Saturday 12 June 2021

🎷🎶"પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી?
        સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે...". ---દલપતરામ💫


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......





        પરિસ્થિતિ અનુકૂળ હોય અને માણસ પ્રગતિ કરે, સાહસ કરે, ધ્યેય ઝંકૃત બની મહેનત કરે તો તેનો આનંદ જ હોય. પણ ઘટમાળ જીવનની ઈશ્વરે કંઈક પર્વતોની ગિરિમાળા જેવી ગોઠવેલ છે! એટલે જ પ્રતિકૂળતાના ડુંગરો ખડકાય અને બધું જ ધૂંધળું, અઘરું ,જીરવવું અતિશય કપરું લાગે ત્યારે તેમાં અંતરાત્માના અવાજને અનુસરી હકારાત્મકતાનો દીવો લઈને, રોદણાં રડવાના વ્યુત્પનોમાંથી બહાર આવી, ઝઝૂમવા વૃત્તિ કેળવી શકીએ, સતત જીવવાની મથામણ કરવાનું મનોબળ કેળવી શકીએ તો જીવન સાગરના આ વલોપાત માંથી મિસરી મેળવી શકીએ. અને જે માણસને દરેક પરિસ્થિતિમાં 'સ્થિર' રહેતાં શીખવાડે. તોફાનો સામે પહાડની જેમ અડગ રહી ઝેરવવાની તાકાત ભીતર કેળવતા શીખવાડે.


પાણિયારું હતું પાસે, ને પીધું પાણી તેમાં શી નવાઈ...!!
         સૂકા ભઠ્ઠ રણમાં, મૃગજળ ભેદી લાવે તો કરામત છે.

શીશ મહેલમાં કવન પહેરીને દર્પણ બન્યો તેમાં શી નવાઈ...!!

         રખોપુ સંદર્ભ તણું શોધી કોકમાં, સાચવી જાણે તો તે કરામત છે!!


          વૃદ્ધત્વ અકાળે આવવું એટલે તમારામાં સાહસવૃત્તિ ,હિંમત ઝઝૂમવાની વૃત્તિ, કપરી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત મંદ પડી રહી છે. અને એક ફિક્સ સિડ્યુલમાં જિંદગી પૂરી કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છો. તમારાં જીવન ધ્યેય, તમારાં સપનાને પાંખો આપી, મહેનતનાં રંગે રંગી વિરોધોના વંટોળમાં રસ્તો કરી, આત્મવિશ્વાસથી ઊભાં રહેવાની તાકાત તમને મનથી હંમેશા યુવાન રાખે છે. યુવાન ની વ્યાખ્યા પોતાને, પોતાનાં સપનાઓને, પોતાના વ્યક્તિત્વને, "જેવો છે તેવો" મેકઅપનો ઓપ આપ્યાં વગર રજુ કરવાની તાકાત. કોઈનાં માટે સારાં બનવાની સાડાબારી રાખ્યા વગર "હું મારામાં ભરપૂર છું"ની ખુમારીથી જીંદગી જીવવાની તાલાવેલી ધરાવતો વ્યક્તિ.

શોધ મારી અહીં પૂરી થાય છે...
        જ્યારથી મેં મારામાં મને ઓળખ્યો છે

ભેદરેખા "હું", "તું" ની અહીં ભૂંસાતી જાય છે
         જ્યારથી મેં તારામાં મને ઓળખ્યો છે.

     
      શિક્ષકને જ્યારે આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે મારી શાળાનાં બાળકો નબળા છે. તેમને આટલું અઘરું ન આવડે. ત્યારે તેઓ શિક્ષક મટીને જજ બની ગયા હોય એવું ભાસે છે. પ્રાઇવેટ માં ઇન્ટરવ્યૂ લઈને 'હોશિયાર' બાળકોને એડમિશન આપે પછી ઉચ્ચ ટકાવારીમાં રીઝલ્ટ બતાવે તેમાં શી નવાઈ! આ 'હોશિયાર' એટલે ચોપડિયા જ્ઞાનમાં અવ્વલ. પણ શું તે જીવનમાં પ્રેક્ટીકલ લાઈફમાં ચાલશે? શું ઇન્ટરવ્યુમાં પુછાયેલા પ્રશ્નોનાં જવાબ આપી દીધેલ બાળક જ નવું વિચારી શકવા, ક્રિએટિવ થિંકિગ કેળવી શકવા, પોતાનાં જીવનમાં ને દુનિયામાં આવતાં પડકારો સામે ઝઝૂમવા માટેની ક્ષમતા કેળવવા સક્ષમ હોય છે? બાળકોને "નબળું" એવું લેબલ લગાવવાવાળા, તેમને મૂલવવાવાળા તમે કોણ? બાળકની ક્ષમતાને માપવાની ક્ષમતા તમે કેળવી છે ખરી? તમારામાં એટલી ક્ષમતા પણ છે કે બાળકમાં રહેલી અગાધ શક્તિઓને માપી શકો? ઈશ્વર સિવાય એ કોઈનામાં નથી. તો તમે પ્રયત્ન કરો ને એમને કેળવવાની, શિક્ષિત કરવાની, એમનામાં રહેલી ક્ષમતાઓને બહાર લાવી આત્મવિશ્વાસુ બનાવવાની. છટકબારી શોધતો આ વર્ગ અંગત જિંદગીમાં પણ દરેક ફરજમાં છટકબારી જ શોધતો હોય છે કારણ કે તેમનામાં પોતાનામાં નિયત નથી હોતી મહેનત કરવાની. પોતાની ફરજ નિભાવવાની, પોતાની જાત જોડે પ્રમાણિકતાથી રહેવાની .તે તો ઊંઘ ન આવે તો ઊંઘની ગોળી લઈને પણ પોઢી જતો એક એવો વર્ગ છે કે તેમને અંતરાત્મા ડંખે છે એટલે guilty અનુભવે છે જેને કારણે ઊંઘ નથી આવતી એવુંય સમજી શકવા સક્ષમ નથી. રાજાના ઘરે જન્મેલું બાળક અને મજુરના ઘરે જન્મેલ બાળકની અંદર છુપી ક્ષમતાઓમા લગીરે ફરક નથી હોતો. રાજા જેટલો પોતાનાં બાળકને પ્રેમ કરે છે એટલો જ મજૂર પણ કરતો હોય છે. હા, ભૌતિક સુવિધાઓમાં ચોક્કસ ફરક હોય છે પણ તેનાથી બાળકનું "બાળકત્વ"... "તેની શીખવાની ક્ષમતા".. "તેનાં સપના જોવાની ત્રેવડ મા" લગીરેય ફરક પડતો નથી હોતો. આ બધી બાંધી લીધેલ ગ્રંથિઓ તો સમાજની અને શિક્ષકની હોય છે. જો તે બાળકને તેના મા-બાપ ની આર્થિક પરિસ્થિતિથી પર જઈને જુએ ભણાવે અને કેળવે તો તે બાળકને ચોક્કસથી સપનાની નવી ઉડાનો માટે પાંખો આપી શકે છે.


મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment