Thursday 17 June 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં જૂન- 2021 અંકમાં મારો લેખ...

મૃગજળમાં નાવડી તરતી હોવાનો ભાસ એટલે સોશિયલ મીડિયા....☕

     

           સંવેદના, લાગણી વગેરેનું આદાન-પ્રદાન પહેલાંના સમયમાં રૂબરૂ થતું. "હાજરી"નું "ઉપસ્થિતિ" નું મહત્વ હતું. શબ્દોનું ટાઈપિંગ સ્વરૂપ ન હતું ત્યારે શબ્દભાવના અનુભવથી હૂંફ મળતી. જાણે તકલીફની ક્ષણોમાં, આનંદની ક્ષણોમાં, અસમંજસની ક્ષણોમાં, પોતીકું તાપણું કોઈએ કર્યું હોય તેવું અનુભવાતું.

નશ્વર હતું છતાંય.. સાશ્વતનો અનુભવ હતો...
     માથે હાથ હોતો કોઈનો, ને ખોળો સરભર હતો.....

વ્યવસ્થા આ કેવી કે વંચાય બધું પણ સંવેદાય કતીક જ...
         કેવો પહેલો રૂબરૂ મળવાનો સુંદર રિવાજ હતો...

            પારિવારિક સંબંધોમાં પરિવારની ભાવનાનું તત્વ, લાગણીના સંબંધોમાં લાગણીનું તત્વ, વ્યવસાયિક સંબંધોમાં પ્રોફેશનલ તત્વ, બધાં સોશિયલ મીડિયામાં શોધતા થયા છે ત્યારે યાદ રાખવું ઘટે કે હીંચકે સંગાથે ઝૂલવાની મજા, મિત્રો અને સગા-સંબંધીઓ ને ગળે મળવાની મજા, રૂબરૂમાં પ્રેમનો એકરાર કરવાની મજા, સાથે ભેગા મળીને વાંચવાની મજા ,ભેગા મળીને કેરમ,પત્તા રમવાની મજા, કુટુંબ ભેગું થાય અને રાત્રે મોડા ચા-નાસ્તાની મહેફિલ ઊજવવાની મજા, સમયે કસમયે સાથે ચા પીવાની મજા, જીવનનો સાચો ઉત્સવ અને સાચો દાગિનો છે. જેને વીસરવું એટલે કે સાચાં જીવન આનંદને ચૂકવું જેવું ગણાય. માટે આ આનંદની અવેજીમાં સોશિયલ મીડિયા પર સમય પસાર કરી લેવો તે યોગ્ય નથી જ પોતાની ખુશી માટે.

કેટલી સુંદર હોય જ્યારે વસવસો પણ વ્યક્ત કરી શકુ....
       કેવું મનને ભાવે... જ્યારે ખુલીને હસી કે રડી શકુ...

ખભો હોય, ખોળો હોય ,મિત્રો કેરો વડલો હોય...
       કેટલું સુંદર હોય જ્યારે જીવનને જીવન ભર  ખુલીને જીવી શકું....

          ઘણીવાર આપણે નક્કી કરીએ છીએ કે સોશિયલ મીડિયાનો મિનિમમ ચોક્કસ સમય માટે જ વપરાશ કરીશું પણ આ વ્યસન કંઈ જેવું તેવું થોડું છે? અતિશયોક્તિ સર્વત્ર ત્યજતે... કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાન કરે. સોશિયલ મીડિયાની આદત ક્યારે વ્યસન બની જાય છે તે વ્યક્તિ પોતાને બહુ મોડી ખબર પડે છે. અને તેમાંથી નીકળવું ખરેખર અઘરું છે પણ અશક્ય નથી. હા તમારા માટે તેનાં વપરાશ વગર રહેવું શક્ય નથી પ્રોફેશનલી ને બીજી રીતે તમને તેની જરૂર પડવાની પણ તમારું મન મગજ સતત તેમાં પરોવાયેલું રહે તો તમારી ટેલેન્ટ, તમારાં કૌટુંબિક સંબંધો, લાગણીના સંબંધો ની ગુણવત્તા પર ચોક્કસ અસર થાય. તે માટે થોડાંક પગલાં લઈ શકાય..
*તમે સોશિયલ મીડિયાના નોટિફિકેશન સાઈલેન્ટ મોડ પર રાખી શકો. જેથી નોટિફિકેશનના ટોનથી તમારું મન તેને વારે વારે ખોલીને જોવાં માટે લલચાય નહીં.

*એક સાઇકોલોજિકલ વસ્તું છે. મોટેભાગે મોબાઈલ આખો દિવસ તમારી આજુબાજુ જ રહેતો હોય છે જેથી તમારું ધ્યાન સતત એટ્રેક્ટ કરે છે તમે તેને નજરથી દુર બીજી રૂમમાં અથવા પાકીટમા કે ડ્રોવરમાં રાખી શકો. ફોન આવે તો રીંગટોનથી ખબર પડશે જ.

*ચોક્કસ સમય નક્કી કરો સોશિયલ મીડિયા ઓપન કરવાનો ને તેમાં અડગ રહો. હાં, આ બધું મક્કમ મનોબળ માંગી લે તેવું છે. પણ એક વાત સતત યાદ રાખવી ઘટે કે

     "આપણાથી ટેકનોલોજી છે ટેકનોલોજીથી આપણે નથી. ટેકનોલોજી આપણને કંટ્રોલ કરે તે પહેલાં પોતાનાં મનને એ રીતે કેળવી લો કે આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરી શકીએ".

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment