Wednesday 4 November 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...

"તન-દુરસ્તી માં જ મન- દુરસ્તી સમન્વિત થયેલી હોય છે..."💌....😑😐😌😏😊😄😍

         આપણે પોતાનાં જીવનમાં એટલાં વ્યસ્ત થઈ ગયા હોઈએ છે કે હેલ્થ વિશે વિચારવા કે તેને સાચવવા તરફ ક્યારેય લક્ષ નથી આપતાં. શરીર તરફથી આપણને અલ્ટીમેટમ  મળતાં રહે છે. કોઈને કોઈ સ્વરૂપે. શરીરમાં ગેસ, પિત્ત, કફની તકલીફ થતાં સતત બેચેની, માથાનો દુખાવો , અનવેલ ફીલિંગ અને સ્થૂળતા તરફ ધકેલાઈ રહ્યા હોવાનો અહેસાસ પણ થતો હોય છે. પણ આપણે તેને ઇગ્નોર કરીએ છીએ. બસ એક છટકબારી હેઠળ કે "ટાઈમ જ ક્યાં મળે છે". અને તમે તમારી તંદુરસ્તીને ત્યાં સુધી ટાળો છો તેના મૂળિયા છેક તમારી માનસિક તંદુરસ્તી સુધી પણ પહોંચી જાય... સ્ટ્રેસ, ડિપ્રેશન ચીડિયાપણું જેવાં માનસિક રોગ તમારામાં ઘર કરવા માંડે, જ્યારે અચાનક તમને ખબર પડે છે કે તમને ડાયાબિટીસ ,બીપી, થાઇરોડ કે અન્ય કોઈ વિટામિનની કમી જેવા રોગનાં શિકાર બન્યા છો. હવે તમે શું તે તંદુરસ્તી પાછી મેળવી શકશો? એ મનદુરસ્તી, એ એનર્જી, એ કામ કરવાનો ઉમંગ પાછો મેળવી શકશો? મેળવી તો શકશો પણ ત્યાં થોડી વધુ મહેનત અને વધુ દિવસથી તમારે રાહ જોવી પડશે. અથવા તો ના પણ મેળવી શકો. તમે કાયમ માટે એ રોગ સાથે જીવવું પડે, તેના ઓથાર હેઠળ શારીરિક તકલીફ ભોગવવી પડે તે પહેલા થોડા સજાગ થઈ જઈએ.અને હેલ્થ અને પોતાની વ્યસ્ત લાઈફ સ્ટાઈલ નો એક નાનકડો હિસ્સો બનાવીએ. થોડુંક જ લક્ષ આપીએ.થોડાક સજાગ રહો તો લાંબા સમય સુધી તંદુરસ્ત અને મનદુરસ્ત રહી જીવનના દરેક સ્ટેજ પર રોગમુક્ત, ભયમુક્ત અને ડિપ્રેશન મુક્ત રહી સાચા અર્થમાં જીવી શકશો. તમે જે પૈસા કમાવવા માટે દોડધામ કરો છો તે પૈસા વાપરવા માટે મનથી અને તનથી ઉર્જાવાન રહી શકશો, તમે જે સંબંધોને સાચવવા મથામણ કરો છો તે સંબંધોને સંગાથે આત્મીયતાથી જીવી શકશો વધુ જીવનને માણી શકશો.

          બસ જરૂર છે પોતાની લાઈફ સ્ટાઈલમાં નાના થોડા પરિવર્તન સાથે હેલ્થને સ્થાન આપવાની. પહેલાના જમાનામાં લોકો પાંચ વાગે વહેલા ઉઠી જતાં. ખેતરે કામ કરવાં જતાં, કુવામાંથી પાણી ખેંચીને બેડલા ઊંચકીને લાવતાં શારીરિક શ્રમ કરતાં. કદાચ હજી પણ ગામડાઓમાં કરે છે. તો પણ આધુનિક સાધનો અને ટેકનોલોજીને કારણે તેમનું કામ સરળ થઈ ગયું છે. વધુ શારીરિક શ્રમ પડતો નથી. અને શહેરમાં તો શારીરિક શ્રમનો સદંતર અભાવ , ફાસ્ટ ફૂડ ને પ્રદૂષિત હવા ના સંગાથે જીવવાનું અને પાછું હેલ્ધી રહેવાનું. બહુ મહેનત માગી લે તેવું છે. તે માટે તમારે શરીરને એટલું મજબૂત કરી દેવું પડે કે આ બધા સામે ટકી રહે. ને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. તો જો તમારું શરીર હેલ્દી હશે તો તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો. એનર્જીસ્ટ રહેશો. માથાનો દુખાવો, બેચેની, સ્ટ્રેસ ,ડિપ્રેશન જેવા મનના વિકારો ક્યારેય નહીં આવે.

