Thursday 3 June 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝીન શિક્ષકજ્યોતના જૂન- 2021 અંકમાં મારો લેખ.."કોરોના સમય અને બાળકોની માનસિક સ્થિતિ"..

         મોટેરાઓને જો આ પરિસ્થિતિ માનસિક રીતે હચમચાવી દે તેવી હોય તો... બાળકો જેમની મૂળ પ્રકૃતિ રમવાની હોય, મિત્રો સાથે ઉછળકૂદ કરવાની હોય, દુનિયાદારીની હજી કંઈ જ સમજણ ન હોય, તેવાં ભૂલકાઓ દોઢ વર્ષથી  ઘરમાં પુરાયેલા છે. તેઓ આ તેમની પ્રકૃતિથી વિરુદ્ધ પરિસ્થિતિને કંઈ રીતે મેન્ટલી ટેકલ કરતાં હશે...

             કંઇ કેટલીય દૂવિધાઓને મનમાં લઈને તેઓ ફરતાં હશે! મોટેરાઓની જેમ સરકાર કે લોકો પર દોષારોપણ કરતાં કે સોશિયલ મીડિયા પર તેમનો ઉભરો ઠાલવવા જેવી બીજી કોઈ અભિવ્યક્તિ કરવી તેમની ક્ષમતા નથી.....બસ અંદરો અંદર તેઓ ઘૂઘવાતા હશે.. શું થઈ રહ્યું છે? કેમ થઇ રહ્યું છે? હું કેમ રમવા નથી જઈ શકતો? શાળાઓ કેમ ચાલુ નથી થતી? સમાચાર ન્યુઝ પેપરોમાં માત્ર એક જ પ્રકારના ન્યુઝ કેમ આવ્યાં કરે છે? આવાં બધા ઘણાં પ્રશ્નો તેનાં અંતરમનમાં ઉઠતાં હશે પણ તેને વાંચા તે નહીં આપી શકતો હોય. હાં ક્યારેક આંતરિક સંઘર્ષથી થાકીને રડી દેતો હશે. અમથો અમથો નાની નાની બાબતમાં ગુસ્સે થઇ જતો, રિસાઈ જતો હશે. ઘણાં ધમપછાડા કર્યા પછી પણ તે જે નોર્મલ લાઈફ જીવવા ઇચ્છે છે તે નહીં જીવી શકે એટલે મનોમન અકળાતો  હશે.

           "અભિવ્યક્ત થવું" એ બાળકો માટે હાલનાં સમયની બેઝિક નીડ છે. તેને બોલવાં દો. ગુસ્સે થવા દો. તેની વાતો એક સારાં શ્રોતા બનીને સાંભળો. પણ ઘરનાં અને બહારનાં કામોમાંથી સમય કાઢી તેમની જોડે થોડીકવાર બેસવાનો સમય કાઢી શકાય. તેનાં મિત્રો સાથે ફોન પર વાતો કરવા દો. ખુલવા દો તેમને.તેમને દાદા ,માસી, ફોઈ કઝિન્સ જોડે વિડીયોકોલ થી વાત કરાવી શકો. તેઓ ઘરમાં નાનાં મોટા તોફાન કરીને, અલગ-અલગ પ્રકારના અવાજો કરીને, બુમો પાડીને, મોટેરાઓનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન પણ કરતાં હશે તો તમને ડિસ્ટર્બ કરવાં બદલ સજા ન કરતાં. તેમની સાયકોલોજીકલ સ્ટેટસ ને સમજી પ્રેમથી અને વ્હાલથી કામ લઈ શકાય.

            એક શિક્ષક માટે વિદ્યાર્થીઓ પણ તેમનાં બાળકો જેવાં જ હોય છે. તેઓ પણ ક્યારેક તેમને ફોન કરી ખબર અંતર પૂછી શકે. એ વાત કરશે તો તેમને શાળાથી જોડાયેલ હોવાનો અહેસાસ થશે.તેને એવો આશાવાદ થશે કે તે ક્યાંક શાળાથી, શાળાના મિત્રોથી, ભણવાથી વિખુટો નથી પડી ગયો. માત્ર કપરાં સંજોગોમાં ટેમ્પરરી સ્વીકારેલ વ્યવસ્થા છે. તમે એ બાળકોને પણ સતત કોઇને કોઇ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખી શકો. થોડાંક વાર્તાના પુસ્તકો તમને મોકલાવી વાંચવામાં મન પરોવી શકો "નવું જાણવા જેવું" "સાયન્સ ફેક્ટસ" જે ઇન્ટરનેટ પર ઘણું બધું અવેલેબલ છે તેની લીંક તો તેમને મોકલાવી સર્જનાત્મક કાર્યો માં તેમણે વ્યસ્ત રાખી શકો. 

            "ગમતી પ્રવૃત્તિમાં અને સર્જનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેવું" એ આ સમયમાં માનસિક રીતે ટકી રહેવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. એક શિક્ષક તરીકે પોતે પણ આવાં કાર્યોમાં વ્યસ્ત રહી શકાય અને બાળકોને પણ કોઈને કોઈ રીતે વ્યસ્ત રાખી શકાય. જેથી નકારાત્મક વિચારો તેમનાં પર હાવી ન થઈ જાય. " નવરુ મન શયતાનનુ ઘર" એ કહેવત એક્ઝેક્ટલી આ સમયમાં લાગુ પડે છે.  માટે સતત વ્યસ્ત રહો,અને માનસિક રીતે સ્વસ્થ રહો......

  બોલવાં થનગને ને ....
           વાતો કરવા બનબને

એ બાળ તારી સંગાથે
         થોડું જીવવા ટળવળે....

પરપોટા જેવું તેનું મન...
         ન જાણે કંઈ કશુંયે...

સપનાં સાથે દોસ્તી કરી
        પાછુ પતંગિયું થવા તરફડે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment