Tuesday 28 February 2023



ગાંધીનગર સમાચાર "🗞️ દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......26/2/23... રવિવાર....



સત્યતાથી જ શાશ્વતતા સુધી પહોંચી શકાય........✍️🍁🪷🌿🪹




       સત્ય કઠોર હોય છે, કડવું હોય છે, તેનો રસ્તો કઠિન હોય છે. પણ કંઈક શાશ્વત પામવું હોય તો આ માર્ગ દ્વારા જ મળી શકે છે. બાકી સરળ રસ્તા તો બધા ક્ષણિક સુખ અને માત્ર ઉછાંછળા ભાવ જ આપે છે. તમારો અંતરઆત્મા તમને જે દિશા બતાવે તે જ શ્રેષ્ઠતાની ટોચ સુધી તમને લઈ જાય છે. અમુક વાર વ્યાજબી કારણ ન પણ લાગે, મગજ સાથે સંઘર્ષ કરવો પડે, મગજ સતત તેનો વિરોધ કરે, પણ મહત્વના નિર્ણય લેતી વખતે માત્ર હૃદયનું જ સાંભળજો. તે ક્યારેય ખોટા નિર્ણય નહીં લેવા દે.


વહેંચી લઈશું સુખ દુઃખ ચલ ને...
           હું આપીશ સધિયારો, તું આગળ વધજે.


ઓળખ પત્રની ક્યાં જરૂર પવન ને...!!
             હું પાંખો બનુ.... તું આકાશ ખૂદજે....ચલ ને....



          એવરેસ્ટ આરોહણ કરતી વખતે કંઈ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.પણ જેનું લક્ષ્ય એવરેસ્ટ ચડવાનું હોય તે ક્યારેય ટેકરીઓ ચઢીને સંતોષ માની લેતા નથી. ઉપક્રમ કોઈપણ હોય, ધ્યેયનિષ્ઠા તેમની છોડતા નથી. "નિશાનચૂક માફ નહીં માફ નીચું નિશાન" . છાશવારે જેમનાં ધ્યેય બદલાતાં હોય, પોતાની સવલત પ્રમાણે રસ્તાઓ બદલાતા હોય, ત્યાં કંઈક શાશ્વત અને શ્રેષ્ઠ મેળવવાની આશા રાખવી વ્યર્થ છે. આ માટે તો પોલાદી મનોબળ કેળવવું પડે. કંઈ કેટલાય વાવાઝોડાઓ સાથે બાથ ભીડવી પડે. સાચાં માટે હજાર સામે ઊભું રહેવું પડે તો એ ઉભું રહેવાની તાકાત કેળવવી પડે. અને તે એક્ચ્યુલી આપોઆપ આવી જાય છે, જો તમારે નિયત અને નીતિ સ્પષ્ટ અને ચોખ્ખી હોય તો.



        કંઈ વસ્તુની "પરવા ન કરવી" તે આવડી જાય ને તો ઘણી બધી અડચણનો માનસિક સ્તર પર જ ડીલીટ થઈ જાય છે. જેની વૈચારિક શક્તિ જ નિમ્ન હોય તેમનાં આપણા માટેના ઓપિનીયનને સર આંખો પર ચડાવવાની મૂર્ખામી કદાપી ન કરવી. તે તેમના મગજની નીપજ છે તે ગળે. આપણે આજુબાજુથી જે સારપ છે તે જ લેવાની. બાકી બોર ખાઈ ઠળિયો ફેંકી દઈએ તેમ ફેંકી દેવાની. નહિતર મનમાં અમળાયા કરે.

કવિ શ્રી દલપતરામની કવિતા તો તમને યાદ જ હશે...

કરતાં જાળ કરોળિયો,
        ભોંય પડી પછડાય....

વણતૂટેલે તાંતણે ,
            ઉપર ચડવા જાય....



       કંઈ કેટલાય તાંતણા ભેગા કરી કરોળિયાની જેમ જ ધીરજથી ચકલી પોતાનો માળો બનાવતી હોય છે. એક એક તણખલું ખૂબ જ ધીરજથી ચાંચમાં ભેરવી લાવી, ભેગા કરી હૃદયની સૂઝબુજ મુજબ પોતાનો રહેવાસ બનાવે છે. તડકો, છાયડો, વાંછટ સામે રક્ષણ કાજે તે હુંફરૂપી માળો ચણતી હોય છે. આવી જ રીતે માણસે અનિતીના તડકા, છાયા, વાંછટથી બચવા પોતાની સ્વ મહેનત અને નીતિરૂપી માળાને ચણવાનો હોય છે. જે જીવનભર તમને રક્ષે છે. તમારું "સ્વ" પોતને ઉજળું રાખે છે. હિંમત હારવાની તૈયારી હોય ને અજવાળું પ્રગટે એવું પણ થાય. ધીરજની કસોટી તો ઈશ્વર અવારનવાર લેતો જ રહે છે. તમારી કસોટીઓ થોડી વધારે છે કારણ કે ઈશ્વર તમારામાંથી શ્રેષ્ઠતમ બહાર કાઢવા ઈચ્છે છે. તમને બધાં કરતાં વધુ શ્રેષ્ઠ આપવાની મહેચ્છા છે. બધું જ સારું સારું જ હોય ત્યારે ક્યારેય તમારી ભીતર અંકુરિત થતું બીજ બહાર આવી શકતું નથી.


        રસ્તા પરના બેરિયર તમને ખોટાં રસ્તાથી ડાઈવરજન આપી , સાચાં રસ્તા તરફ વળવાનું સૂચવે છે. "આત્મશ્રદ્ધા" નાં અજવાળાથી જીવનને દોરતા રહીએ તો, સાવ સહજ તમે પ્રસન્નચિત્તે આગળ વધતાં રહેશો. મુશ્કેલીઓ તમારી મનની શાંતિ અને સ્થિરતા ને ડહોળાવી નહીં શકે. આખરે અંતિમ ધ્યેય તો આપણુ માનસિક શાંતિ અને કંઈક શાશ્વત પામવાનું જ હોય છે. જે મર્યા પછી આતમની સાથે જડાઈને આપણી સાથે આવે. નાશવંત વસ્તુઓ "મેળવી" શકાય છે. જ્યારે શાશ્વતને તો "પામવું" જ પડે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"


No comments:

Post a Comment