           હવે હેલ્થને આપણી લાઈફસ્ટાઈલમાં વણવું કઈ રીતે?? ઘણા બધા એમ કહેશે કે અમે ઘરનું કામ કરીએ જ છે ને એટલે બધી કસરત થઇ જાય છે.પણ એ સાચું નથી જે કામ પહેલાના જમાનામાં સ્ત્રીઓ કરતી હતી તેની સરખામણીમાં આપણે કંઈ જ નથી કરતાં માટે એક્સ્ટ્રા સમય તંદુરસ્તી માટે તમારે ફાળવવો જ પડે. જો ઘરનું કામ કરીને જ બધા તંદુરસ્ત રહેતા હોત તો આજે કોઈ સ્ત્રી સ્થૂળ ના હોત.

            ઓબેસિટી એ નાનાં બાળકથી માંડી પુખ્ત સ્ત્રી-પુરુષ માં જોવા મળતી બહુ કોમન અને વધતી જતી સમસ્યા છે. તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં નાના-નાના ક્યાં ફેરફાર કરી શકીએ?

        * ઘરનું જ ખાવાનો આગ્રહ રાખી શકાય અને ફેટ જેમાં વધુ હોય તેવાં તેલ ,ખાંડ નો ઉપયોગ નહિવત્ કરી શકાય. બહારનું ખાવાનું અને કોલ્ડ ડ્રિંક્સ બને ત્યાં સુધી એવોઇડ કરી શકાય.

          *સવારે પાંચ વાગે ઊઠવાને જીવનનો એક ક્રમ બનાવી શકીએ તો તમને આખા દિવસનાં  કામમાંથી પોતાનાં માટે પૂરતો સમય મળી રહેશે. અને આ મળેલ કિંમતી સમયનો તમે થોડા યોગા અને પ્રાણાયામ માટે અડધો કલાક કે કલાક ફાળવી શકો. કદાચ બહુ ન આવડે તો માત્ર ને માત્ર સૂર્ય નમસ્કાર 10 કે15 વાર કરો તોય આખા શરીરન કસરત થઇ જાય.તેમાં દસ મિનિટ ધ્યાન માટે આપી શકો, જે વિચારોને સ્થિર કરવા ,મન શાંત કરવા અને મનની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોનો એમ વિચારવામાં જ મેડીટેશન નથી કરતા કે હું કરું છું તેને જ ખરેખર મેડીટેશન કહેવાય છે? મારી પદ્ધતિ ક્યાંક ખોટી તો નથી ને. અરે શાંત ચિત્તે શાન્ત એરિયામાં બેસી આંખો બંધ કરી આવતા જતા શ્વાસ માં ધ્યાન કેન્દ્રિત કરો તોય તમારાં વિચારોનું ટ્રાફિક સ્થિર થશે અને મન શાન્ત થઇ જશે.

       * આપણા શરીરનો દુખાવો, હાડકા નો દુખાવો પિત્ત, કફ, ગેસ મોટેભાગે શરીરની અંદરની ph એસીડીક થવાનાં કારણે થતા હોય છે. તમારા શરીરની ભીતર ની pH એસિડિક હોય તો તે હાડકા માંથી કેલ્શિયમ એબસોર્બ કરે છે. તેનાથી હાડકા નો દુખાવો, ઘૂંટણના દુખાવા, પગના દુખાવાનાં રોગ થતાં હોય છે. તે બધાથી બચવા તમારે શરીરની અંદરની pH આલ્કલાઈન મેન્ટેન રાખવી પડે. તે માટે લીંબુ પાણી ને પોતાના રોજિંદા વ્યવહારમાં સ્થાન આપવું પડે. તમે એમ વિચારશો કે લીંબુ તો એસિડિક છે. પણ તે લીંબુ મોઢાની લાળ સાથે ભળી આલ્કલાઈન બની જાય છે. જે તમારી અંદરની pH આલ્કલાઈન મેન્ટેન કરવામાં મદદ કરે છે. માટે જમ્યા બાદ અને સવારે ઊઠીને લીંબુવાળું પાણી પીવું હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. તેનો તમારે પ્રયોગ કરવો હોય તો કરી જોજો ...તમને ગેસ કે એસીડિટી જેવું લાગે તો પાણીમાં લીંબુ નીચોવી પી જજો કોઈ દવા વગર ચોક્કસથી રાહત થશે.

      આવા નાનાં નાનાં ચેન્જીસ આપણી લાઈફ સ્ટાઈલમાં લાવીને આપણે કાયમ તનથી અને મનથી તંદુરસ્ત રહી શકીએ છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

       

 

No comments:

Post a Comment