Saturday 31 December 2022


ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ડીસેમ્બર-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

એ તો કેવી અજબ જેવી વાત છે...!!🤩🤔🤨🧐🌛🌜☄️🐿️🕊️🐣🦩🕸️🐚🦥🌔🪐.......


               બાળક એટલે તો કુતુહલતાનું કારખાનું. જ્યાંથી મુગ્ધતા જન્મે છે, ખીલે છે, ઝળહળે છે, સિંચાય છે. વ્યવહારબુદ્ધિ નથી હોતી બાળકમાં કદાચ. એટલે જ તે ઓરીજનલ છે. તેને દંભ કરવો પડતો નથી. રડવું હોય ત્યારે ખુલ્લા મનથી રડી લેવું, બહુ એટીકેટ્સની પરવા કર્યા વગર ખડખડાટ અવાજ સાથે હસી લેવું એ એમની પ્રકૃતિ હોય છે. ખુલ્લી આંખે સપના જોવા જાણે એમનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ચકળ વકળ થતી આંખો સાથે પતંગિયાની માફક આમતેમ ઉડ્યા કરે છે. આવાં નાનાં નાનાં ઈશ્વર અંશો જો ન હોત તો શું થાત!! કાલીઘેલી ભાષાનું વ્હાલ મળત...... ખરું!! તોતડુ બોલવાનો આનંદ અનુભવત ખરો!! ઉત્સાહના ઉદ્દીપક આનાથી શ્રેષ્ઠ મળે ખરાં..‌!! આપણામાં બાળપણને જીવંત રાખવાનું કામ પણ બાળકો જ કરે છે. ક્યારેક નાનકડા ભૂલકાઓ સાથે થોડો સમય કાઢી જોજો. તમને એક ક્ષણ માટે પણ વિચારાધીન નહિ રહેવા દે. પ્રેમ અને વહાલથી તરબતર કરી દેશે. જો તમે તેમની સાથે આત્મીયતાથી જીવો, માત્ર નોકરી માટે જ નહીં તો તમારી નિરાશા, પીડા બધું જ પળવારમાં ખંખેરી સાચાં આનંદમેળાની મુલાકાતે રોજે રોજ લઈ જશે.



 બાળકો એટલે જીવતી જાગતી પ્રસન્નતાની ચિરાપુંજી. 



           એ તમારાં પર ડીપેન્ડ છે કે તમે કેટલાં તેમનાં હેવાયા થાઓ છો. તમે કેટલાં તેમનાં પોતાના થાવ છો. ઉત્સાહથી ચકમકતા આ સિતારાઓની સાથે બેસીને તેમની વાતો સાંભળવાનોય એક લ્હાવો છે. કોઈપણ પ્રકારનું જજ કર્યા વગર બસ સાંભળી રહો. તેમને હર એક ક્ષણ સ્પર્શે છે. આટલું બધું જીણવટભર્યું તેઓ ખરેખર વિચારી શકે છે તે જોઈને તમને આશ્ચર્ય થશે. બાળક બહુ ઝીણું ઝીણું કાંતે છે. આપણાં વર્ગમાંના વાણી, વર્તનનું તેઓ ખૂબ જ સાતત્યપૂર્ણ અનુસરણ કરે છે. ઓબ્ઝર્વેશન પાવર બાળકનો સૌથી વધુ હોય છે, અને એટલે જ બાળકોની લાગણીઓને ખૂબ જ નાજુકતાથી હેન્ડલ કરવી જોઈએ. કઠોર અને અપમાનજનક શબ્દોથી તેમનાં હૃદયને લાગેલી ઠેસ બહુ ઊંડું તેમનામાં કશુંક તોડી નાખતું હોય છે. બાળક નાનું હોય ત્યારે તેની સાથે મા બાપ અને શિક્ષક દ્વારા થતું નિર્દય અને કઠોર વર્તન બાળક જ્યારે મોટું થાય ત્યારે તેને નિષ્ઠુર બનાવવાં માટે પૂરતા પરિબળો પૂરા પાડે છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment