય થતાં રોકે છે આજુબાજુ કંઈ કેટલાંય પંખીઓનો મધુર કલરવ થતો હોય, ખળખળતાં ઝરણાં અને ઉમંગોના મોજા સાથે ઘુઘવાટા દરિયા હ્દને ભીંજવવા સંદર્ભ શોધતાં હોય, અને આપણે સતત આપણાં વિચારોના કાગારોળમાં જ અટવાયેલા રહીએ છીએ. આપણે માત્ર"મારાપણા" માંથી બહાર નીકળી શકીએ, આપણાં વિચારોનાં ગૂંચવાડાને સાઈડ પર મૂકી ખુલ્લાં મને પ્રકૃતિનાં દરેક લય સાથે લય મેળવી શકીએ, ત્યારે જ ખુશી અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ સમજાશે. સાચી પ્રસન્નતાની પરિભાષા સમજાશે જે લાખો રૂપિયા ખર્ચી રિસોર્ટ કે પર્યટન સ્થળે જવાથી ન પામી શકાય.

              આપણે મોટેભાગે ભૂતકાળનાં પૃથક્કરણમાં અને ભવિષ્યનાં પ્લાનિંગમાં જીવતાં હોઈએ છે. એટલે જ વર્તમાનની આવી અમૂલ્ય ક્ષણોનો સાક્ષાત્કાર કરી શકતાં નથી. સાધન અને સાધ્યમાં વીતી જતા આયખામાં પ્રકૃતિનાં પરિપેક્ષ્યમાં, કુદરતનાં નિયમ પ્રમાણે જીવતાં શીખી જઈએ,"જેવું વાવીએ એવું જ પામીએ"એ સૂત્ર નો હાર્દ પામી શકીએ, તમારાં અન્ય વ્યક્તિઓ માટેનાં ભાવ અને તમે કરેલ સાચાં ખોટાં કર્મોનાં હિસાબ કુદરત આપોઆપ કરતી હોય છે તેવું આત્મસાત કરીને જીવનને વાવતા શીખીએ તો લણણી સત્વની કરી શકીએ. તમારા વાણી-વર્તન અને વિચારમાં ઐક્ય રાખીને જીવી શકો તો જ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવી શકો.

         મનનાં ભાવોને માણસ ન પામી શકે, કુદરત જ પામી શકે અને જાણી શકે તદુપરાંત તેને મુલવી પણ શકે. જીવનમાં કેળવેલ મૂલ્યોના આધાર પણ કુદરત પાસેથી જ મળી શકે. વરસાદ ક્યારેય ભેદભાવ રાખીને નથી વરસતો. એક ઝાડવું બીજા વૃક્ષ સાથે કદી દ્વેષભાવ નથી રાખતું. પંખીને દાણા ન મળે તોય ,અસ્તિત્વના જોખમમાં પણ અન્ય પંખીઓ સાથે કપટ રહિત રહી, સુમેળપૂર્વક ઉલ્લાસ પૂર્વક જીવે છે. આકાશ કંઈ કેટલાંય તારલાઓને પોતાનામાં સમાવે છે. એ હ્દ ની વિશાળતા પ્રતિપાદિત કરે છે. અન્ય વ્યક્તિનાં સદગુણો , દુર્ગુણો, તેમની ભૂલો, જીવનને સમજવા માટેની તેમની મથામણો દરમિયાન રહી ગયેલ સ્વભાવગત ઉઝરડાઓ, સાથે તેમનો સ્વીકાર એ માનવતાને પૃથ્વી પર ટકાવી રાખવા માટે આજના જમાનામાં તાતી જરૂર છે.

તું તારામાં ઊગી  તો જો...
      ઉગ્યાં પછી સહજ પણે આથમી તો જો...
જીવન-મરણના આ વચેટિયા ઝોલા માં
     નિરાકાર સાથે પોતાને આકારી તો જો...

આંખો શ્રુત બને અને સાંભળે "અશ્રાવ્ય" ને...

      સ્થૂળ ઓળખને પ્રકૃતિમાં થોડી ભૂલાવી તો જો...

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

     

 

No comments:

Post a Comment