Thursday 25 August 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

માણસમાં જ્યારે "મમત" ઉમેરાય....✍️👥



          "મારું" , "મારું જ" અને "મારું પણ" એ ભાવ અને મમત માણસની સૌથી મોટી કમજોરી બની શકે છે. "મારું" માંથી જ્યારે "આપણું" સુધી પહોંચે ને ત્યારે સંબંધો સચવાય છે. અને "મારું" માથી "સૌનું" આવે છે, ને ત્યારે સમાજ સચવાય છે. "વ્યવસ્થાપન" શબ્દ સામુહિક છે. માણસને જીવવા માટે માણસની જરૂર પડે છે. કરોડો રૂપિયાનો ઢગલો કરીએ તોય માણસ આખી જિંદગી કોઈ વસ્તુ સાથે કે મહેલોની દીવાલો સાથે એકલો ન જીવી શકે. તેને તો જીવંતતાથી, સંવેદનાઓથી, લાગણીથી, તરબતર ધબકતો બીજો એક માણસ જોઈએ. જેની સાથે તે પોતાનાં જીવનની નાની નાની ક્ષણો શેર કરી શકે . નાની નાની ખુશીઓ, તકલીફો, આશ્ચર્યો વહેંચી શકે. તેને કોઈ સાંભળે, તેટલી જ અભિલાષા માણસને આખી જિંદગી જીવાડી શકે છે.


             આજે માણસ જેમ જેમ સ્વકેન્દ્રી બનતો જાય છે, તેમ તેમ અન્ય માણસોથી, કુટુંબથી, સમાજથી અને સૌથી વધુ તો પોતાની જાતથી જ વિખુટો પડતો જાય છે. અને આ પ્રક્રિયા, પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી ચારકોર પ્રસરી રહી છે. આજે માણસને પોતે જ કમાઈ લેવું છે ,પોતે જ ભોગવી લેવું છે, પોતે જ શ્રેષ્ઠતમ દેખાવું છે. કંઈ પણ અન્ય સાથે વહેંચવું નથી, અન્યની તકલીફોને, પીડાને સંવેદી શકે, સ્પર્શી શકે અને તેનાં દુઃખને વહેંચી શકે તેટલી ફુરસદ તેનામાં નથી રહી. કોઈપણ વ્યક્તિ જીવનની નાની મોટી ખુશીને તો જ ફીલ કરી શકે છે, જ્યારે તે કોઈની જોડે વહેંચે છે. જ્યારે આપણે સામેવાળા માણસનાં ક્યારેય દુઃખ દર્દને અનુભવવાની ને સાંભળવાની દરકાર ન લીધી હોય, મુશ્કેલીઓમાં મદદ ન કરી હોય, ક્યારેય જરૂરિયાતમંદને દાન ન કર્યું હોય, મનથી ભાગી પડેલાં ને ક્યારેય સાંત્વનાના શબ્દોથી ટાઢક ના આપી હોય, ક્યારેય જીવનમાં કોઈને સાચું પ્રોત્સાહન ન આપ્યું હોય તો ,આપણી ખુશીમાં સાચાં ભાવથી ભાગીદાર થવાવાળું વ્યક્તિ તમને ક્યાંથી મળશે? પછી તમને તમારા જેવાં જ સ્વાર્થી માણસો, ખાલી ખાલી ખોખલું, સારું સારું બોલવાવાળા માણસો જ મળશે.

 તમે સાચી પ્રશંસા કરી શકો તો જ તમને સાચી પણ પ્રસંશા મળે.ખરા દિલથી જરૂરિયાતમંદને મદદ કરી શકો તો જ તમને મદદ મળે. તમે કોઈની ખુશીમાં ખુશ થઈ શકો, ઈર્ષા કે દ્વેષભાવ વગર તેની ખુશીને, સફળતાને બિરદાવી શકો તો જ તમને તેમનાથી વધારે સાચી ખુશી અને સફળતા મળે. તમે અન્યોની સફળતામાં પોતે આનંદનો ભાવ અનુભવી શકો તો જ તમે પોતે પણ સફળ થઈ શકો.



  મમત છોડીને થોડીક ક્ષણો
           "સમત્વ"માં... આવ...તું...

  થઈ શકે તો ઈશ્વરને સાવ...
            આમ જ ન વગોવ ...તું...

તે કર્યું છે તે જ તને મળશે
શેષ જે વધશે તે જ તારાથી છૂટશે...

ખોખલાપણામાંથી એટલે જ...
          સરભર થઈ બતાવ તું.....

અતિ થી ઇતિ સુધી..
      સમભાવ જન્માવ તું....

"તૃપ્તિ"ની પરિભાષા...
         ભૂખ્યાને પૂછજે...

 મંદિરમાં નહીં માણસમાં...
        ઈશ્વર શોધી બતાવ તું....!!




મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ 

No comments:

Post a Comment