Tuesday 2 August 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ... "શિક્ષકજયોત " મેગેઝિનનાં ઓગષ્ટ -2022 અંકમાં મારો લેખ .....✍️💫

બાળેશ્વરોનું મંદિર એવી શાળાનું ભાવાવરણ...🌴🌷

             "વાતાવરણ" અને "ભાવાવરણ"માં ફરક એટલો જ છે કે એક આવરણ બાહ્ય છે. અને બીજું આંતરિક ભાવોથી એક ઓરા રચતુ અને તે ભૂમિ પર પગ મુકતાં દરેકને સ્પર્શતું, સ્પંદિત થતું, અને આનંદીત, પ્રફુલ્લિત કરી દેતું એક જીવંતાવરણ. શાળા માત્ર સરસ મજાનાં રંગોથી રંગાયેલી દીવાલો, ભૌતિક સુવિધાઓથી નથી બનતી. તે તો મકાન છે. બાળેશ્વરોને આવવું ગમે, ભણવું ગમે, વિહરવું ગમે, તેવાં મંદિરીયા જેવી શાળા ત્યારે જ બને જ્યારે શિક્ષકોને બાળકો માટે લાગણી ,ભાવ , હૂંફ, પોતાનાપણું, આત્મીયતાથી છલોછલ વ્હાલનું ઝરણું ક્યાંક સતત વહેતું હોય. બાળકેન્દ્રી અભિગમથી જ્યાં શિક્ષણ કાર્ય થતું હોય ને ત્યાંનું ભાવાવરણ કોઈને પણ અભિભૂત કરી જાય તેવું હોય છે,સ્પર્શી જાય તેવું હોય છે. અને તે શાળામાં બાળકો પણ હોંશે હોંશે ભણવા આવશે. તેમને બોલાવવા નહી જવું પડે કે કરગરવું નહીં પડે, શોધવાં નહી જવા પડે.

કોક હૈયામાં ભારોભાર છલકાતું હેત હશે...
        તે શિક્ષક થકી જ શાળાની ભોમ પર રોનક હશે...

બાળ હૈયા સુધીની લિફ્ટ બની હશે
        તે લાગણીની છોળો......!!

તેથી જ તે શાળામાં સતત ઉજવાતો
      શિક્ષણ નો ઉત્સવ હશે.....!!

                કોરાટે મૂકેલ લાગણી અને સ્મિત વિહોણો ચહેરો લઈને શાળાએ પહોંચતાં શિક્ષકો બાળકોની સહજ નિર્દોષ ઉર્જા પણ નીચોવી લે છે. પ્રાર્થનામાં બેઠેલ બાળકોના મોઢા સ્ટ્રેસવાળા ઉતરેલા અને ઉર્જાવિહિન ભાસે તો સમજવું કે તે શિક્ષકનાં મનોભાવનું પ્રતિબિંબ છે. એક સુંદર અને સહજ સ્મિત સાથે શાળામાં અને વર્ગમાં પ્રવેશતો શિક્ષક ઉત્સાહ અને ઊર્જાનો ધોધ બાળકોમાં ટ્રાન્સફર કરે છે. અને તે ચોક્કસથી પડઘાય છે બાળકની હોશમાં, ઉત્સાહમાં, પ્રસન્નતામાં.

              બાળક એ ઈશ્વરની એવી કૃતિ છે કે સાચાં શિક્ષકમાં બાળકની નિર્દોષતા, સહજતા, પ્રસન્નતા, ઉત્સાહનું પ્રત્યારોપણ થાય છે. શરત માત્ર એટલી જ કે શિક્ષકને બાળકના ભવિષ્ય માટે ચિંતા હોવી જોઈએ. તેને ભણાવવાની, બાળકોના જીવન બનાવવાની નિયત હોવી જોઈએ. માત્ર વધુ નહીં તો શાળા સમયમાં બાળ હિતમાં કાર્ય કરવાની, તેમને ભણાવવાની હોશ હોવી જોઈએ.

