Tuesday 2 August 2022

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જુલાઈ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀




ભણેલા અભણ ...એટલે!!



          વાંછટ ઘરમાં આવતી હોય તો વાંછટિયુ લગાવાય, વરસાદ બંધ કરવાં જવાનાં વિચારો કરવા ન મંડી પડાય. એ જ રીતે સમસ્યા હોય તો તે સમસ્યાના ઉકેલની દિશામાં વિચારોનું હોકાયંત્ર સેટ કરવું જોઈએ. માત્ર સમસ્યાનાં રોદણાં રડ્યા કરવાથી, તેને બહાનાઓના સ્વરૂપે એક ઢાલ બનાવીને કન્ફર્ટ ઝોનમાં બેસીને જીવ્યા કરવાથી વિચારો, મગજ, જીવનદ્રષ્ટિ ઘરડી થઈ જાય છે. અને ઉત્તરોત્તર મૃત્યુ પામેલ વિચાર શક્તિ સાથે જીવતાં એજ્યુકેટેડ સર્કિટો સિવાય કંઈ જ બચતું નથી.

               તમારામાં તર્ક બુદ્ધિનો વિકાસ ન થયો હોય, કોઈપણ ઘટના કે બનાવને એઝ ઈટ ઇસ જૂની ઘરેડમાં સ્વીકારી લેવાને બદલે તર્ક શક્તિથી એકવાર ચકાસી પછી અપનાવવાની ટેવ ન પડી હોય ,તમારામાં જિજ્ઞાસાવૃત્તિની રતિભર હાજરી ન હોય, મેઘ ધનુષ કે આગિયો જોઈને મન અને આંખોમાં કુતુહલતાની રંગોળી ન રચાતી હોય, "વિસ્મય" નાં ભાવનો લોપ થઈ ગયો હોય, તો સૂકું સૂકું ભણેલું, પૈસા કમાવા માત્ર ભણેલું, માત્ર નામ કમાવવા ભણેલું, કોઈ કામનું નથી. તે માત્ર જીવાડે છે. સાચાં અર્થમાં જીવતાં જીહવળતા, જીવનનો અર્થ મર્મ પામવાં મન મગજને તૈયાર કરતાં નથી શીખવતાં. આનંદ પૈસાથી મળે, પ્રસન્નતા પામવા શું કરી શકાય? તે શીખવે તે સાચું શિક્ષણ. ચોપડીનું ગોખીને માર્ક્સ લવાય, નવું વિચારવાની વૃત્તિ, મનમાં પ્રશ્નો ઉદ્ભવે અને તેનાં જવાબ શોધવા મથામણ કરવાની વૃત્તિ, સારું કમાતાં કમાતાં જીવન સાથે ઓળઘોળ થઈને જીવાય કઈ રીતે? તે "આર્ટ ઓફ લિવિંગ" શીખવાની વૃત્તિ કેળવાય એ જ સાચું શિક્ષણ છે. માણસ માત્ર ગોખણીઓ રોબોટ કે જ્ઞાનનો કૂવો, જેનામાં માનવતા,તત્પરતા, જિજ્ઞાસાના છાંટારુપી ભેજ પણ ન હોય, મૂલ્યોની ગેરહાજરી સાથે ડિગ્રીઓની ભરમાર હોય, તો ચોક્કસ તેની અધોગતિ થવાની....


શિક્ષણ તો દિપકની જ્યોતની માફક ઉર્ધ્વગામી હોવું જોઈએ...


મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ
ગાંધીનગર
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

No comments:

Post a Comment