Wednesday 8 September 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મેગેઝીન "શિક્ષકજ્યોત"નાં સપ્ટેમ્બર 2021 અંકમાં મારો આર્ટિકલ...

"દરેક બાળકની શીખવાની ક્ષમતાની અસમાનતાને ધ્યાનમાં લઈને થતું અધ્યાપનકાર્ય.."....💫✍️📚

       ખૂબ જ નિષ્ઠાપૂર્વક ભણાવતાં શિક્ષક પણ ભલે  અભ્યાસક્રમ ખુબ સરસ રીતે ભણાવતા હોય પણ થોડાંક જ વિદ્યાર્થીઓ તેને ગ્રહણ કરે છે. બાકીનાં થોડાં માત્ર સાંભળે છે અને થોડાંક વિદ્યાર્થી એવાં પણ હોય છે જે શીખ્યાં વગરનાં જ રહી જાય છે. અને આવું અધ્યાપનકાર્ય રોજ એક ઘરેડની માફક ચાલ્યા કરે છે. શિક્ષકને સંતોષ રહે છે કે તેમને ભણાવ્યું. બાળકોને થોડોક આભાસી સંતોષ રહે છે કે તેઓ ભણ્યાં પણ સાવ ભણવામાં કોરા રહી જતાં વિદ્યાર્થીઓ રોજ ભરેલાં દફતર સાથે આવે છે અને ખાલી મન અને ઘડતર લઈને પાછાં ઘેર જાય છે. તેમને નવું શીખવાનું મળતું નથી એટલે શાળાએ આવવાની ઈચ્છા ધીમે-ધીમે ઓછી થઈ જાય છે અને ડ્રોપ આઉટનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. દરેક બાળક વર્ગમાં શિક્ષક પાસેથી થોડું ઘણું પણ કંઈક નવું શીખીને રોજ ઘરે જતું હોય તો જ તેમનામાં ફરી નિશાળે જવાની તાલાવેલી જીવતી રહેશે. બાકી સતત ગેરહાજર રહેતાં વિદ્યાર્થીની સંખ્યા અને ડ્રોપ આઉટ રેશિયો વધારે અને વધારે ઘટતો રહેશે .ભલે શિક્ષક ઉત્તમ શિક્ષણ આપતાં હોય તો પણ.

        સંવેદનશીલ શિક્ષક કે જે દરેક બાળક જોડે આત્મીયતાથી જોડાયેલા છે, તે ચોક્કસપણે આ પરિસ્થિતિને કળી શકશે અને તેનો ઉપાય શોધવા પ્રયત્નશીલ પણ રહેતાં જ હશે. બાળકને ગુણાકાર કરતાં જ ન આવડતું હોય તો તે ગુ.સા.અ નાં દાખલા કેવી રીતે કરી શકશે? અને જેની શીખવાની ક્ષમતા ખૂબ ઝડપી હોય, તેવાં બાળકોને તમે ગણનના દાખલા કરાવ્યા કરો તો પણ તે કંટાળી જશે. માટે વિદ્યાર્થીની વ્યક્તિગત ક્ષમતા અને કક્ષાને ધ્યાનમાં લીધા વગર, એક જ અધ્યાપન પદ્ધતિથી, દરેક બાળકનો વ્યક્તિગત સંપર્ક રાખ્યા વગર જનરલમાં ભણાવ્યા કરવાથી બધાં બાળકોને પુરતો ન્યાય નહીં આપી શકાય. 

       આ સમસ્યાનો ઉકેલ શોધવા થોડું પ્લાનિંગપૂર્વક એક ફર્મો નક્કી કરીને અધ્યાપન કાર્ય કરવામાં આવે તો, દરેક બાળકને તેની કક્ષાએથી ઉપર લઇ જઇ શકાશે. દરેક બાળક દરરોજ શાળાએથી નવું નવું કંઇક શીખીને જ ઘરે જશે. એક વર્ષમાં તો વર્ગનું કોઈ બાળક વાંચન લેખન ગણન ન આવડતું હોય એવું નહીં રહે.

