આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
"સ્નેહના ઉપનિષદ"✨🌱
એક કલમ, એક રાગ ,એક અનુરાગ ને પ્રયત્નપૂર્વક ન કેળવી શકાય. તે સહજ સ્ફુરતુ,સહજ આથમતુ અને સહજ ઓગળીને "સ્વ" માં ભળતું સત્વ છે.
ઘોડાપૂરને જીરવી શકવાની તાકાત હોય, સ્મિતમાં રહેલ અશ્રુઓને ખાળી શકવાની ત્રેવડ હોય, ધીરજનાં ચરણ કમળમાં અશાંતિની વિભૂતિ દેવાની હિંમત કેળવી શકો, સતત સામા પ્રવાહે તરવા મક્કમ મનોબળ અપનાવી શકો તો જ આ નકશામાં અંકિત થઈ શકવાની ક્ષમતા ધરાવો છો.
તિરાડો ની ભીતર ઝાંખી
કદી સાંધા મારી શકાય નહીં...
બની શકો તિરાડ
તો સંધાન ત્યાંનું ત્યાંજ છે.
વહેમ હોય કે ઓસડ..
જો હોય તો ત્યાં નું ત્યાં જ છે
દવાદારૂ બને અશ્રુ...
એ સંવિધાન ત્યાં નું ત્યાં જ છે..
એક "વિશ્વાસ" એવી વસ્તુ છે કે જે સંધાન બની શકે છે. બાકી તે નથી, તો કંઈ જ અસ્તિત્વમાં નથી. અવિશ્વાસની નાવમાં બેસીને સ્નેહના હલેસા મારવાની તમે જો મહેચ્છાઓ રાખતાં હોવ તો તમે કાગળની નાવમાં બેઠા છો. ડૂબવાના જ છો. વિશ્વાસ એ કોઈ એકમાર્ગી પ્રક્રિયા નથી, દ્વિ માર્ગી છે. દક્ષતા ધરાવનારને જ આ દિક્ષા મળી શકે. નહીંતર કિનારે બેસીને જ લહેરો જોડે વાતો કરવી વધારે ઉત્તમ છે.
કંઈ કેટલીય વાર દરિયો મોજાને પૂછે છે...
" તમે ક્યાંક ને ક્યાંક તો સમાયા છો મારામાં!!"
મોજા રોજ હસીને કરી જાય છે પોતાને કિનારે...
એ વિશ્વાસ સાથે કે ફરી દરિયો મારામાં વહેતો થશે.
માણસ જીવનની દોડધામમાં ખુદને હંમેશા વિસારે પાડી દે છે. સંવેદના સુકાતી જાય છે. અને જીવંતતા કરમાતી જાય છે. અને એક એવાં લેવલ પર માણસ પોતાને લાવી દે છે, જ્યાં પથ્થરસમ બનેલ તેનાં મનોભાવ પર કોઈનું હાસ્ય, રુદન, કોઇની પીડા, કંઈ જ તેને સ્પર્શી શકતું નથી. આ સ્થિતિ સુધી પહોંચતાં પહેલાં નાનું બાળક હોય કે ઘરડું વડીલ કે સંપર્કમાં આવતાં કોઈપણ જીવંત વ્યક્તિ સાથે આત્મીયતાથી તક્ષણ જીવી શકાય તો તે ક્ષણ તેને ક્ષણાર્ધ સુધી પોતાનાં "સ્વ" જોડે જોડાયેલ રાખે છે. અને પથ્થરસમ બનતાં અટકાવે છે.
મિત્તલ પટેલ
" પરિભાષા"