Thursday 27 August 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"Joy of giving"☺️😊😀


    વર્ષો વીતી જાય ને...
         સ્પંદન રહી જાય ....એવું પણ થાય...

થોડુંક જીવ્યાં ના અણસાર... જીવાયા કરે છે આમ                    જીવનભર....

      આનંદ ની પરિભાષા શું હોઈ શકે? આનંદ ની પરિભાષા તેની અનુભૂતિથી જ છે. બાકી અત્ર-તત્ર સર્વત્ર આપણી ચારે તરફ આનંદ તો છે જ ... પણ તમે તેને  અનુભવી શકો તો જ તમે આનંદ માં રહી શકો. એ અનુભૂતિ ક્યારેય સ્વાર્થી માણસો ને કે દંભી કે ઢોંગી માણસો ને નથી થતી. અથવા તેઓ  જો દાવો કરતાં હોય તો તે માત્ર દેખાડો છે. આનંદ તો ભીતરથી ઉદભવે છે. નિઃસ્વાર્થતા, કોઈકને મદદરૂપ થવાની ભાવના, માત્ર પોતે જ ભેગું કરી લેવાનું નહીં થોડોક ભાગ બીજાના માટે વાપરવાની મહેચ્છા, કોક દુઃખી કે તકલીફ માં જીવતા માણસને શબ્દો રૂપી,હુંફરુપી, લાગણીરૂપી કે આર્થિકરૂપી..સહકાર આપવાની વૃત્તિ માંથી ઉદભવે છે. તમે કોઈ એવોર્ડ મેળવ્યો પણ તે આનંદની જ્યાં સુધી અન્ય આત્મીયજનો સાથે વહેંચો નહીં ત્યાં સુધી તમે તે આનંદને અનુભવી ન શકો. તમારી જિંદગીમાં આવતી કોઈ પણ આનંદની ક્ષણ તમારાં આત્મીયજન સાથેની વહેંચણીથી બમણી થઇ જાય છે.આથી જ નાની-નાની ક્ષણોને લોકો એકબીજા સાથે વહેંચીને જીવતાં શીખી જાય તો દરેક નું જીવન એક ઉત્સવ બની જાય.

            ક્યારેક પગારમાંથી થોડોક ભાગ જરૂરીયાત મંદ બાળકો અને લોકોને ખોરાક કપડાં કે અન્ય રીતે મદદ કરી ને અનુભવી જોજો. ઘરડા ઘરમાં કે મૂંગા બહેરા બાળકો ની સંસ્થાઓ કે પછી અનાથાશ્રમમાં થોડાંક સમય નું દાન આપી જોજો. તેમને પોતીકાપણાનો ભાવ તમે આપો છો. તે તેમનાં માટે સૌથી મોટો આનંદનો દિવસ બની રહેશે.  તેમાંથી તમને જે આનંદ મળશે તે અવર્ણનીય હશે. સૌથી મોટું દાન વિદ્યાનું દાન છે.કોઈ બાળકનું આગળનું ભણતર માત્ર પૈસાને લીધે અટકતું હોય તો તેને આર્થિક મદદ કરી જોજો. જો તમે શિક્ષક હોય તો તમે વિદ્યાના દાન આપવા માટે તમને ઈશ્વરે સામેથી દિવ્ય અવસર આપ્યો છે. તેને ભરપૂર જીવજો મનથી. તો તમે જે આનંદ મળશે તેની સામે પગાર ગૌણ બની જશે. પગાર જરૂરિયાત છે તે શિક્ષકત્વ થી તમારાં દ્વારા થતું કાર્ય તમને નિમિત્ત બનાવી ઈશ્વર જે બાળક માં રોપવા માંગે છે તે સત્વ થકી તમે ઈશ્વરની ખૂબ નજીક જીવવાની તક પૂરી પાડશે. તેનાથી વધુ આનંદ ની વસ્તુ બીજી શું હોઈ શકે!!

               અમદાવાદ અને બીજી કેટલીક સિટીમાં અમુક અમુક વિસ્તારમાં "વોલ ફોર નીડેડ"બનાવવામાં આવી છે. તેના પર લોકો પોતાના જુના કપડા રમકડા અને અન્ય તેમને ઉપયોગી ન હોય પણ જરૂરીયાત મંદને કામ લાગી શકે તેવી વસ્તુઓ મૂકી જાય છે જ્યાંથી જરૂરિયાત મંદ માણસો પોતાને જોઈતી વસ્તુ લઈ શકે છે. આ એક એવો શ્રેષ્ઠ વિચાર છે કે જેનાથી કોઈને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે અને કપડાં ખોરાક અને અન્ય સુવિધા દરેક લેવલના વ્યક્તિ સુધી અવેલેબલ થઈ શકે. કેટલી જગ્યાએ પુસ્તકો માટે ફ્રી લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ત્યાં લોકો પોતાના જૂના પુસ્તકો મૂકી જાય  અને  કોઈપણ વ્યક્તિ ત્યાં ઊભા રહી વાંચી શકે. પોતાના માટે નવા કપડાંની ખરીદી કરીને તો બધા નવું વર્ષ ઊજવે. પણ ક્યારેક રસ્તે રઝળતા બે ત્રણ બાળકોને નવા કપડા ની ભેટ આપી નવું વર્ષ ઉજવી જોજો. તમે સાચે કંઈક નવું સંચાર કરી રહ્યા છો પોતાનામાં અને તે બાળકોમાં એવો અનુભવ થશે. દરેક તહેવાર હોય ઉત્તરાયણમાં પતંગ હોય કે દિવાળીમાં દારૂખાનું .....તે પતંગ, દારૂખાનું જેઓ  તે લાવી શકવા સક્ષમ નથી તેમને વહેચીને ઉજવી જુઓ. આ તહેવારોનો આનંદ બમણો થઇ જશે. અને હા "જોય ઓફ ગિવિંગ" છે "જોય ઓફ ફોટો "નથી. તેથી કંઈ પણ કરો "હું કરું છું" તેવો ભાવ મનમાં ન લાવો. પછી આ બધી પ્રવૃત્તિના તમે ફોટો પાડી શેર કરશો તો તમે ભલે લોકો વાહ વાહ કરશે પણ તેનો જે અમૂલ્ય આનંદ છે તે તમે ગુમાવી દેશો. માત્ર ભાવવાહી મેળવવા જ તમે તે કર્મ કરો છો એવો અર્થ સરશે. ને બીજું જે લોકો આ મદદ મેળવે છે તેમને પોતે નાના છે એવી લાગણી અનુભવાશે. કોઈ નાનું કે મોટું નથી કર્મો અને વિચારથી માણસની વૃત્તિ અને સ્થાન પરખાય છે.

તું નાનો હું મોટો  ...
     એ ખ્યાલ જગતનો ખોટો
આ નાનો આ મોટો
     એવો મૂરખ કરતા ગોટો
ખારા જળનો દરિયો ભરિયો
    મીઠા જળનો લોટો
તરસ્યાને તો દરિયાથીયે
   લોટો લાગે મોટો
નાના છોડે મહેકી ઊઠે
    કેવો ગુલાબ ગોટો!
ઊંચા ઊંચા ઝાડે તમને
    જડશે એનો જોટો?
મન નાનું તે નાનો
    જેનું મન મોટું તે મોટો

-પ્રેમશંકર. ન. ભટ્ટ


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ


No comments:

Post a Comment