Monday 26 December 2022


ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:25/12/ 2022  રવિવાર

સંઘર્ષ--- જીવનરીતીની પરિભાષા...✍️💫⚡



           માણસ ઈચ્છે કે ન ઈચ્છે, સંઘર્ષ તેમનાં જીવનનો અવિભાજ્ય અંગ છે. તેને ક્યારેય નકારી નથી જ શકાતો. કોઈ વ્યક્તિ એમ કહે કે તેને જીવનમાં ક્યારેય સંઘર્ષ નથી કર્યો તો તે સાચું જીવ્યો જ નહીં હોય. તેને દુનિયાની રીતીમાં પોતાને ઢાળી દીધી હશે . પોતાની સાચી જાતને દાબી દીધી હશે. તમારે જ્યારે એક ઘરેડમાંથી બહાર આવવું હશે, જીવનનો મર્મ પામવાં પોતાનાં આપબળે કંઈક શાશ્વત મેળવવાની ઝંખના હશે, તો સંઘર્ષને સહર્ષ સ્વીકારવા સિવાય કોઈ જ ઓપ્શન નથી.

             બદલાતા આધુનિક જીવનચક્રમાં બાળકને મૂલ્યશિક્ષણ આપવાની સાથે સાથે સંઘર્ષ સામે ટકી કંઈ રીતે રહેવું ધીરજ રાખી ઝઝુમવુ કંઈ રીતે તેની તાલીમ ચોક્કસ આપવી જોઈએ. આ તાલીમ કોઈ તાલીમવર્ગમાં નહીં, તેને એવા સંજોગો પૂરા પાડી અથવા પોતાનાં વર્તનમાં આ એટીટ્યુડ લાવી તેમને અનુસરવા માટે ઉદાહરણરૂપ બની.


           જે નિરંતર બાળકોમાં ઘટી રહ્યું છે તે વાંચન દ્વારા પણ આ તાલીમ આપી શકાય. "ઝઝૂમવું" એ જીવનના ઉતાર ચઢાવવામાં સ્થિતપ્રજ્ઞ રહી શ્રેષ્ઠતમ ઊંચાઈએ જીવનને લઈ જવા અને પોતાના અંતરઆત્માના અવાજને અનુસરી જીવનને સફળ બનાવવા સુધીની સફરમાં ઓક્સિજન પૂરું પાડતું પરિબળ.

વક્ત ન મિલા હમે હમ સે મિલને કા...
           દુનિયા સે મિલતે રહે બિછડને કે લિયે....


હમ હમ સે હી થે દૂર કહી, જાન હી ન શકે,
            વક્ત ગુજર ગયા, હમ ખડે કે ખડે રહ ગયે વહી પર....


            કેટલીક વાર ઉંમરના એક ચોક્કસ તબક્કે એવું ફીલ ચોક્કસ થાય છે કે જીવન વ્યર્થ ગયું. આનાથી બેટર કરી શક્યો હોત. આ સમયે સ્ટેબલ રહી ઉતાવળમાં કે ક્રોધમાં ખોટા નિર્ણયો લેતા રોકી શક્યો હોત. પણ સમય નીકળી ગયો અને હવે થોડાંક જ શ્વાસ બાકી છે ત્યાં આવું આત્મજ્ઞાન કોઈ કામમાં આવતું નથી. આવું જ ખાસ સ્વાસ્થ્યની બાબતમાં થાય છે. હેલ્થ હંમેશા સૌથી વધુ નિગ્લેટ કરવામાં આવતી અને સૌથી વધુ મહત્વની કુંચી છે. આ કુંચીની જાળવણી ,સાચવણી બહુ ઓછા લોકો કોન્સિયસલી કરે છે. જ્યાં સુધી યંગ હોઈએ છીએ ત્યાં સુધી મોજ શોખ ખાણીપીણીમાં હેલ્થ પાછળ ધકેલાઈ જાય છે .મોટપણે કરિયર, જવાબદારીઓના સ્ટ્રેસમાં હેલ્થથી ઢાંકપીછોડો કરીએ છીએ. પણ આ એક એવી કુંચી છે જેથી તમે તમારા જીવનમાં દરેક સ્ટેજને સાચા અર્થમાં માની શકો છો. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. જો શરીર સ્વસ્થ રાખીશું તો માનસિક બીમારીઓ તો ભાગ્યે જ આપણને સ્પર્શે છે. અને શારીરિક બીમારીઓને ગુડબાય કર્યા સિવાય છૂટકો જ નથી. બીજું કેરિયર,ઘર,બાળકો, શોખ બધા વચ્ચે બેલેન્સ એ જ જીવનની સાચી સફળતા છે. કોઈ પણ એક પાસું હાલક ડોલક થયું તો આખું માળખું ખખડધજ થઈ નીચે પડી જાય છે. આ માટે દરેક સ્ટેજ પર આવતા નાના મોટા સંઘર્ષોમાં ટકી રહેવા ઝઝુમવાની ટેવ, સામા પ્રવાહે તરવું પડે તો તરવાની ત્રેવડ કેળવવી પડે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા "

No comments:

Post a Comment