Monday 21 November 2022

ડાયરી લેખન-- EQ ( EMOTIONAL QUOTIENT )લેવલ જાળવતો આયામ



            "માનસિક ગુંગળામણ" એ આજનાં સમયમાં વ્યક્તિની સૌથી વધુ અનુભવાતી લાગણી છે. જે ક્યારેય વ્યક્ત નથી થઈ શકતી કે નથી શબ્દોમાં કહી કે વર્ણવી શકાતી. પણ તે ઈમોશનલ ગુંગળામણ એટલી હદ સુધી પોતાનાં લાગણીતંત્ર પર વ્યાપી જાય છે કે માણસ રડીય નથી શકતો કે નથી ખૂલીને જીવી શકતો. અને મનથી ખુલે તોય ક્યાં ખુલે...!! માનસિક અભિવ્યક્તિ માટે પાત્ર કદાચ ન પણ મળે અને આ સ્વાર્થ જ્યાં ઠેરઠેર છે ત્યાં સ્વાર્થ વગર કોઈ આપણને સાંભળનાર શ્રોતા મળે તે પણ લગભગ નાશ પ્રાયઃ બાબત છે.


          ક્યારેક માત્ર એક અઠવાડિયા સુધી એક નવો ટ્રાયલ કરી જોજો, ડાયરી લખવાનો. દિવસ ને અંતે કે કોઈપણ સમયે પાંચ મિનિટ પોતિકી એક ડાયરીમાં તારીખ ઉપર લખી, દિવસના અનુભવો માત્ર બાહ્ય નહીં આંતરિક અનુભૂતિઓ સાથે ડાયરીમાં લખતાં જાઓ. તમને એક અલગ પ્રકારની ઊર્જા, ઈમોશનલ સ્ટ્રેન્થ, કદાચ નાની નાની સમસ્યાના ઉપાય સાવ સહજ પણે જડી આવશે, અનુભવાશે. ભીતરની હળવાશ અનુભવાશે. જે પીડા, જે વ્યથા, જે ફરિયાદ સતત મનને કોર્યા કરતી હતી, તે કાગળ પર ઉતારી દેવાથી તે લગભગ નિરર્થક અથવા તો સહ્ય બની જશે. સાવ નાની ક્ષુલ્લભ લાગશે. આ તો કંઈ નથી આમાં વળી શું દુઃખી થવાનું? "ઇટ્સ ઓલ નોર્મલ" આવી કંઈક ફીલ આવશે. તમારે જરૂર તે સમસ્યા કે પીડાના ઉકેલની ન હતી. તમારે જરૂર માત્ર તેની અભિવ્યક્તિની હતી. તમે કોક આગળ વ્યથા ઠાલવી દો પછી તે નાની લાગવા માંડે છે. સહ્ય લાગવા માંડે છે. એમાંય ડાયરી જેવાં મનમીત મળે તો તે કાયમી હોય છે. ક્યારેય છોડીને જવાના નથી. કાયમી સંગાથી અને તમે તમારી પીડા, જીવનની પ્રોબ્લેમ તેને કહેશો તો તેમાં તમને કોઈ ઇનસિક્યુરિટી નહિ લાગે કે તે કોકને કહી દેશે તો અથવા મને નહીં સમજે તો અથવા તેનો ગેરલાભ ઉઠાવશે તો અથવા મારી લાગણીનો મજાક બતાવશે તો આ બધી શક્યતાઓ ડાયરી સખી જોડે વાર્તાલાપ, સંવાદ કરવાથી ક્યારેય નડવાની નથી. તે નિર્જીવ હોવા છતાં જીવંત છે. તે આપણી જ લાગણી નો પડઘો બનીને આપણી સમક્ષ ધમકે છે. તે અરીસો બતાવે છે. આપણને આપણી ભૂલો ય બતાવે છે. કેટલીકવાર ડાયરી લખતી વખતે આપણને આપણી જ ભુલોનો અહેસાસ થાય છે. હું આ બાબત માટે રડું છું પણ આમાં વાક તો મારો જ હતો , એવી અનુભૂતિ ડાયરી લખતી વખતે કેટલીક વાર થાય છે. ડાયરી લખતા આપણને આત્મસન્માનની અનુભૂતિ થાય છે કેમકે તે આપણને આપણા જીવનનાં સારાં પાસાની અનુભૂતિ કરાવે છે. જેની હમણાં સુધી આપણને કદર નહોતી. તે અંત: સ્ફુરણાના સ્વરૂપે આપણી પડખે ઊભી રહે છે. તે અંતર મનનાં અવાજને સાંભળતા અને અનુસરતા શીખવે છે. ડાયરી લખતી વખતે અંતર આત્માના અવાજને વધુ સ્પષ્ટ પણે અને સારી રીતે સાંભળી શકતા થઈએ છીએ. અને તે શબ્દોને ડાયરીમાં સાવ સહજ બને અજાણતા ઉતારતા હોઈએ છીએ. 




                આપણી જાત, આપણી જોડે વાતો કરતી હોય તેવી અનુભૂતિ ડાયરી લખતી વખતે થાય છે. ડાયરી લખવાથી આપણે "પોતાને" પોતાના "સ્વ"ને વધુ સારી રીતે ઓળખી શકતા થઈએ છીએ. વધુ સમજતા અને જાણતા થઈએ છીએ. તેથી જીવનમાં પોતાની જાત માટે જે શ્રેષ્ઠ હોય તેવી વસ્તુઓ વ્યક્તિઓ અને તકની પસંદગી કરતા થઈએ છીએ. યોગ્ય નિર્ણયો લેતા થઈએ છે. ભૂલો કરતાં અટકીએ છીએ. અને ભૂતકાળની પીડા આપતી કઈ કેટલીય વસ્તુઓ બનાવોના ઊંડા ઘા ધીમે ધીમે રુઝાતા જાય છે. એ ઘટનાઓને પાછળ મૂકી પોતાનાં જીવનમાં આગળ વધતા શીખવાડે છે.



માણસ પોતે પોતાનાં પડખે ઉભો રે તો કેવું..!!
              બસ સાવ સહજ રોજ થોડાંક શબ્દો ડાયરીમાં લખે તો કેવું...!!

વાંચી લેશે પોતાની જાત પોતાને
              તું આકારે ખુદને, એવું કંઈક થોડું રોજ ચિતરી લે તો કેવું...!!

માંહ્યલો સાવ આમ જ ઉકળતો નહીં હોય,
              પીડા પ્રશ્નો તકલીફ ઉભરાતી હશે ક્યાંક ભીતર..!!

બંધ વાસણ નું ઢાંકણ ઉઘાડી 
           હૈયા વરાળ ક્યાંક ઠાલવી લે તો કેવું...!!

સખી એક ડાયરી બને અને
            કલમ એ ભાવશબ્દોની અભિવ્યક્તિ બને તો કેવું..!!


મિત્તલ પટેલ

No comments:

Post a Comment