Wednesday 6 April 2022







ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘના  ...  "શિક્ષકજયોત "   મેગેઝિનનાં  એપ્રિલ-2022 અંકમાં  મારો લેખ .....

શૈક્ષણિક પાચનતંત્ર...💫✍🏻📚📖



         વર્ગખંડમાં આપણે કેટલું ભણાવીએ છીએ, તેનાં કરતાં બાળકોને કેટલું પચે છે, તેનું મહત્વ હંમેશાં વધું હોય છે.

            બાળક પચાવી શકે એટલી સરળ ભાષામાં, સરળ પદ્ધતિથી, પ્રવાહિતા જળવાઈ રહે તે તરાહથી, જુદા જુદા વિષયની સંકલ્પનાઓ, ગણિતના દાખલા ભણાવવામાં આવે તો બાળક કંઈક ગ્રહણ કરીને, કંઈક પ્રાપ્ત કરીને, વધુ સમૃદ્ધ થઈને શાળાએથી નીકળશે. જ્યારે શાળામાંથી બાળક કંઈ જ ગ્રહણ નથી કરી શકતો. પ્રયત્ન કરવા છતાં પણ કંઈક નવું શીખી નથી શકતો, ત્યારે તેનો શાળામાં આવવાનો ઉત્સાહ મંદ પડે છે. શાળામાં આવવાની રૂચી બાળકમાં જળવાઈ રહે તે માટે પણ બાળકને આપણે જે ભણાવીએ છે તે ગ્રહણ કરી શક્યો છે? તે તેને પચાવી શક્યો છે? તેને પામી શક્યો છે? તેની દરકાર લેવી ખૂબ જરૂરી છે. કદાચ એને મૂલ્યાંકનનું નામ આપી શકાય. 

          ગમે તેટલા વિદ્વાન શિક્ષક પણ જો બાળકના સ્તરે જઈને સરળ ભાષામાં ન ભણાવી શકતો હોય તો તેની અઘરા શબ્દોની વિદ્વતા કોઈ કામની નથી.. phd ની થીસીસ લખવી અને બાળકોને ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભાષાનાં જે તે મુદ્દાની સંકલ્પના, તેનાં મૂલ્યો, તેનો મર્મ, બાળકનાં મનોઆવરણ સુધી પહોંચે તે રીતે ભણાવવું, શિક્ષણ આપવું બંને અલગ વસ્તુ છે. બાળકોને કંઈ રીતે વર્ગખંડમાં માનસિક રીતે એકાગ્ર કરવા, ભણાવાતા ટોપીકમાં કંઈ રીતે ઇન્વોલ્વ કરવા, તેમને કંઈ રીતે પ્રશ્ન પૂછતા કરવા, કંઈ રીતે તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો, તે માટે અધ્યાપન પદ્ધતિઓ શિક્ષકના વ્યક્તિત્વ શિક્ષકના બાળક સાથેના સંવાદ, આત્મીયતા પર આધાર રાખે છે. શિક્ષક પોતે સિદ્ધાંતવાદી હોય રોજ બાળકોમાં શૈક્ષણિક અને વ્યક્તિગત મૂલ્યો ને ઉતારી શકે છે.

         શિક્ષક "મેં કેટલું ભણાવ્યું"તેનાં કરતાં "બાળકોને કેટલું આવડ્યું"એ એ બાબત ધ્યાનમાં રાખીને અધ્યાપન કાર્ય કરશે તો ચોક્કસથી પોતાનું બેસ્ટ output આપી શકશે. બાળકોને જે તે વિષય કેટલો આત્મસાત થયો તે વખતોવખત મૌખિક કસોટી, પ્રશ્નોત્તરી દ્વારા ચેક કરતાં રહેવું પડે. શિક્ષક વર્ગખંડમાં ભણાવતી વખતે પોતે બાળકોને વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતાં હોવાં જોઈએ. જેથી બાળક ભણતી વખતે વર્ગખંડમાં માનસિક રીતે સતત હાજર રહે. જો શિક્ષક જ વર્ગમાં પ્રશ્ન નહીં પૂછતા હોય તો બાળકોને કંઈ રીતે પ્રશ્ન પૂછતા કરી શકશે?

          શિક્ષક પોતે ભણાવેલું બાળકો કેટલું પચાવી શક્યાં છે, તેનો તાગ મેળવી શકે અને તે મુજબ પોતાની ભણાવવાની પદ્ધતિ, તેનાં સાધ્ય, સાધનોમાં પરિવર્તન લાવી શકે અને આ પ્રક્રિયા સતત સાતત્યપૂર્ણ રીતે ચાલતી રહે તે સાચું મૂલ્યાંકન. જેમ સર્વાંગી વિકાસ સાંધવાની પ્રક્રિયા એ સતત ચાલતી  પ્રક્રિયા છે, તેમ મૂલ્યાંકન પણ અધ્યાપનની પેરેલલ ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. આપણે ભણાવતાં હોઈએ ત્યારે બાળકોના હાવભાવ, તેનાં પ્રશ્નો પૂછવાની તાલાવેલી પરથી અને બાળક ભણાવી રહ્યા છે, તે બરાબર સમજે છે ,ગ્રહણ કરી રહ્યો છે, તેનું વચ્ચે પ્રશ્નો પૂછી ચર્ચા કરી તેમના અભિપ્રાયો પૂછીને ઉદાહરણ પૂછીને તાગ મેળવી શકાય છે.


             શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિઓ શ્રેષ્ઠ વક્તા તરીકે, શ્રેષ્ઠ સાધનો સાથે, ટેકનોલોજી સાથે ભણાવતા શિક્ષક પણ જો સમયાંતરે બાળકોએ કેટલું ગ્રહણ કર્યું છે, તેનું મૂલ્યાંકન પોતીકી વ્યવહાર બુદ્ધિથી કરતો ન હોય તો શક્ય છે કે બાળક સાવ કોરો રહીને ઘેર જાય અને શિક્ષક એક ખોટું આત્મિક સંતોષ લઈને જાય કે 'મેં બાળકોને ખુબ સરસ બનાવ્યું'. કેટલીકવાર કોઈ સાધન, ટેકનોલોજી વગર ભણાવતાં શિક્ષક પણ ગણિત વિજ્ઞાન કે અન્ય કોઈપણ વિષયની સંકલ્પનાઓ બાળકોને ખુબ સરસ રીતે આત્મસાત કરાવી શકતા હોય છે.

           અધ્યાપન પ્રક્રિયા એક healthy discussion, ચર્ચાના સ્વરૂપે પણ થઈ શકે. વર્ગમાં બેન્ચીસ ગોળમાં ગોઠવીને વચ્ચે શિક્ષક વિજ્ઞાન કે સમાજના કોઈપણ ટોપીક ને કથન અને ચર્ચા સ્વરૂપે, બાળકો સાથે involve થઈને, બાળકોને તેમાં involve કરીને પણ ભણાવી શકે છે. જ્યારે કોઈપણ અધ્યાપન પ્રક્રિયામાં બાળકોનો ઇન્વોલ્વમેન્ટ શિક્ષક વધારી શકે તેમને" how to learn" "how to concentrate" એ શીખવી શકે તો અર્થગ્રહણ અને અધ્યયન બેસ્ટ રીતે થઈ શકે. કંઈ રીતે "ધ્યાન"થી ભણવું, એ પદ્ધતિ સમજાવી શકાય. શિક્ષક જ્યારે વર્ગમાં "ધ્યાન આપો" તેમ બાળકોને કહે છે ત્યારે તેનો દઢ પણે એવો અર્થ થાય છે કે "ધ્યાનથી સાંભળો, સમજો અને યાદ રાખો". જ્યારે આ ત્રણ પ્રક્રિયા પેરેલલ થાય છે ત્યારે બાળક ખૂબ જ સહજ અને સરળ રીતે અર્થ ગ્રહણ કરી શકે છે માટે બાળકોને શાબ્દિક રીતે પણ "ધ્યાન આપવું" કંઈ રીતે તેનો આ મિનિંગ વારે-વારે યાદ દેવડાવતુ રહેવું પડે છે. તો ઓછા સમયમાં ઓછા પ્રયત્ને બાળક વધુ ગ્રહણ કરતું થશે, પચાવતું થશે અને શૈક્ષણિક પાચનતંત્ર મજબૂત બનશે . જે અઘરામાં અઘરી શિક્ષણની સંકલ્પના ઓને પણ સરળતાથી પચાવી શકશે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment