Monday 6 February 2023

ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......5/2/23... રવિવાર....

શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અંતઃસ્ફુરણા....💫✍️

          જીવન એક એવી આંટીઘૂટી છે ને...કે જો તમે એને માત્ર મગજથી ઉકેલવા જશો તો કોઈ નવા જ રસ્તે ખૂંપી જશો. જે ક્યાંય પહોંચશે નહીં અને તમે પોતાની જાતથી જ વિખુટા પડી જશો. સંબંધો વિશ્વસનીયતા જેવાં જીવનના ખૂબ જ પેચિદા, મોટા અને મહત્વના નિર્ણયો લેતી વખતે મગજને અંતઃસ્ફુરણાનો સધિયારો અનિવાર્યપણે જોઈએ છે. પણ એ મળે ક્યાંથી?? અથવા આવે તો આપણને તેની અનુભૂતિ કંઈ રીતે થાય. તેને આપણે સાંભળી શકીએ છીએ ખરા!! અથવા એટલાં પોતાની જાતને કેળવી શક્યા છે ખરાં કે તેને સાંભળી શકીએ...!! અંત:સ્ફુરણા દરેકના અંતરાત્મામાથી  સ્ફુરતી જ હોય છે. દરેક જીવનના તબક્કે દિશા સૂચન કરતી જ રહે છે. પણ તેને સાંભળવા પોતાની જાત જોડે સો ટકા પ્રમાણિક રહેવું પડે. માણસ જ્યારે બીજા વ્યક્તિ સાથે જૂઠું બોલે છે, ત્યારે સૌથી પહેલા તે પોતાની જાતને છેતરતો હોય છે. બીજાના કામની ક્રેડિટ પોતે લઈ એવોર્ડ જીતી લાવે પણ તેની જાતને તો સાચી વસ્તુની ખબર હોય જ છે. અને મનોમન તેની જાત તેનાં પર હસતી જ હોય છે કે અલ્યા આ તે કેવી વૃત્તિ...!! તું વળી મને છેતરે એ પણ એવોર્ડ્સ માટે...!! તે વ્યક્તિ તે સફળતાનો આનંદ ક્યારેય નથી મેળવી શકતી. હા, ક્ષણિક ખુશ ચોક્કસ થઈ શકે છે. આવું જ પોતાની કામચોરીને ઢાંકવા કાવા દાવા કરતી વ્યક્તિઓ જોડે થાય છે. એક ખોટું કર્યાનો અજંપો તેને સતત ડંખતો રહે છે.તે એકલો ક્યારેય નહીં રહે. તે ટોળામાં જ રહેશે. કારણ કે એકલાં ઊભા રહેવાની ક્ષમતા કે ત્રેવડ તેનામાં ક્યારેય નહીં આવે. 'જાતને જવાબ આપવો પડશે' તેનો સતત ડર તેને લાગશે.જે પોતાના સત્ય માટે એકલો ઉભો રહી શકે છે તે પોતાની જાત સાથે સો ટકા પ્રમાણિકતાથી જીવતો હશે. કોઈને ખુશ કરવાની, કોઈની આગળ જાતને સાબિત કરવાની, ખુશામત કરવાની જરૂર ક્યારેય જીવનમાં નહીં પડે. "સારું બનવાની વૃત્તિ" કરતાં "સાચા બનવાની વૃત્તિ " (પોતાની જાત જોડે જ સ્તો) કેળવવા જેવી છે.

             શ્રીમદ્ ભગવત્ ગીતા એટલે આપણાં અસ્તિત્વનો ઉત્સવ છે. તમારી જાતને સત્વથી સમૃદ્ધ કરવી હોય તો ગીતાનો એક અધ્યાય રોજ વાંચવાની આદત જીવનમાં કેળવજો. આપણને બધાને બધું જ સમજાય જવું જોઈએ, બધું જ તરત પરખાઈ જવું જોઈએ, એવી અપેક્ષાઓ હોય છે. ગીતામાં તો રોજ વાંચતા પણ એક જ શબ્દોનો અલગ અલગ ભાવ મળે છે. રોજ કંઈક નવું સ્ફુરે છે. તેને કોઈ એક ભાવાર્થમાં કે કોઈ એક સંકલ્પનામાં કે કોઈ એક ચિત્રમાં તમે બાંધી નહીં શકો. પણ વાંચવાનું અવિરતપણે રોજ રોજ ચાલુ રાખજો. ભલે બધું જ તત્ક્ષણ ન સમજાય, પણ તમારા વ્યક્તિત્વમાં તમારા "સ્વ"માં સમયાંતરે થતો બદલાવ ચોક્કસ તમે અનુભવી શકશો. સ્પંદી શકશો. નાની-નાની બાબતોમાં ઉદાસ થઈ જતા તમે, ગમે તેટલું મોટી ઘટનામાં પણ તમારા મનને સ્થિર રાખી શકશો. નિર્લેપ રહી જીવી શકશો. જલ્દી કોઈ જ પીડા કે ખુશી તમને અડશે નહીં. સુખ અને દુઃખમાં સ્થિર રહેતા શીખી શકશો. તમારું મનોબળ તમે વિચાર્યું હશે તેના કરતાં કંઈ કેટલાય ઘણું વધુ મજબૂત બની જશે. તમે એકાંતને ઉજવી શકશો. જીવનમાં કંઈક "સત્વ" પામ્યાનો આનંદ અનુભવી શકશો. અને હા, અંતઃસ્ફુરણા એકદમ સ્પષ્ટપણે સાંભળી શકશો.તેને અનુસરવાની નૈતિક હિંમત પણ તમારામાં આપોઆપ આવશે.

મિત્તલ પટેલ
"પરિભાષા"

2 comments: