Monday 28 November 2022


" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:27/11/ 2022  રવિવાર



વો આસમાં ઝુક રહા હૈ... જમીન પર.... યે મિલન હમને દેખા યહી પર...💫





            લાગણી અને સંબંધોની આંટીઘુંટીઓ ક્યારેય સીધી સરળ નથી હોતી. કોઈ વ્યક્તિ એક સીધી લીટીમાં તેને વ્યાખ્યાયિત ન કરી શકે. તેનાં થોડાંક નિયમો અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જીવી ન શકે. દરેક વ્યક્તિને નવી જ ચેલેન્જો, નવાં જ પડકારો અને નવાં જ કોયડાઓ કુદરત હંમેશા આપતી જ રહે છે. જે એકબીજાથી તદ્દન ભિન્ન જ હોય છે. માટે એકનું સમીકરણ બીજાને લાગુ ક્યારેય ન પડી શકે. પૈસા, વૈભવ ,જાહોજલાલી ક્ષણિક આનંદ ને સુખ આપી શકે. ચિરંજીવી પ્રસન્નતા તો સંવેદના, લાગણી, હુફ એ બધાં ભાવમાંથી જ આવે છે. તે માટે ઈર્ષા, દ્વેષભાવ, કપટ, છેતરપિંડી ,જૂઠું બોલવું વગેરે જાતને અને આત્માને કલુષિત કરતાં અને તેના પર બાહ્ય આવરણ બનાવી ભીતરનો અજવાસને બહાર આવતાં રોકતા પરિબળોથી દૂર રહેવું પડે. ચોખ્ખા મનથી જીવવુ પડે. ટ્રાન્સપરન્સીથી સંબંધોને નિભાવવા પડે. નિસ્વાર્થપણે આત્મીયતાથી દરેક મનેખ સાથે વર્તવાનું વ્યક્તિત્વ કેળવવું પડે.


           જીવનમાં ચાલતા અને અનુભવતા કાવા દાવાઓ વચ્ચે પોતાનાં વ્યક્તિત્વને નિર્લેપ રાખી જીવવું એ વરસાદમાં અંતરમનનો રેનકોટ પહેરીને જાતને દુર્ગુણોથી અલિપ્ત રાખી નિર્મળ મન, આત્માને જાળવી રાખવાં જેવું થાય છે.


આખાએ આખા જીવનને
        તરબોળ કરતાં....
મહ્યલાને જાણ, થોડું પહેચાન તું..!!

તું તારામાં નિર્લેપ જીવે
        તેટલું સત્કર્મનુ ભાથુ તો બાંધ તું...!!

દુઃખ આપવું એ લેવું જ છે,
        એ પરાવર્તનના નિયમને જાણ તું..!!


સરળ બનવું છે સૌથી અઘરું,
જાત સાથે પ્રમાણિકતા તેની છે શરત.

"હું" પણાનો ભાવ કાઢીને,તત્ક્ષણ જીવી બતાવ તું..!!

ધનવાન માત્ર નહીં,
         કર્મોની સમૃદ્ધિ સાચી કમાઈ બતાવ તું!!


          " જીવી નાખવું" અને "જીવી જવું" બંનેમાં ફરક છે. જીવનનો સાચો મર્મ અને હેતુ અકળ છે. જે જાણી શકે છે તે સાચું જીવી જાય છે. બાકી ગોળ વર્તુળ ફરીને પાછો જાય છે. જે એ ચક્કરમાંથી બહાર જ નથી નીકળી શકતો. શ્રીમદ્ ભગવત ગીતા નો એક અધ્યાય રોજ વાંચવો એટલે જીવણના મર્મ સુધી પહોંચવા એક ડગલું રોજ ભરવું. આનાથી વધુ શ્રેષ્ઠ દિવાદાંડી અને જીવનને એક દિશા અને સાચું ધ્યેય આપતી અને જીવનને સફળ બનાવતું હોકાયંત્ર વિશ્વમાં બીજું કોઈ નથી. આજે જ્યારે આખી દુનિયા તેને ગૂઢ શક્તિને પીછાણીને તેનું મહત્વ સ્વીકાર્યું છે, ત્યારે આ તો આપણાં જ આગણાનું મોતી છે ! આપણે બધા એક આભાસી વ્યસ્તતામાં જીવીએ છીએ. આપણને લાગે છે એટલા આપણે બીઝી એચ્યુલી નથી હોતાં. આપણને સમયને મેનેજ અને પ્રોડક્ટિવ રીતે વાપરતા નથી આવડતું. સમયને સંભાળવાની અણઆવડત એટલે આભાસી વ્યસ્તતા. જો ખરેખર જેટલું કહીએ છીએ, તેટલા વ્યસ્ત હોઈએ તો whatsapp, facebook, instagram જેવાં સોશિયલ મીડિયા આટલાં સક્સેસફૂલી ચાલતા ન હોત. કેટલીક વાર કેટલીક માનસિક, ઇમોશનલ પીડાઓને ભૂલવા આપણે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહીએ છીએ. પણ સમસ્યાનો ઉકેલ મેળવવાનો એ રસ્તો નથી. લાગણીના અને સંબંધોના પ્રશ્નોમાં તો આ વ્યસ્ત થઈ જવું એ ખરેખર સંવેદનાને ડામવા જેવું છે. સંવેદનાને ડામવાની વૃતિ બીજી એક અનેક વિકૃતિનો જન્મ આપે છે. માણસને સંવેદનાવિહીન પથ્થર બનાવી દે છે.

           સંવેદનામાં વેદના સમાવિષ્ટ જ હોય છે. ને સંવેદના જ આપણને જીવંત  રાખે છે. જીવાડે છે. આપણને દુઃખ થાય છે, પીડા થાય છે ,કેમકે સંવેદના છે, આ પણ જે સંવેદનાને વ્યસ્તતા મમાં ઢાંકી દેશો તો જીવાડશે કોણ? પૈસા? ભૌતિક જાહોજલાલી? કુત્રિમતા? આ બધું માત્ર ક્ષણિક સુખ આપશે. માત્ર આભાસી, સાચું નહીં સંબંધોને લાગણીની બાબતમાં જે દેખાય છે, સંભળાય છે, તેના પર નહીં ,જે પોતાને અનુભૂતિ થાય છે તેના પર વિશ્વાસ કરજો. અમુક વાર જે ચિત્ર નજર સામે દેખાય તે અલગ હોય ને અંતરાત્મા જે કહેતું હોય, જે અનુભૂતિ થતી હોય તે અલગ હોય એવું થાય છે. બંનેમાં ઘણો ફરક ભલે હોય પણ હંમેશા અનુભૂતિ પર વિશ્વાસ કરજો તે ક્યારેય ભૂલ્યા નહીં પડવા દે, કે ક્યારેય છેતરાવા નહીં દે.




મિત્તલ પટેલ
"પરિભાષા "


No comments:

Post a Comment