             એક "શાશ્વત વસ્તુ" જે જીવન પર્યંત ,કદાચ જીવન પછી પણ જીવ સાથે બંધાતા ઋણાનુબંધ સ્વરૂપે મેળવવાં ઈશ્વર શિક્ષક તરીકે જન્મ આપે છે. જે પૈસાથી નથી ખરીદી શકાતી, નથી પ્રયત્નો કરીને મેળવી શકાતી. માત્ર બાળકોની સાથે જીવીને તેને પામી શકાય છે. પણ તે માટે આપણે એવોર્ડો, દંભ, દેખાડો "હું " પણું થી પર જઈ, બાળહિતમાં વિચારી શકવા પોતાની જાતને કેળવવી પડે. એવોર્ડ મેળવવાનો હેતું માત્ર શિક્ષકના કાર્યને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ.ને શિક્ષકે પણ તે જ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. નહીં કે"હું"બહુ મોટો માણસ છું, બહુ હોશિયાર માણસ છું,"મે" બાળકો માટે આટલું બધું કાર્ય કર્યું, એ અહમ્ આવી જાય એટલાં હદ સુધી આસક્તિ રાખી એવોર્ડાધિન શિક્ષણ કાર્ય કરવું. એ તો અહમ્ ને પોષવાનો શિરસ્તો છે. કામ કર્યું છે તો બૂમો પાડીને કહેવાની જરૂર નથી. એ તો દેખાય જ જશે. અને તે શિક્ષક ની ફરજ પણ છે."માત્ર બાળકોને કેન્દ્રમાં રાખીને જ અને બાળકો પ્રત્યર્થે જ કાર્ય કરવું"એ શિક્ષણ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ની નૈતિક જવાબદારી છે.

                 શિક્ષક તો પ્રોત્સાહનનો મુખ્ય સ્ત્રોત છે. બાળકમાં ઉમંગની છોળોનું વાવેતર કરતો ખેડૂત છે. સવારે પ્રાર્થના સભાથી જ "તમને આટલું પણ નથી આવડતું".."બધા બગડી ગયાં છો".."ડફોળ છે તું".."આવડતું તો છે નહીં કશું" જેવાં કે આનાથી પણ વધુ બાળ હૃદયને ઠેસ પહોંચાડતાં વાક્યો જાહેરમાં બોલવામાં આવે ત્યારે બાળ હૈયું હતાશાની અનુભૂતિ કરે છે. તેમનો ભણવાનો ઉત્સાહ સવારથી જ ઓસરી જાય છે. પ્રાર્થના સભા તો બાળકોને ભણવા માટે માનસિક રીતે તૈયાર કરવાનો, બાળકમાં 'આઈ કેન ડુ' વાળો અભિગમ વિકસે, તે માટે ઉમંગના, હકારાત્મકતાના દોરાથી બાળમનડાનું પોત‌ ગુથવાનો અવસર છે. પ્રાર્થના સભામાં નકારાત્મક વાક્યોનો મારો ચલાવતાં શિક્ષકો જાણે અજાણે બાળકોને ભણવાથી વિમુખ કરી દે છે. ભણવું એક જડ અને ફરજિયાત કરવાની પ્રક્રિયા છે. એવું ઠસાવી દે છે. શું આવાં ભાવાવરણમાં બાળક ખીલી શકે ખરો? ખુલી શકે ખરો? વિકસી શકે ખરો? તમારા અંતરમનને પૂછી જોજો.. આવી નકારાત્મકતાની ખેતી કરવી, શાળા અને બાળકો માટે કેટલાં અંશે વ્યાજબી છે? નાનું અમથું પણ સારું કાર્ય કરનાર બાળકને જો જાહેરમાં શાબાશીના બે શબ્દોથી નવાજવામાં આવે ને તો માત્ર તે જ નહીં, અન્ય બધાં બાળકો વધુને વધુ સારું કાર્ય કરવા પ્રેરાશે. બાળકને આપણે હકારાત્મક શિક્ષણ તરફ વાળવો છે કે તેનાથી વિમુખ તે શિક્ષકે નક્કી કરવાનું છે. અને તે દિશામાં સતત પ્રોત્સાહન આપી તેઓને આગળ લઈ જવાના છે.

              શિક્ષકનાં શબ્દો અને વર્તન બાળકોમાં આજીવન પડઘાય છે. માટે શબ્દો અને વર્તનમાં હકારાત્મકતા, હૂફની ભીનાશ અને બાળ હિતમાં કાર્ય કરવાની તલાવેલી સ્પંદાવી જોઈએ. શિક્ષક જીવંતતાથી છલોછલ અત્તર જેવો હોવો જોઈએ. જે બાળકોના સંપર્કમાં આવતાં બાળકો વધુને વધુ જીવંત બની જાય અને આવાં લાઈવ ભાવાવરણમાં જ બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.

શિક્ષક ક્યારેય પ્રસિદ્ધિનો પૂજારી ન હોવો જોઈએ.

           તે તો બાળહૈયાનો પુજારી છે. તેનો ભગવાન છે. તેનાથી ઊંચું પદ કયું હોઈ શકે..!!

મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ, ગાંધીનગર
 ૯૪૨૮૯૦૩૭૪૩

No comments:

Post a Comment