Thursday 13 May 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

💫"ઓળખવું" અને "પારખવુ" માં ફરક હોય છે...💫

              વ્યક્તિને તેનાં બાહ્ય વ્યવહારથી "ઓળખી" શકાય તેનાં અંતરમનનો ખ્યાલ તો તેની જગ્યા પર પોતાની જાતને મુકી, તેની તકલીફો, પરિસ્થિતિ ,ભાવાવરણનો અનુભવ કરી તેનાં સાથેનાં આત્મિક સંબંધને સવેદવું એટલે પારખવું......


              અનુભવે વ્યક્તિ થોડો તોછડો, જક્કી, અહમ્ પ્રેરીત અને અસંવેદનશીલ લાગી શકે. તમે તેની સાથે થોડો સમય જીવતાં , એની જીંદગીમાં આવેલ વિવિધ પડાવે પોતાને મુકીને જોતાં, તેના ઘડતરના નકશીકામમાં પોતે જોતરાઇ ને જોતાં, તેનાં મનને સાચાં અર્થમાં સંવેદી શકીએ તો જણાશે કે તેની આ કઠોરતા પાછળ સમાજમાં કુટુંબોમાં તેની પર જબરજસ્તી લાદવામાં આવેલ નિર્ણયોના ભાર હેઠળ દબાયેલી તેની માનસિક સ્થિતિ જે સતત રીબાતી હોય છે. અને સ્વભાવની આડઅસરો તેની નીપજ છે. બસ તેને થોડા સ્વીકારની જરૂર હોય છે તે જેવાં હોય છે તેવા ખામી ખૂબી સાથે તેના "માનસ"નાં સ્વિકારની.મૃદુતા એ કોઈ ઘરેણું નથી તે તમારા જીવનમાં બધું સહજપણે મળી ગયું હોય સંઘર્ષ ઓછો હોય અથવા નહિવત ભાગમાં આવ્યો હોય તો તેની લાક્ષણિકતા છે. અઘરું અઘરું જેનાં ભાગમાં જીહવળવાનું આવ્યું હોય. તેના સ્વભાવમાં તે કઠોરતા જાણે-અજાણે વણાઇ જતી હોય છે. જેમ નદીનાં માર્ગમાં આવતાં પથ્થરોથી જ તેનામાં મધુર સંગીત રેલાય છે. તેનામાં વૈવિધ્યતા ખળખળ વહેવાનો આહલાદક રસાસ્વાદ તો પથ્થરો સાથે અથડાવાથી, ટીપાવાથી અને તેને પાર કરી વહેવામાંથી જ આવે છે.


             તર્ક-વિતર્ક મગજથી જીવતાં માણસો માટે કરાય. જે હૃદયથી જીવે છે તેને તો હૃદયથી જ જોવાનાં, સાંભળવાના ને પારખવાના હોય છે. સ્વભાવગત ગુણો એ બાહ્ય છે. હૃદયસ્થ ગુણો, ભાવ આંતરિક હોય છે તેને જોવાં તો નખશીખ સોનાર જેવું, આરપાર જોઈ શકે તેવું નિર્લેપ મન જોઈએ. કદાચ આવાં લોકો એટલે જ વધુ દુઃખી થાય છે કારણ કે તેઓ કોઈની સાથે ક્યારેય કપટ નથી કરી શકતાં. અને જે માણસો સંબંધમાં પણ પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરતા હોય તેવાં પોતીકા માણસોથી સતત પીડાતા હોય છે. દુઃખી થતાં હોય છે. તેમની પાસે એવો કોઈ સ્વાર્થી અરીસો નથી હોતો કે જેમાં પરાવર્તન થઈને સામેવાળી વ્યક્તિને તે જ કપટ પાછુ આપી શકે. જે આજકાલ મોટાભાગનાં લોકો સાથે લઈને ફરે છે. માટે ક્યારેય ઉપરછલ્લા અનુભવથી કોઈ વ્યક્તિને જજ ન કરવું. પારખવાની તક મળે તો પારખું કર્યા પછી જ તેમના વિશે કંઈક વિચારો. બાકી માણસ સૌથી જટિલ પ્રાણી છે કોઈપણ વ્યક્તિ માટેનાં વિચાર, અભિપ્રાય, દ્રષ્ટિકોણ સતત બદલાતાં રહે છે સંજોગો અનુસાર.


થોડું થોડું હું..ય.. મને ઓળખું છું ખરો...!!
        બીજાને પારખવામાં એટલે જ અક્સર અક્સીર નીવડુ છું....


મિત્તલ પટેલ
" પરિભાષા"
 અમદાવાદ


              

No comments:

Post a Comment