Thursday 20 August 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

💫કોઈપણ બીમારીથી બચવા કે તેમાંથી ઉગરવા દવા કરતાં માનસિક મનોબળ વધુ અસર કરે છે💫🗝️

         તમે ગંભીર બીમારીમાં  પટકાયા હોવ.. ને તમારી જીવવાની જીજીવિષા મરી પરવારી હોય તો કોઈપણ ડોક્ટર કે કોઈ પણ દવા તમને બચાવી નહીં શકે ‌. તેની અસરકારકતા જ નહિ રહે.કારણ કે તમારા અર્ધજાગ્રત મન એ તમારા શરીરને સંદેશો આપી દીધો છે કે હવે મારે જીવવું નથી. તો શરીરની દવા ને ટ્રીટમેન્ટ સામે પ્રતિક્રિયા પણ તે મુજબની જ રહેશે. એવું નથી કે દવા ક્યારેય અસર નથી કરતી પણ પહેલા તમારે મનથી મક્કમ અને પોઝિટિવ થવું પડશે કે... "મારે "જીવવું" છે"...."હું ચોક્કસ આ બીમારીમાંથી સાજા થઇશ"...."હું હજુ આ દુનિયાને મન ભરીને જીવવા ઇચ્છું છું".."હું એક યોદ્ધાની જેમ આ બીમારી સામે લડીશ ને જીતીશ". આ એટીટ્યુડ તમારે કેળવવો પડશે.

        આ કોરોના નામની મહામારીમાં પણ જો તમે તમારાં ડરને તમારાં પર હાવી થવા દેશો.. તો બીમારી સામેથી એટ્રેક્ટ થઈ તમારાં તરફ આવશે. કેમકે તમે ડરને લીધે સતત તેના વિશે વિચારો છો. આ ડર આવે છે ક્યાંથી?? સમાચાર નાં માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કેટલાક નેગેટીવ લોકોના સંસર્ગથી. જો તમે આ ડરથી 'પર' થઈ શક્યાં ને પ્લાનિંગ પૂર્વક આ ઇન્ફેક્શન સામે લડવા માટે માનસિક શારીરિક રીતે પોતાને સ્ટ્રોંગ બનાવી લીધું તો પછી તમે આ બીમારીથી દૂર રહેશો અથવા બીમારી થશે તો પણ તમે તેમાંથી સહેલાઇથી ઉગરી જઈ બહાર આવી શકશો. નિયમિત યોગા, પ્રાણાયામ ,એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ ,પોતાને ઈમ્યૂન કરતાં થોડાંક આર્યુવેદિક ઉપચાર રોજ કરતા રહો તો આ સમય તમારી જૂની લાઇફ-સ્ટાઇલને ધરમૂળમાંથી ચેન્જ કરી કાયમ માટે હેલ્ધી જીવન જીવવા સંજીવની પૂરી પાડશે.

        " ડિપ્રેશન"એક બીમારી છે તેવી તો થોડાક વર્ષોમાં ઉજાગર થયું. વર્ષો પહેલાં પણ માણસ નિરાશામાં સપડાઈને જીવન સંકેલી લેતાં હતાં તેનાં કેટલાય ઉદાહરણ છે. હા પ્રમાણ થોડું ઓછું હતું કારણકે પોતીકાપણું, આત્મીયતા ,સંવેદન સોશિયલ મીડિયા પર આટલું નિર્ભર ન હતું. આજે પોતાના વ્યક્તિ સાથેનાં સંબંધોમાં પણ મોબાઈલ ફેક્ટર..ઘણો અસર કરે છે. પહેલા ના સમયમાં માણસ પાસે બીજા માણસ ને છેતરવા માટે નાં આટલાં બધાં માધ્યમો ન હતાં માણસ પોતાનાં વ્યક્તિઓ સાથે સાચા અર્થમાં "કનેક્ટેડ" હતો....."મારા મેસેજનો રિપ્લાય કેમ ન આપ્યો?".."ત્રણ-ચાર કોલ કર્યા ઉપાડતા કેમ નહતાં?"..."whatsapp પર રાત્રે મોડા સુધી ઓનલાઇન કેમ હતા?"... આ બધી વસ્તુઓ પર આજે આપણે સંબંધની મુલવણી કરીએ છીએ. સંબંધને, પોતાનાપણાને ,લાગણીને આ બધાંથી માપીએ છીએ.શું ખરેખર આપણે સોશિયલ મીડિયાને આપણા સંબંધો પર હાવી થતાં "જોઈ" શકીએ છે ખરાં!! જો આ રીતે વિચારીએ તો તમે કોઇપણ સંબંધમાં ક્યારેય સ્થિર રહી શકવાનાં જ નથી. તમે એક આખાં વ્યક્તિત્વને, એક વાવાઝોડાને ફોનની 5 બાય 5 ની સ્ક્રીન માં લોક કરવા મથો છો. આનાથી ઉત્પન્ન થાય છે એકલતા,ડિપ્રેશન ની બીમારી. એન્ટી સોશિયલ પર્સનાલિટી નો ઉદ્ભવ. હા તે કોઈપણ બીજી બીમારી કરતાં વધુ પીડાદાયક અને જીજીવિષા ને મારી નાખનાર બીમારી છે હા આમાં પણ "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર" સૂત્ર ચોક્કસ લાગું પડે છે.

