Tuesday 17 August 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં ઓગસ્ટ- 2021 અંકમાં મારો લેખ...


"કોઈનાં જીવનમાં આપણી જગ્યા હોવી અને સ્થાન હોવું બંને અલગ છે..."

  

       કેટલું અઘરું છે વ્યક્તિવિશેષ બનવું કોકના જીવનમાં..!!
               સબંધી બનવું સહેલું હોઈ શકે..


કેટલું અઘરું છે રસ્તે માર્ગદર્શક બનવું....!!
              સલાહકાર બનવું સહેલું હોઈ શકે...

કેટલું અઘરું છે સ્વીકાર માણસનો "માણસ" તરીકે કરવો...!!
              તેમનાં ગુનાઓના વકીલ બનવું સહેલું હોઈ શકે.....


      
            પ્રયત્ન કર્યા વગર સહજપણે જે વર્તન થતું હોય કે ભાવ અનુભવાતો હોય છે  તે  વ્યક્તિના માનસ પર ઊંડી છાપ છોડી જાય છે. નહીં કે સારી ભાષાઓમાં કરેલાં વ્યવહાર. લોહીનાં સંબંધો બાય ડિફોલ્ટ બંધાય છે. પણ તે સંબંધોમાં ભાવનો, લાગણીનો બંધ તો આપણે જ બાંધવો પડે છે અને યોગ્ય સમયે તેનું સમારકામ અને માવજત પણ કરવી પડે છે. તેમનાં જીવનમાં આપણી સંબંધરૂપી માત્ર "જગ્યા" હોય તો પૂરાઈ પણ જઈ શકે. તેનું રિપ્લેસમેન્ટ પણ થઈ શકે. પણ જો "સ્થાન" હશે તો માત્ર તમે જ હશો.તમારું સ્થાન બીજું કોઈ નહીં લઇ શકે. સંબંધનું આ લેવલ દરેક વ્યક્તિ કદાચ ન સમજી શકે. કારણ કે દરેક પોતે બાંધેલાં એક દૃષ્ટિકોણથી જ વ્યક્તિને નિહાળે છે. કેટલીકવાર આપણાં કોઈ શિક્ષકે કહેલ કે લખીને આપેલ થોડાંક શબ્દો આપણને જીવનભર યાદ રહે છે. અને આપણને જીવનની ઘણી પરિસ્થિતિમાં દિશા સૂચન પણ કરે છે .પ્રેરણા આપે છે. અને તે શિક્ષકનું આપણાં જીવનમાં એક ચોક્કસ સ્થાન બની જાય છે. તેવું જ કોઈક વ્યક્તિ એ આપણને સ્વાર્થ વગર, સંઘર્ષના સમયમાં કરેલ મદદ, માનસિક સપોર્ટ તે વ્યક્તિનું આપણાં જીવનમાં એક અનામી સ્થાન બની જાય છે એક "માણસાઈ"નું  સ્થાન. આજે સમાજમાં માણસાઈ મરી પરવારી છે મોટેભાગે. લાગણી પણ અહીં સંબંધ અને સ્વાર્થનાં ઓથ હેઠળ દાખવવામાં આવે છે. ત્યારે આપણાં જીવનમાં માનવતા દાખવતાં માણસોના પગલાં જીવનભર રહી જાય છે.


માનવતાની કોઈ પ્રયોગશાળા નથી હોતી...
        વેદના કોઈની, પોતે સમાન માત્રામાં અનુભવી, સંવેદી શકે તે જ સાચો "માણસ" છે.



         કેટલાંક માણસો પૃથ્વી પર ઈશ્વરની ટપાલ સ્વરૂપે આવતાં હોય છે. જેનાં લીધે આ દુનિયા ટકેલી છે. માનવતાનું ઊર્ધ્વીકરણ તેમનાં સત્કર્મોથી આપોઆપ થાય છે. ચારે બાજુ દૂષણો, સ્વાર્થની વચ્ચોવચ્ચ જીવતાં હોવાં છતાં, સંઘર્ષોથી સતત છોલાતા રહેતાં હોવાં છતાં, અગરબત્તીની સુવાસની જેમ અન્યનાં જીવનનાં ઉત્કર્ષ માટે સતત કાર્યાન્વિત રહે છે. અને તેઓ કેટલાંય લોકોનાં જીવનમાં અતુલ્ય સ્થાન ધરાવતાં હોય છે.


ઝાકળબિંદુનું સ્થાન જેમ પાંદડા પર... 

                  ને પતંગિયું બેસે  ફૂલ પર..

રસવાઈ દીર્ઘઈ બેસે જેમ શબ્દ પર..
               ને ભાવ બેસે અર્થ પર .....

સ્થાન તો સહજ બને છે, જેમ સંવાદ થાય સહજ અપવાદ પર....


મિત્તલ પટેલ
"પરિભાષા"

No comments:

Post a Comment