બનાસકાંઠા થી પબ્લિસ થતાં સમાજ સાગર ન્યુઝ પેપરમાં મારો લેખ....💫✨🌷🎊
"એક શિક્ષક માં પૂજાતો બાળક અને....
બાળ મનડામાં પૂજાતા શિક્ષક મેં જોયા છે...!!!"
પૂજાય જ્યાં ઈશ્વર તેને જ ...
કહેવાય મંદિર એવું થોડું છે..!
શાળા મંદિરમાં દડ દડ દોડીને....
આવતા ખુદ બાળેશ્વરો... મેં ભાળ્યા છે.
"તત્ થી સત્ સુધી પહોંચવું" શિક્ષક થી માસ્તર સુધી પહોંચવાની રસીદ છે. ક્યાંક નિર્દોષતા તમને સ્પર્શી જાય, ક્યાંક તેમની નિખાલસતા માં તમે તરબોળ થઈ જાવ, ક્યાંક તેમની સાથે ખુદ નું બાળપણ જીવંત થઇ જાય, ક્યાંક તેમની સહજતા નું તમારામાં પ્રત્યારોપણ થવા લાગે, ત્યારે તમે તેમની સાથે ઈશ્વર- ભક્ત નાં સબંધથી જોડાયાં હોવાનો ભાવ આવે છે.
ક્યારેય સ્લેટ પર પેન પકડીને એકડા ઘૂટવા પ્રયત્ન કરતી તેમની નાની અમથી આંગળીઓ, મહા મહેનતે પેનને પકડ માં રાખતી નાની અમથી હથેળી અને આંખોને તલ્લીન કરી સ્લેટ સાથે રચાતું ગજ્જબ તારામૈત્રક નિહાળ્યું છે?? આ જે બાળ ભણવાના ,શિખવાના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમાં તો તમે પોતાની મહત્વાકાંક્ષાઓ, ટાર્ગેટ ,પેપરો, એકમ કસોટી, પ્રોજેક્ટોને કેટકેટલાય ભારના ટોપલા તેમનાં માથે ઝીંકી દઈ તે સહજતાનો દાટ વાળી દો છો. શું તે બે-ત્રણ વર્ષ સહજતાથી, સ્વયં પ્રેરણાથી આનંદ ઉત્સાહથી કેળવણીની પ્રક્રિયાની શરૂઆત ન કરી શકે...?? એક પાલતુ કુતરા ની જેમ શા માટે તેને ટ્રેઈન કરવાં માટે બધા પ્રયત્નશીલ બની જાય છે? તેને ઈશ્વર બુદ્ધિ,સંવેદનશીલતા ,તર્કશક્તિ બધું જ આપ્યું છે. તેનાં પર ભરોસો રાખી તેને ખીલવા દઈ તેને વિકસવા દઈએ, ખુલ્લા મને શીખી શકે તેવું વાતાવરણ આપી શકીએ તો તે બાળક એક ઉગતા ફૂલની જેમ ખીલી ઊઠે. જો૩૦ વર્ષ તમે તેને ટ્રેઈન કરવામાં પછી નોકરી કરી અર્થોપાર્જન કરવામાં કાઢી નાખ્યા પછી તમે તેની પાસેથી હજુ વધુ શાની અપેક્ષા રાખી શકો? શું તેની કેળવણી આટલેથી પૂરી થાય છે? શું તે ભવિષ્યમાં આવતી ભયંકર ઉતાર-ચઢાવ સામે ટકી શકશે? શું તે મુશ્કેલી માં સરવાઈવ કરવાની પદ્ધતિ શીખી શકશે?
બાળકો તો શાળાનો શ્વાસ છે .શાળા અને શિક્ષક માં ઈશ્વર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ બાળક કરે છે. કોઈ પણ સાચો શિક્ષક ક્યારેય કપટી ,અપ્રમાણિક નહી હોય કેમકે બાલેશ્વર માંથી સીધા ગુણો તેનામાં પ્રત્યારોપણ થતું હોય છે.
આરતી ઉતારી , થાળ ધરાવી....
ઘંટારવ કરીને જ કરાય પૂજા...
એવું થોડું છે...!!
વ્હાલનાં વરસાદથી નવડાવી નાંખતા..
એ ભૂલકાઓ પ્રેમથી ધરાવી નાખતા..
એક શિક્ષકમાં પૂજાતો બાળક અને ....
બાળકના મનડા માં પુજાતા શિક્ષકને મે જોયા છે.!!
મિતલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
No comments:
Post a Comment