Wednesday 22 September 2021


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


પ્રાકૃતિક ઘટનાઓનું ક્યારેય "પ્લાનિંગ" કરી શકાતું નથી તે "સહજપણે" નિર્મિત થતી હોય છે... ⛈️🌊🏞️🌪️🌫️🌄



      આકાશમાં વીજળીની લંબાઈ, પહોળાઈ ,ઉંચાઈ, ક્ષેત્રફળ માપી શકાય ખરું? જન્મ અને મૃત્યુની ક્ષણોને નિર્ધારિત કરી શકાય ખરું? સાચા મિત્રનો સંગાથ સાપડશે તેની આગાહી થઈ શકે ખરી? જીવનની યાદગાર ક્ષણો હંમેશા સહજ રીતે નિર્મિત થતી હોય છે.

          કેટલીકવાર માર્ગ પોતે શ્વાસ લેતો હોય છે અને આપણે માત્ર જીવતાં હોઈએ છીએ. એટલે આપણે વટેમાર્ગુ જ છીએ.....જે સહમાર્ગી બનીને જ કદાચ જીવંત થઈ શકે...

         ઓળખાણ ક્યારેક સાચી પરખ બની જતી હોય છે. અને પારખીને વચનબદ્ધ થયેલ ક્યારેક આપણી સાચી ઓળખ કરી શકતાં નથી, એવું પણ થાય. ઉપરછલ્લી જીવવાની જિંદગીનું પ્લાનિંગ શક્ય છે. હૃદયથી અનુભવાતી, આત્માને ખુબ નજીક રાખીને જીવાતા સંવાદો, સંવેદનાની અનુભૂતિ તો સહજ રીતે જ થાય છે .તેને કોઈ ચોકઠામાં ન બાંધી શકાય. કોઈ સરનામું ન આપી શકાય. કે તેનું પંચનામું  કરીને માલિક પણ ન બની શકાય. તેને બાંધી શકાય પણ નહીં અને છોડી શકાય પણ નહીં.


     જે ઘટના સ્વયંનિર્મિત છે, તે પોતાની ઇચ્છાથી જ આપણાં જીવનમાં ઘટે છે. અને પોતાની ઇચ્છાથી જ આપણને "આપણાં"માં ભેળવી જાય છે.


               અમુક સંવેદનાને તમે કોઈપણ વ્યાખ્યામાં ન બાંધી શકો. તે અવ્યાખ્યાયિત જ રહી જાય છે. તેને તમે કોઈ નિયમોમાં, કોઈ સૂચનોમાં ,કોઈ સાચાં જુઠાનાં તર્કમાં ન બાંધી શકો. તે તો માત્ર સંવેદી જાણે છે. અનુભવી જાણે છે. આપણે હજી જીવતાં છીએ, જીવંત છીએ, તેવી અનુભૂતિ આપણને કરાવી જાય છે. માટે જ પૈસા કમાવવા, દુનિયાદારીની વસ્તુઓમાં મગજ વાપરી શકાય પણ સંબંધોને તો હ્રદયથી જ જીવી શકાય . તેમાં જો મગજ કે એમ કરવાં ગયા તો માત્ર અને માત્ર ગૂંચવાળા અને માનસિક વેદના જ મળશે કારણ કે ત્યાં મન અને મગજ નો સંઘર્ષ થશે . એનું કારણ એ છે કે હૃદય તર્ક નથી સમજતું અને મગજ તર્કથી 'પર' કંઈ જ નથી સમજતું. પણ આ દુનિયામાં તર્કથી પર પણ એક વિશાળ દુનિયા છે જે અજ્ઞેય છે. તેને જીવી શકાય છે  પણ તેનું રિસર્ચ ન થઈ શકે. તેને સ્પર્શી શકાય, અડકી ન શકાય. તે અનામી હોય છે. નામકરણ કરતાં તે ગાયબ થઈ જાય.



  કુછ લોગ અક્ષર ખુદ સે બાતે કરતે રહતે હૈ, 
           વો ખુદ કો ખુદ સે, બહેતર બનાના જાનતે હૈ....

 વજહ કુછ ભી હો, વો અક્સર એક અક્સ ઢૂંઢા કરતે હૈ,
            જિસ મેં ખુદ કો ખુદ સે જ્યાદા દેખા કરતે હૈ......


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment