Wednesday 29 June 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......🖊️📖


તું સુન તેરે મન કી...✍️💫




          કેટલીક વાર જીવનમાં સામા પ્રવાહે તરવાનું આવે ત્યારે મન સહેજ  દ્વિધામાં હોય એ સહજ છે. મન ત્યારે જ મક્કમ મનોબળથી પોતાનાં સ્થાન પર અટલ રહી શકે જ્યારે તેની જાતને ખબર હોય કે તેનો તે કાર્ય કરવાનો હેતું ઉમદા છે. અને ઉમદા હેતુ હેઠળ થતું કાર્ય સીધુ, સરળ ભાગ્યે જ હોય છે. અંતરાત્માના અવાજને અનુસરવું અને સતત અનુસરવું જીવનમાં દરેક પરિસ્થિતિમાં તે દરેક માટે શક્ય નથી‌ હોતું અને એ અવાજને સાંભળી શકવા સક્ષમ અંતઃ કર્ણ કેળવી શકે તો ય ઘણું!! પર્વત જેવી તકલીફો સાવ ક્ષુલ્લભ  લાગવા માંડે અને મન આપણને પર્વતો વચ્ચેથી રસ્તો કાઢી દરિયા સુધી, પોતાનાં ધ્યેય સુધી પહોંચાડી દે તેવી ક્ષમતા માત્ર આપણા અંતરમન પાસે જ છે. તે માટે પોતાની જાત સાથે એકદમ પ્રમાણિક રહીને જીવવું પડે. તમે પોતાનાં નાના નાના સ્વાર્થ માટે પોતાની જાતને સતત છેતરતા રહેતા હશો તો શ્રેષ્ઠ પામવું ક્યારેય શક્ય નહીં બને. કારણ કે તમારી જાત તમને ડંખશે. ગિલ્ટ ફીલ કરાવશે. હળવાશ નહિ અનુભવવા દે. પોતાનાં નિમિત્તિક કર્મ જો સાચાં મનથી તમે કરતાં હશો તો તમારે મંદિરમાં જવાની પણ જરૂર નહીં પડે. કારણ કે મંદિરમાં જે સહજ શાંતિ અને ઈશ્વર સાથે કનેક્ટ થવાની ફીલિંગ છે તે તમને તે કર્મમાંથી જ મળી રહેશે.


વાંછટ આવે ત્યારે....
       વરસાદની રોકવા ન જવાય....

વાંછટિયુ પોતાનાં મન પર નાંખી દેતા.....
        તોફાનો કંઈ કેટલાય સમી જાય છે!!




        " તત્" સુધી પહોંચવાનો રસ્તો કર્મ છે. કર્માધીન પ્રવૃત્ત થતું મન અને આત્મા એ "વિચાર પ્રેરિત" હોય છે. વિચારબીજ રોપવાનું કાર્ય અંતરમન કરે છે . અને બીજું બાહ્ય માધ્યમો કરે છે જેટલાં બાહ્ય દ્વેષભાવ, કપટ, સ્વાર્થ, બનાવટ, કૃત્રિમતાઓનાં ઘોંઘાટથી દૂર રહીશું, તેટલું મનને નિર્મળ રાખીને આપણાં અંતરમને આપણાં માટે જે શ્રેષ્ઠ છે, તે કરવાં માટે ક્રિયાશીલ બનવા દઈ શકીશું. તે આપોઆપ પ્રવૃત્ત થશે. આપણને શ્રેષ્ઠ તકો, શ્રેષ્ઠ સ્થાન અને જીવનમાં જે શ્રેષ્ઠ છે બધું જ આપશે.


મુંઝારો છોડીને તું કર કર્મ...
     જેનાં માટે તું નીમાયો છે...


વખત જતાં સમજાશે કે 'તું માત્ર નિમિત્ત છે'...
       તે ઈશ્વર જ એક તારો "તારો" છે...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment