Sunday 25 December 2022

" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:18/12/ 2022  રવિવાર

ઉગવું અને ડૂબવું સહજતાથી... એ સમતા જ જીવન છે....💫😊✍️✨

             સાંજનો સૂર્યાસ્ત જોવો બધાને ગમે પણ જીવનનો સૂર્યાસ્ત કોઈને સહજ ન ગમે. વરસાદની મહેક ગમે, વરસાદ અનરાધાર વર્ષે પછી થતી તબાહીની ચિત્રકલા કોઈને ન ગમે. આ જ રીતે માણસને લાગણી, પોતાનાપણાનો પ્રસાદ ગમે, પણ તે માટે પોતે લાયક તો છીએ ને!! એ તટસ્થતાથી સ્વમૂલ્યાંકન કરવું હંમેશા ખૂંચે છે. અરુચિકર રહે છે. દરેકને ઝાકળબિંદુ બનવું છે, પણ તેમાંથી પ્રસરતા અને સમૃદ્ધ થઈ મેઘધનુષ્ય રંગોની પરીભાષા બનવા જે માહ્યલામાં ઊંડા ઊતરવું પડે તેટલી તસ્દી લેવી કોકને જ ગમે છે. અથવા કોકની જ ક્ષમતા હોય છે. જો બાહરી વ્યવહારોથી અને બાહરી રીતરિવાજો,દેખાવ, ધનવાનપણુ આમાંથી સુખ મળતું હોત તો આજે 'એકલતા' માણસની અનદેખી બારી ક્યારેય ન બની હોય. માણસ પોતે સમૃદ્ધ ન બને તો કંઈ નહીં, કમસેકમ ખોખલો ન બની જાય તે જોતાં રહેવું જોઈએ. ચકાસતા રહેવું જોઈએ. સમૃદ્ધિ અને ધનવાન બંને વસ્તુમાં ફરક છે. તમને ક્યારેય રડવું ન જ આવે ,તમે ક્યારેય ખડખડાટ હસવાનું જ ન આવે, તમને ક્યારેય ગુસ્સો જ ન આવે, તમને ક્યારેય મોજ મસ્તીથી ઝુમવાનું મન જ ન થાય, તો ક્યાંક તમારામાં ખોખલાપણું ઘર બનાવી રહ્યું છે એમ માનજો. ધનવાન પૈસાથી મિલકતથી બનાય, જ્યારે સમૃદ્ધિ ભીતરની હોય. પોતાનાઓથી, પોતિકા ભાવવાળા આપ્તજનોની હુંફથી, સથવારાથી મળે છે. આ સથવારો અને સમૃદ્ધિ મેળવવા માટે પહેલા પોતે લાયક બનવું પડે છે. ડિગ્રી લઈને નહીં. પોતાનાઓ સાથેના સંબંધમાં સ્વાર્થ, દ્વેષભાવ , ઈર્ષા, માલિકી ભાવ,કપટ, જુઠ્ઠાણું નવ ઘૂસી જાય એ સતત જોતાં રહી બીજાનાં દુર્ગુણો સાથે તેમનો સંપૂર્ણ સ્વીકાર કરતા શીખતાં રહેવું પડે.

          કેટલીક વાર બધું મૂકીને, બધું છોડીને ચાલ્યું જવાનું મન થાય ત્યારે જ સમતા દાખવવી પડે છે. જ્યાં છે ત્યાં થોડી ધીરજ દાખવી, વિચારોથી મૌન થઈ પરિસ્થિતિની પારાશીશી ચકાસવા, પામવા પ્રયત્ન કરો. ઢબુ પૈસાનો ઢ ય ન જાણતી ચકલી સંવાદનો કોમ્યુનિકેશનનો એક મસ્ત પાઠ બનાવી જાય છે. ક્યારેક બે ચકલીઓને વાતો કરતા સાંભળજો. બહુ જ સ્વસ્થ સંવાદ જાણે બે વ્યક્તિ કરતાં હોય તેવી જ રીતે વારાફરતી એકબીજાને સાંભળતા સાંભળતાં સાતત્યપૂર્ણ રીતે જીવનની દરેક પળ વહેંચતી હોય છે. પૃથ્વી પર માણસ જ પાત્ર એવું પ્રાણી છે કે તેની પાસે વાણી છે. પણ સંવાદ ભાગ્યે જ હોય છે. કાન છે, પણ સ્રોતાપણુ ભાગ્યે જ હોય છે. શબ્દો છે, પણ શબ્દભાવ ભાગ્યે જ હોય છે. આખી જિંદગી રજળપાટમાં જીવતો માણસ શું ઈચ્છે??

સંબંધોના રસવઈ દીર્ઘઈ જેવાં સથવારા અને કર્મોના અજવાળા તળે આકાર લેતા જીજીવિષાના આગિયા...!!

મિતલ પટેલ
" પરિભાષા"


No comments:

Post a Comment