         આ મુશ્કેલી નિવારવા "ગ્રુપ ટીચીગ પદ્ધતિ" ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. વર્ગના બાળકોને તેમની કક્ષા મુજબ ગ્રૂપમાં વહેંચી શકાય. પછી દરેક ગ્રુપને વારાફરતી બોલાવી ભણાવી શકાય. વ્યક્તિગત ટીચિંગ થઈ શકે. ઘડીયા પણ ન આવડતાં હોય તેમને સ્ટેપ બાય સ્ટેપ ગુણાકાર સુધી શીખવી ,ત્યારબાદ ભાગાકાર સુધી શીખવાડ્યા પછી, પાઠ્યપુસ્તક લર્નિંગ સુધી પહોંચાડી શકાય. A,B,C એવાં અલગ-અલગ ગ્રુપના  નામ આપી શકાય. દરેક ગ્રુપને "A ગ્રુપ" કે જેમને વાંચન-લેખન-ગણન માં કપ્લિટ આવડે છે. અને આગળ અભ્યાસક્રમ ભણે છે ત્યાં સુધી પહોંચાડવાનું ધ્યેય રાખી શકાય. દરેક ગ્રુપના બાળકોને જેમ જેમ આવડતું જાય તેમ તેમ ગ્રુપમાં આગળ બઢતી આપી શકાય. C~B~A.... છેવટે વર્ગના બધાં વિદ્યાર્થીઓ A ગ્રુપમાં આવી જશે. આ એક મેથડ છે. આવી ઘણી મેથડ શિક્ષક જાતે વિચારીને પોતાને અનુકૂળ આવે તે રીતે અમલમાં મૂકી શકે.

         દરેક બાળક સાથેની આત્મીયતા શિક્ષકને એકેએક બાળકનો સર્વાંગી વિકાસ થાય એવાં વ્યક્તિગત શિક્ષણ તરફ આપોઆપ દોરી જાય છે. કોઈ બાળક શિક્ષણ વગરનું ન રહેવું જોઈએ. દરેક બાળક રોજ નવું નવું શીખે. દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય. આ "મારી" શાળા છે અને આ "મારા" બાળકો છે. એવો ભાવ જ્યારે આવે ત્યારે બધી મુશ્કેલીઓ સાવ સહજ પણે સોલ્વ થઈ જાય છે.સૌથી મોટો પ્રશ્ન કોઈ બાળક વાંચન લેખન ગણનમાં કચાસ ધરાવે છે તો "એકબીજા પર ઢોળવાની વૃત્તિ",   "વર્ગનાં આટલાં બાળકો ડફોળ છે એમને તો ગણિત ન જ આવડે"  એવી ગ્રંથિ. "આવતો જ નહોતો એક થી પાંચ ધોરણમાં એટલે નથી આવડતું" ‌ એવું કારણ દર્શાવી છટકબારી શોધીને પોતાની ફરજમાંથી 'પલાયન થવાની વૃત્તિ' આમાં અડચણરૂપ બની શકે. જેને જે કર્યું તે, બાળક જે પણ કારણસર ન આવતો હોય, હવે આપણી પાસે બાળક ભણવા આવે છે તો આપણે તેને આગળ લઈ જવાં શું પ્રયત્ન કરીએ છીએ, આપણે તેને શાળામાં રોજ આવવું ગમે, હાજરી સો ટકા થાય એવું ભણાવવાનું કાર્ય કંઈ રીતે કરીએ, એ વિચારવાનું છે.જ્યાં સુધી "બીજાઓએ શું કર્યું" ને "કોઈ શું કરે છે".... "હું આ રીતે ભણાવીશ તો કોઈ શું વિચારશે" , "બીજા શિક્ષકોને કાંઈ પડેલી નથી તો મારે શી પડેલી રાખવાની". આ માનસિકતામાંથી આપણે બહાર આવીશું તો જ આપણે સાચાં શિક્ષક બની શકીશું. આપણે શાળામાં જઇએ છે, માત્ર ને માત્ર બાળકો માટે. કોઈનાં માટે સારાં બનવા, કોઈનાં સ્વીકાર, અસ્વીકારના આવિર્ભાવની અપેક્ષા વગર, શાળા સમયમાં આપણાં મનમાં, મગજનાં કેન્દ્રમાં માત્ર અને માત્ર બાળકો હોવાં જોઈએ. તો બધી મુશ્કેલીઓના ઉપાય આપોઆપ મળી જશે. બહાનાબાજી, છટકબારી શોધવી તે શિક્ષકનો સ્વભાવ તો ન જ હોઈ શકે. "મારાં બાળકને નથી આવડતું તો તે માટે જવાબદાર હું છું" એવી જવાબદારી લેતાં આપણે જ્યારે શીખીશું, ત્યારે જ આપણામાંથી શિક્ષકત્વ પ્રગટશે અને આપણે પોતે એક સારાં માણસ બની શકીશું તો જ સારાં નાગરિક, માનવતાભર્યા અભિગમવાળા માણસોનું ઘડતર કરી શકીશું.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment