Saturday 22 January 2022



મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં જાન્યુઆરી- 2022  અંકમાં મારો લેખ...

"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..."💫✨



            કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ કેટલાએ શાબ્દિક હથિયારો લઈને પહેરો ભરતા હોય, ત્યારે પોતાની જાતને કહી દેવું...

"હું છું ને તારી સાથે
       તું પ્રયાસનું હલેસું મારતો જા...
હું જીવું છું તારી સાથે
‌.        તું નૈમિત્તિક કર્મમાં વહેતો જા..
મારો વિશ્વાસ છે તારી સાથે
       તું વધુ સમૃદ્ધ બની ઉગતો જા..
નદી બની રહી શકીશ
      તો જીવી શકીશ તું નિર્મળતાથી
હું સંગાથે છું ને તારી સાથે
       તું નિરાશા ખંખેરી આનંદ વહેંચતો થા..


          વિખુટી પડેલ જાતને જ્યારે આપણે ખુદ જોડે પાછી જોડતાં, કનેક્ટ કરતાં શીખી જઈએ છે ને ત્યારે તણખા ભીતરથી અંતઃસ્ફુરણા સ્વરૂપે આપોઆપ ઝરે  છે. અને જે જીહવળવામાં, ટકી રહેવામાં, સતત પ્રયત્ન કરવા માટે આપણને ઈંધણ પૂરું પાડે છે.
       "સેલ્ફીમાં રાચતો માણસ સેલ્ફ માં પણ સ્થિત હોવો જોઇએ..."

           જાતને ઝંઝોળીને મૂકી દે તેવી ઘટનાઓ જિંદગીમાં બનવી અનિવાર્ય છે.તો જ તે ખુદને પોતાનાં સાચાં મિત્ર, સાચાં સંગાથી, સાચાં રાહબર તરીકે જાત જોડે જોડવા સક્ષમ બને છે. જ્યારે ભીતરથી વાગે અને સંવેદનાનું લોહી નીકળે ને ત્યારે જ તમે કંઈક શાશ્વતને પામી શકો છો!!


સરળ રસ્તે નથી પહોંચાતુ
            શાશ્વત સુધી...
ક્ષણભંગુરતા વ્યાપેલી છે સર્વત્ર સર્વત્ર

તું ટકી રહેજે , તારાં પ્રયાસો થકી.. સતત..
 તારામાં ઊગી નીકળીશ તું
         ભરપૂર અત્ર-તત્ર-સર્વત્ર...


          કેટલીકવાર આખું જીવન સંબંધો, સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિ, દરેક સંજોગ જેવાં ભાસે, જેવું દેખાય છે તેનાથી વિપરીત નીકળે અને જે નહોતું દેખાતું તે પ્રગટે. શ્રેષ્ઠ લાગતું હોય તે સાવ વામન નીકળે. અને ઝાંખપ ને કઠોરતા જેનાં વ્યવહારમાં હોય તે શ્રેષ્ઠ નીકળે. આવી બધી ભ્રમણા, અનુભૂતિ સતત જીવનમાં થતી રહે છે. આપણે જજમેન્ટલ બનીને જીવવા જઈએ કે આ ઘટના આ વ્યક્તિ આવી છે, તો તેનું વ્યક્તિત્વ તેનો હાર્દ સ્વરૂપ આવું જ હશે તો ચોક્કસથી આપણે ખોટા પડીએ છીએ. દરેક ઘટના, દરેક વ્યક્તિમાં મેઘ ધનુષ કરતાં પણ અતરંગી અનેક રંગો, સ્વરૂપ ,વ્યક્તિત્વ હોય છે. જે અલગ-અલગ સ્વરૂપે ધીમે ધીમે આપણી સામે આવે છે. એક સમયે તદ્દન વિપરીત લાગતું વ્યક્તિ થોડાં સમય બાદ અન્ય પ્રસંગે સારપવાળું લાગે છે. માટે જો તમારે કોઇપણ સંબંધમાં જીવનનાં કોઈ પણ પ્રસંગે, ઘટનાક્રમે કે જીવનના કોઈ પણ તબક્કે નિરાશ ન થવું હોય, માનસિક આઘાતોને ઓછા વેઠવા હોય, "માણસ બદલાઈ ગયો" "જીવન રોળાઈ ગયું" જેવી ફિલિંગ ન અનુભવવી હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ કે ઘટનાને જજ કરવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે. આવું થયું એટલે તે વ્યક્તિ આવી જ હશે. આવી ઘટના બની એટલે મારી સાથે ખોટું થયું, સારું જ થયું તેવું જજમેન્ટલ બનવામાંથી બહાર આવવા સતત પ્રયાસો કરવા પડશે જીવનભર... તમે ધીમે ધીમે આ ઘટનાઓ, વ્યક્તિઓ અને સંબંધોના સાચાં સ્વરૂપ સુધી પહોંચી શકશો. જીવનને તેના એઝ ઈટ ઇઝ સ્વરૂપ, આપણા અસ્તિત્વના હેતુ, કારક સ્વરૂપ અને સાધ્ય સુધી પહોંચી શકીશું. સારું લાગે તેને સ્વીકારવું અને ના સારું લાગે તેને અવગણવું, અમુક સંબંધને પકડી રાખવા અને અમુક સંબંધ  કે વ્યક્તિ માટે ગ્રંથિ રાખી દુઃખી થતા રહેવું, તેનાં કરતાં તટસ્થ રહી જીવનને એક સાક્ષી ભાવ સાથે જોવાની દ્રષ્ટિ વિકસાવવી અને "ધારી લેવું" ની વૃત્તિમાં થી બહાર આવી દરેક ક્ષણને જીવંત બનીને lively જીવવાનાં સતત પ્રયાસો કરવા તેનું નામ જીવન. ભલેને તકલીફ હોય તે ખુશી, પીડા હોય કે પ્રસન્નતા... સ્થિતપ્રજ્ઞ રહી જીવવું તેનું નામ જીવન.

ભોમ આખું ભમી લેશો તો ય...
     ભમવું પતે નહીં તારું તારાં સુધી..
તું જીવી લેજે જીવે ત્યાં સુધી...
       પ્રયાસો થકી, ઉત્કંઠતાઓ થકી...


મિત્તલ પટેલ
" પરિભાષા "
અમદાવાદ

No comments:

Post a Comment