આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
💫"અવકાશ વગરનું આકાશ"✨
વાક્ય લખતી વખતે શબ્દો વચ્ચે અવકાશ ન હોય તો? આકાશમાં તારાઓ સાવ લગોલગ ગોઠવાયેલાં હોય તો શોભે ખરાં!! બે દિવસ વચ્ચે રાતનો અને બે રાત વચ્ચે દિવસનો અવકાશ ન હોય તો?? સતત મળતું સુખ હોય તો પણ તે "સાતત્ય' તેનો સાચો આનંદ ગુમાવી દે છે. જ્યારે ચોક્કસ અવકાશ સાથે આંખોમાં શોભતી કીકીઓને આપણે સ્વીકારી શકીએ છીએ, બે મત્લા અને મિસરા સાથે શોભતી કવિતા સમયનાં ચોક્કસ અટકાવ સાથે આપણે માણી શકીએ છીએ, એકબીજાને પૂરતો અવકાશ આપી સારાં શ્રોતા અને વક્તા બની એક મજાનો સંવાદ આપણે સાધી શકીએ છીએ . તો સંબંધને એક ચોક્કસ અવકાશ સાથે આપણે શા માટે સ્વિકારી નથી શકતાં? આપણે સંબંધમાં એક બ્રિજ એટલે કે "બંધ" નહીં બારણું બાંધીને તેને લોક કરી બંધ કરી રાખી મૂકવા ઈચ્છીએ છીએ. એક વ્યક્તિને તેનાં વ્યક્તિત્વને તે નિખારી શકે , તેનાં પોતાનાં "સ્વ"ને ઘડી શકે, તે માટે થોડી સ્પેસ આપીને તેની સાથે નથી જીવી શકતાં. કોઈ પુસ્તક પણ આંખની સાવ નજીક રાખીને નથી વાંચી શકાતું.થોડુંક અંતર, થોડોક અવકાશ સાથે જ પુસ્તકને આપણે વાંચી શકીએ છીએ. વ્યક્તિનું પણ એમ જ હોય છે.
વિચારો! પંખાની પાંખો બાંધી દઈને તમે તેને ફરવાનું કહો તો ફરી શકે ખરાં!! મુળત્વ જોડાયેલું રાખી, આભાને ખીલવાનો પુરતો અવકાશ આપશો તો સંબંધ તરતો રહે છે. સ્થગિત નથી થઈ જતો. જ્યારે "મમત્વ"નું પ્રમાણ કોઈપણ વસ્તુ કે વ્યક્તિ માટે વધી જાય છે, ત્યારે ગુંગળામણ અનુભવાય છે. અને તે ગુંગળામણ સંબંધમાં શ્વસતી જીવંતતાને કોરી ખાય છે. પછી રહી જાય છે એક અપ્રગટ ,સ્થગિત થઈ ગયેલું સગપણ.
પવનને તમે કહો કે તમારે આ જ દિશામાં વહેવાનું છે, અસ્તવ્યસ્ત નહીં ,તમે નદીના વહેનને રોકવાનું ,સ્થગિત કરવાનો પ્રયત્ન કરો તો તે તેનું મૂળ તત્વ ગુમાવી દે છે. અને કોઈપણ વસ્તુ કે સંબંધમાં સાચું તત્વ તેનું મૂળભૂત સ્વરૂપ છે. તે જેવું છે તેવું તમે સ્વીકારી શકો, તેને બદલ્યા વગર તેની સાથે જીવી શકો. તેને બાંધ્યા વગર સબંધાઈ શકો તો જ તમે તેના મૂળ તત્વ સુધી પહોંચી શકો, તેમાં રહેલી સત્વને પામી શકો.
મિત્તલ પટેલ