Wednesday 22 December 2021

મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં ડિસેમ્બર- 2021  અંકમાં મારો લેખ...

"જળકમળવત્ બનીને જીવવું એટલે તકલીફને તકલીફ આપવી"....☕🌊✨💫🥰




         કેટલીકવાર દુનિયાની નજરમાં પારાવાર તકલીફમાં હોય તેવી વ્યક્તિને આપણે મળીએ તો તે તકલીફોની વચ્ચોવચ પણ ખૂબ જ જિંદાદિલ, નિખાલસ અને પ્રસન્નતાથી તરવરતો આપણને જોવાં મળે છે.. અને કેટલીક વાર જીવનમાં ,જેની પાસે બધું જ હોય તો પણ તે સતત ફરિયાદો કરતો,  વક્રદ્રષ્ટિથી સૌને નિહાળતો, રોદણાં રડતો અને સતત વ્યથિત રહેતો જોવાં મળે છે. ક્યારેય વિચાર્યું છે આવું કેમ?? તકલીફ હોવી અને તકલીફની અનુભૂતિ કરવી બંને અલગ વસ્તુ છે. હાં, નાની-મોટી, ઓછી, વધારે તકલીફ દરેક વ્યક્તિને હોય જ. તમે સળિયા વગરની જેલ જોઈ છે?? જો સળિયા વગરની જેલ હોય તો કેદીઓ ક્યારનાય ભાગી છૂટે. મુક્ત થઈ જાય. કદાચ સ્વચ્છંદી થઈ જાય. એવું જ માણસનું છે. તકલીફરુપી સળિયા ન હોય તો જીવનમાં તે સ્વચ્છંદી થઈ જાય. માણસને માણસની, માણસને ઈશ્વરની, માણસને માણસાયતની કિંમત ન સમજાય.


 સસ્તી ખુશી અને મૂલ્યવાન ખુશીમાં ફરક પંકાય છે,

        તકલાદીપણુ જ્યારે માણસનાં સુખમાં વર્તાય છે...

હાસ્ય રેલાવતી રેલગાડીઓ જેવી આંખ્યું,

       જ્યાં ભાળે ત્યાં પ્રસન્નતા ની સરવાની પ્રસરાય છે...


        આજે ભવિષ્યનું પ્લાનિંગ કરવાવાળા અને ભૂતકાળનું માપન કરવાવાળા વ્યક્તિઓ છે. સીધુ સાદુ તકલીફ વિહોણું જીવન ભૂતકાળમાય ન હતું, હમણાય નથી અને હવે પછીનાં સમયમાં પણ નહીં હોય. પણ તકલીફને જોવાનો, તેમનો સામનો કરવાનો અને તેમાંથી રસ્તા કાઢવાનો સૌનો  દ્રષ્ટિકોણ ,રીતો અને પચાવવાની તાકાત બદલાઈ છે. પહેલાં પણ જનરેશન ગેપને કારણે સંઘર્ષની પરિસ્થિતિ હતી. અને તેને સંવાદથી, સમજથી, મોટાઈથી એકબીજા સાથે સહકારની ભાવનાથી ઉકેલવામાં આવતી. "હું" જ મારી જીંદગી એંજોય કરી લઉ. કોઈ જવાબદારી ન લઉ.કશાની પણ જવાબદારીથી ન બંધાઉ. એવી માનસિકતા, એવાં એટીટ્યુડવાળા યંગ જનરેશન અને મોટી ઉંમરના લોકો પણ જોવા મળી રહ્યા છે. આ પ્રકારના સામાજિક બદલાવ સ્વાર્થના બીજને અંકુરિત થવા વાતાવરણ પૂરું પાડે છે. આજનાં જમાનામાં તમને જો ટકી રહેવું હશે, સાચાં અર્થમાં સુખી રહેતાં શીખવું હશે તો ,સ્વાર્થ પ્રેરિત માનસિક આઘાતોને ઝડપથી પચાવતા અને તેને હળવાશથી ફૂંક મારીને ફેંકી દેતા શીખવું જ પડશે. "તકલીફ તો રહેવાની" એ હકીકત છે. અને તેમાંથી "તકલીફ આપણને કેટલી પડવાની"તે આપણાં EQ લેવલ અને મજબૂત તૈયાર કરેલ લાગણીતંત્ર પર આધારિત છે.


કોઈ રોજ તહેવાર ઉજવે છે,

      કોઈ વહેવારમાં પણ સ્વાર્થ ઉજવે છે...


વહેમ રાખી જીવતો નહીં કે સૌ કોઈ છે  સાથે તારી,

     બધા અહીં તો પોતાનાં જ સંતાપ ઉજવે છે


મિત્તલ પટેલ
" પરિભાષા"
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment