Tuesday 3 August 2021



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝીન શિક્ષકજ્યોતના ઓગસ્ટ- 2021 અંકમાં મારો લેખ....

"મથામણ કરવી" અને "ઝઝૂમવું" એ જીવનમાં ટકી રહેવા માટે કેળવવા જેવાં ગુણો છે...☕💫



             કેટલીકવાર  ધ્યેય સુધી પહોંચવા કરતાં ત્યાં સુધી પહોંચવાની યાત્રા, મથામણ, પોતાનાં કાર્યમાં સંપૂર્ણ તલ્લીન થઈને સહજપણે જીવેલ ધ્યાનસ્થ ક્ષણો માંથી મળેલ પ્રસન્નતા વધું કિમતી, વધુ યાદગાર અને વધુ જીવંત હોય છે. ને આપણે હંમેશા તે જીવેલ ક્ષણોને, મળેલ ફળ કરતાં વધુ વાગોળતાં હોઈએ છીએ. આ જે યાત્રા છે તે ક્યારેય સરળ નથી હોતી. જ્યારે મનમાં પ્રશ્નો ઉદભવે, મુશ્કેલીઓ ,તકલીફો સતત માર્ગમાં દસ્તક દેતી હશે, અતિશય કપરું લાગતું કાર્ય લગભગ અશક્ય લાગવાનાં આરા પર હોય, અને કુદરત તમને ભયંકર અસમંજસની સ્થિતિમાં લાવીને મૂકી દે ત્યારે જો ઝઝૂમવાની વૃત્તિ તમારામાં હશે તો તમે હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન કરી, મૃગજળ સમાન લાગતાં ધ્યેયને સ્થૂળ સ્વરૂપે સફળતાપૂર્વક પ્રાપ્ત ચોક્કસથી કરી શકશો. કોઈપણ કાર્ય ગમે તેટલું કપરું લાગે પણ જો તેનો ઉદ્દેશ શ્રેષ્ઠ હોય,શ્રેયકર હોય, અને ઘણાં બધાનાં હિતનું વાહક હોય તો તેને મેળવવાં "સતત મથવું" પડે તો તે મથામણ તમને "સ્વ"ને તપાવી વ્યક્તિત્વને ઉજળું કરનાર ભગીરથી બની શકે છે.

"કોઈપણ કાર્ય તલ્લીનતાથી કરવું એ યોગ છે"


          આજે ચારેકોર, દરેક ક્ષેત્રમાં જે નૈતિકતાનો અભાવ જોવાં મળી રહ્યો છે તેના મૂળમાં જે તે ક્ષેત્રમાં તેમનાં કાર્યમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓ, પ્રશ્નો, મૂંઝવણો, વિરોધ, લોભ-લાલચ , વગેરે નો સામનો કરવાની, તેની સામે ઝઝૂમવાની, અને મક્કમપણે પોતાના કર્મો ને વળગી રહેવાની હિંમત અને મનોબળનો અભાવ કારણભૂત હોય છે."સ્વ"ની મર્યાદાને કારણે સાચાના પક્ષે ઉભા રહેવાની નીતિની સ્વભાવગત ગેરહાજરી ,અને જીવનમાં ઉભા થયેલા પ્રશ્નોનો ઉપાય શોધવાં "મથામણ કરવાની" , "ઝઝૂમવાની"  વૃત્તિનો અભાવ હોય છે. દરેક પ્રશ્નો, દરેક તકલીફ ,સમસ્યાનો ઉપાય તરત નથી મળતો તે માટે સતત પ્રયત્ન કરવો પડે છે. એક ઉપાય કારગત ન નીવડે તો બીજો, બીજો કારગત નીવડે તો ત્રીજો તેમ સતત પ્રયત્નશીલ રહેવા મનને કેળવવું પડે છે. અધવચ્ચેથી કાર્ય પડતું મૂકી દેવું તે તો પોતાના કમ્ફર્ટ ઝોનમાં ફરતાં ભમરડા જેવું વ્યક્તિત્વ કહેવાય. સાહસવૃત્તિ તે વારસામાં નથી મળતી તેને કેળવવી પડે છે. કોઈ સારા હેતુ માટે આરભેલ કાર્યને તેના ધ્યેય સુધી પહોંચાડવા "મરજીવા" બનવું પડે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે.


       "કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી"એનો મતલબ એ નથી કે એક જ કોશિષ કરવાથી સફળ થઈ જવાશે. આ કોશિષ વારેવારે જ્યાં સુધી પોતાનાં કાર્યમાં સફળ ન થવાય ત્યાં સુધી "સતત" કરવી પડે છે. સફળતા એ એક અવિરત યાત્રા છે.
 એક ગીત છે જે હંમેશા પ્રેરણા આપતું રહ્યું છે.
"એક રાસ્તા હૈ જિંદગી, જો થમ ગયે તો કુછ નહી...
       અગર કીસી મુકામ પે,જો જમ ગયે તો કુછ નહી....


       હવે આ ગુણો આપણે બાળકોમાં બાળપણથી કેળવવા ખૂબ જરૂરી છે. જે તેમને તેમનાં જીવનમાં આવતી મુશ્કેલીઓ ચઢાવ-ઉતારમાં ટકી રહેવા, જીવનમાં સફળ થવા, ખુશ રહેવામાં મદદ કરશે. EQ લેવલ મજબૂત બનાવવામાં મદદ કરશે.  આ કોરોના સમયમાં તે ઘરમાં પોતાનો મોટાભાગનો સમય વ્યતીત કરી રહ્યો છે ત્યારે તેનાં આ એકાંતને મોબાઈલ હાથમાં પકડાવી દઈ એકલતામાં પરિવર્તન ન કરો. તેનાં હાથમાંથી મોબાઇલ લઇ લો અને તેને આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બનાવો. તેનું ધ્યાન મોબાઈલમાંથી બહાર નીકળશે તો તે વાસ્તવિકતામાં જીવતા શીખશે. તેને રસ્તાઓ બતાવો. તેમાંથી કયો રસ્તો પસંદ કરવો તેને નક્કી કરવા દો. તેને વાંચન માટે પુસ્તકો લાવી આપો, પ્લાન્ટેશન માટે છોડ લાવી આપો, તેને મથામણ કરતો કરાવવા project materials, બધુ લાવી આપો. હવે તમે આ કર કે તે કર તેવું કહેશો નહીં. ટીવી કે મોબાઈલ ગેજેટ થી દૂર રહેશે તો આપોઆપ કંઈક નવું વિચારવા, નવું કરવાં પ્રવૃત્તિમય બનશે કદાચ એવું કંઈક વિચારીને કરે જે આપણે ન વિચાર્યું હોય બાળકનું મન અગાધ છે. તેને માત્ર વર્ચ્યુઅલ વર્લ્ડ થી દૂર કરી વાસ્તવિકતાનો અનુભવ આપવાની જરૂર હોય છે. કુદરત તેને આપોઆપ આંતરિક પ્રેરણા આપી મથામણ કરતા શીખવશે. નવા નવા મિત્રો બનાવવા પ્રેરશે, અને મિત્રો સાથે કોઈ ઝઘડો થાય પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે તેનું સોલ્યુશન કરી આપવા ઉતાવળા ન બની જાય. બાળક પર લાગણીનો કળશ ઢોળી તેનું ઉપરાણું લઇ ઝઘડવા ન બેસી જાવ. તેને તેના તેના પ્રશ્નો નું સોલ્યુશન જાતે લાવવા દો. તેને સાંભળો જરૂર,તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેનું તટસ્થ રહીને નિરિક્ષણ ચોક્કસ કરતા રહો પણ તેને જાતે નિર્ણય લેવા દો. જાતે રસ્તાઓ શોધવા દો. તેને પોતાનાં જીવનનાં સમીકરણનો ઉકેલ જાતે શોધવાં દો. તમે એવું પણ બને કે પોતાના વિચાર કરતાં વધુ ઉત્તમ ઉપાય તે શોધી કાઢે. પોતે પણ બાળક પાસેથી ઇન્સપાયર થાવ એવું પણ બને. નાનપણથી જ બધુ બેઠું બાળકને આપી દેવાને બદલે તેને પોતાની બે વોટર બેગ, કંપાસ બોક્સ, લંચ બોક્સ, જાતે તૈયાર કરવાની વૃત્તિ, બુટ મોજા જાતે પહેરવાની ટેવ, જમ્યા બાદ પોતાની થાળી જાતે મૂકવાની ટેવ બાળકને સ્વાશ્રયી બનાવવાની પ્રક્રિયાનું પહેલું પગલું બનશે.


મિત્તલ પટેલ
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી

No comments:

Post a Comment