Friday 7 January 2022

         

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
✨💫"Joy of giving..."✍🏻✨😀😀😀🎈


        આપણે સૌ "મને શું મળ્યું?", "મારી કોઈને કદર નથી", "મને આને સહકાર ન આપ્યો", "બધા સ્વાર્થી છે "...જેવી ફરિયાદો માં રાચીએ છીએ. પણ "તમે શું આપ્યું?" ,"તમે નિસ્વાર્થતાથી કેટલાં લોકોને મદદ કરી?", "તમે કોણે સહકાર આપ્યો?", "તમે કોણે કોણે શાબ્દિક કે અશાબ્દિક પ્રોત્સાહન, ટેકો, માનસિક સંગાથ આપ્યો?" તે વિશે ભાગ્યે જ વિચારતાં હોઈએ છીએ. સાચું સુખ અને સંતોષ તો વહેંચવામાં છે, આપવામાં છે. પૈસા હોય તો જ આજે તમે કંઇક બીજાને આપી શકો તેવું નથી. તમે એક સાચાં હૃદયનું સ્મિત પણ સહજપણે આપી શકો છો. તો સર્વત્ર  ખૂશી વ્યાપશે. તમે પ્રોત્સાહનના બે વાક્યો કોકના સારા કાર્યને બિરદાવવા આપી શકો છો. જે માનસિક મનોબળ તેમનું વધારશે અને જુસ્સો પણ. તમે કોક તકલીફમાં રહેલ વ્યક્તિને "બધું સારું થઈ જશે" અને "હું છું તારી સાથે" એ સાંત્વના રૂપી થોડા ભાવ આપી શકો છો. તે તેની જીજીવિષા ટકાવી રાખશે. જ્યારે તમે સાચાં હૃદયથી કંઈક આપો છો, ત્યારે જ શાશ્વત કંઈક પામી શકો છો. જે સાચી પ્રસન્નતા બક્ષે છે. તમે તમારાં જૂનાં કપડાં કોઈ જરૂરિયાતમંદોને વહેચી શકો. થરથરતી ઠંડીમાં થોડાં સ્વેટર કે ધાબડા વહેંચીને માનવતાની મહેક ફેલાવી શકો. આર્થિક રીતે સધ્ધર ન હોય તેવાં બાળકોને ભણવા માટેની ફી ભરી જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપી શકો. તમારી કે તમારા બાળકનો જન્મ દિવસ ગરીબોને ભોજન કે નાસ્તો કરાવીને ઉજવી શકો. આવી તો ઘણા બધા કાર્યો કરીને માનવતાને જીવંત રાખી શકો છો. અને બદલામાં જે  આનંદની અનુભૂતિ મળે છે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.
     સૌથી મહત્વની વસ્તુ એ છે કે મદદ એવી રીતે કરવી કે ડાબા હાથે કરો તો જમણાં હાથનેય ખબર ન પડે. એટલે કે કોઈને જાહેરાત કરવાની કે "મેં કર્યુ" તેવો ભાવ રાખીને કરવાની જરૂર નથી. જો તમે એવું કરો તો તેનું જે આનંદ અને સંતોષ છે કાયમ માટે ગુમાવી દો છો. અને મદદ સ્વિકારનાર વ્યક્તિને પણ નાનપની, ક્ષોભ ની લાગણી અનુભવાય છે. અને અંતે બધુ શૂન્ય બની જાય છે. આજે તો નાનું પણ કંઈક દાન કર્યું હોય તો પણ તેની જાહેરાત કરવામાં આવે છે. આખી દુનિયા પડી છે પોતાને સારાં સાબિત કરવા. પણ ખરેખર તમે કંઈ પણ મદદ કોઈને આપો છો ત્યારે તેને જીવન યજ્ઞ માં એક આહુતિ આપી છે, તેમ સમજીને ભૂલી જાવ અને કોઈને કહેવાની જરૂર પણ નથી કે "મેં કર્યું" એવો ભાવ રાખવાની તો સહેજ પણ જરૂર નથી. જો તે અહમ્ તમારામાં આવી ગયો તો પછી તમે કોઇપણ સારું કામ પછીથી નહીં કરી શકો. "હું માત્ર નિમિત્ત છું" ઈશ્વરે મને ક્ષમતા આપી છે તેથી હું  મદદ કરી શક્યો. હું ન હતો બીજો કોઈ હોત. આપણે રાખ સાથે જોડાયેલાં રહીને પરમાર્થ કરીએ છે, ત્યારે જ સાચાં અર્થમાં કંઈક સારું કાર્ય આપણાં દ્વારા થતું હોય છે. બાકી બધું દેખાડાનાં ભાગરૂપે આપણામાં દંભ પરોવે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment