Monday 28 June 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

વાઈપર સમ પાંપણ... અદકેરી...
      નુંછે અશ્રુ.. કે .. ઝાકળબિંદુ....પીડાના...🌨️🧏
 

 

       ગાડીમાં જેમ વાઇપર પાણી કેરા આવરણને દૂર કરી દ્રશ્ય સ્પષ્ટ દેખવામાં આપણને મદદ કરે છે તેવી જ રીતે આંખો, જેમાં આપણી દ્રષ્ટિ છે, તેનું દૃષ્ટિબિંદુ, તેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ બને, વધુ ધારદાર બને, વધુ કેળવાય તે માટે અશ્રુ નામનું પ્રવાહી ઉત્તમ સેનેટાઈઝર સાબિત થાય છે. ને પાંપણ તેને વાઇપરની માફક ખંખેરી... વધું નિર્મળ, વધુ સ્વચ્છ ,વધુ વાત્સલ્યની નીતરતી, વધુ જીવંતતાથી છલોછલ બનાવે છે.

 

 

        પ્રિય હોય તેને પ્રિયવત બનાવી રાખવા તે દ્રષ્ટિકોણ કેળવવો પડે છે. કૃષ્ણમાં "કૃષ્ણપણુ" જોવું એ દ્રષ્ટિ કેળવવા આપણામાં રહેલ "માનસ" ને મઠારવું પડે. તેવી જ રીતે પીડાને "પીડાપર્યત" પર થઈને તેનામાં છુપાયેલ 'અવસર'ને નિહાળવું, તેનામાં રહેલ સંઘર્ષથી 'પર' આત્મસંતોષ રૂપી સંજીવનીને જોવું, તે દ્રષ્ટિ કેળવવી પડે છે.

 

 

તમારું હૃદ વલોવાય છે...

       તો તમે જીવંત છો...

તમે સ્વથી વધુ બીજાની વેદનાં..

      સંવેદી શકો છો ..

            તો તમે જીવંત છો

તમે જીવનને "જીવથી વધુ" વહાલ કરી                

        જીજીવિષા ટકાવી રાખી..ખુલીને તેને માણી શકો છો

             તો તમે જીવંત છો...

 

   

        સંવેદના તો જીવંત વ્યક્તિને જ થતી હોય છે. બાકી ફક્ત શ્વાસ ચાલતાં હોય અને જીવતાં હોય તેવાં પથ્થર જેવાં માણસો માટે તો જીવન એટલે એક ફિક્સ સિડ્યુલ માં પૂરું કરવા ઈશ્વરે આપેલ કોઈ ટાસ્ક. જેમાં નથી કોઈ રંગ હતો, નથી કોઈ જીવવાનાં હોશરૂપી જીજીવિષા.

 

 ભરપૂર જીવવું ઈશ્વરના મંદિર માં બેસી ને યજ્ઞમાં આપેલ કૃતજ્ઞતાની આહૂતિ છે...

 

       બાળક કેટલું નિર્દોષતાથી હસી, રડી શકે છે,જીદ કરી શકે છે, ગુસ્સો કરી શકે છે, અગ્રેસીવલી કોઈ વસ્તુને મેળવવાં ઉધામા કરી શકે છે કારણકે હજી તેનાં પર ખોટા દંભના આચળા નથી ચડ્યાં હોતા. તે નિર્દોષતા જીવનને જીવવાલાયક બનાવે છે. બસ આવી નિર્દોષતા, પારદર્શકતા, મન કર્મ વચનમાં એકરૂપતા, તમે કેળવી શકો તો સાચા અર્થમાં જીવન જીવવા જીવન દૃષ્ટિ કેળવી લીધી છે એવું માનજો.

 

       એક તાંતણે જીવને બાંધી રાખતો ભાવ એ સંવેદનાની પારાશીશી છે. ક્યારેક વ્યવહારમાં, ક્યારેક સંજોગોમાં ,ક્યારેક જીવન રાહ માં નવાં નવાં વળાંકો આવે તે અનુસાર પોતાને, પોતાની આવડત અનુસાર ગોઠવવામાં  આપણે સૌ તેમાં સફળ જ થઈ એ જરૂરી નથી અને તે અસફળતા સામેવાળાની પણ હોઈ શકે છે તે કદાચ એ સંજોગો પ્રમાણે પોતાની જાતને ઢાળી શકવા સક્ષમ પુરવાર ન પણ થઈ શકે. તેની અક્ષમતાને મહત્વ આપવા કરતાં, તેનાં તે સંજોગોનો સામનો કરવાનાં પ્રયત્નોને મહત્વ આપી , તે વ્યક્તિમાં રહેલાં 'સ્વ'ના અંશને મહત્વ આપી, કંઈક પોતીકું ત્યાં જોડાયેલું છે તે તત્વને મહત્વ આપી શકીએ તો માનવતા ક્યાંય મરી પરવારી નથી એ પુરવાર થઇ જશે...

 

મિત્તલ પટેલ

"પરિભાષા "

અમદાવાદ

No comments:

Post a Comment