            તમારાં સોશિયલ મીડિયામાં કેટલું ફ્રેન્ડ લિસ્ટ છે તેનાં કરતા થોડા પણ સાચાં મિત્રો કેટલાં છે તેને મહત્વ આપો. તેમને સમય આપો. 'આત્મીયતા' પોતાનાં વ્યક્તિએ જોડે જાળવી રાખવાં તેનું જતન કરવા, તેમનાાટે સમય આપો. સોશિયલ મીડિયાના અથવા મોબાઇલના સ્પંદનો, ખોખલી દુનિયાને વધુ મહત્વ આપવાને બદલે પોતાના વ્યક્તિ, તેનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને પોતાની સાથે તેના સંવેદનશીલ આત્મિક જોડાણને વધુ મહત્વ આપો. તે વ્યક્તિને તે સંબંધને એક અતૂટ વિશ્વાસ ની જરૂર છે. સ્વીકાર ની જરૂર છે. ભૂલો સાથે, ખામીઓ સાથે સંપૂર્ણ સ્વીકારની.

         તમે તો તે માણસને ,સંબંધને ઈશ્વર જોડે ત્રાજવામાં તોલવા બેસી ગયાં!!! સહેજ કાટલું નમ્યુ એટલે બસ કાપી કાઢ્યાં સબંધ. અરે તે તો નમવાનું જ છે. એક બાજુ ઈશ્વર છે ને એક બાજુ ખામી ખૂબી વાળો સામાન્ય માણસ. તેનાથી તો ભૂલો થવાની. આ પરિસ્થિતિના અનુરૂપ, તેની સામે આવતા પડકારને અનુરૂપ તેને જીવવું પડવાનું. પણ એ બધાથી પર થઈ સંગાથે સતત જીવી શકે તેનું નામ "સમ-બંધ". અને આ સમ-બંધ હશે ત્યાં એકલતા ડિપ્રેશન ક્યારેય નહીં આવે. આ સોશિયલ મીડિયાના સંબંધ પરનાં આ પ્રભાવથી પર થવાં પણ મજબૂત માનસિક મનોબળ ની માનસિક મક્કમતા ની જરૂર પડે છે.

           કોન્ટ્રોવર્સી એ જીવન નો સ્વભાવ છે.તેમાં બીમારીઓ, તકલીફ, મુશ્કેલીઓ,અણધાર્યાં વળાંકો ...જાણે કોઈ રોલરકોસ્ટર રાઇડ માં બેઠા હોઈએ તેમ આવવાનાં જ છે. તેમાં "આત્મવિશ્વાસ" અને "આત્મ શ્રદ્ધા" રૂપી દીવાદાંડી હંમેશા સાથે રાખશો તો તમને કશું પણ ડગાવી નહિ શકે. ને દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન થઈને જીવી શકશો.

           "સંજુ" મુવી નું એક ગીત છે... "કર હર મેદાન ફતેહ".. ક્યારેક નિરાશ આવે ત્યારે સાંભળી જોજો. એક ઉર્જાનો આવિર્ભાવ થશે. એમાં કેટલાક ઉસ્તાદ ના ગીતો નો ઉલ્લેખ પણ છે. જે ખરેખર દરેક વ્યક્તિમાં જીજીવિષા નો દીવો જીવતો રાખવાં મદદરૂપ થાય એવાં છે. જ્યારે તમને એ દીવાઓ હોલવાતા દેખાય!

"ન મુંહ છુપા કે જીઓ ઔર ન સર જુકાકે જીઓ...
      ગમો કા દોર ભી આયે..તો...
                 મુસ્કુરા કે જિઓ..."

"રુક જાના નહીં તું કભી હાર કે"

"કુછ તો લોગ કહેગે...
      લોગો કા કામ હૈ કહેના..."

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
    

No comments:

Post a Comment