Wednesday 20 October 2021


મારી રેગ્યુલર કોલમ
 "પરિભાષા"...નો લેખ

"વિશ્વાસ" એ કોઇપણ સંબંધનો અવિભાજ્ય અવયવ છે.....☕✍️📙





            જોડતી કડી કહો કે સંવેદાતી સાંકળ......

         બાંધે છે તે જ, જે બંધાયેલ હોય ભીતરથી....

તરંગ નથી કે વમળો રચીને, પાણીને છોડી જશે....
            અટકળ નથી કે તર્કના અર્ક સમ સંસર્ગમાં તાણી જશે...


હૃદયસ્થ કહો કે આત્માની શેર....
      જીવાય છે ત્યાં જ, જ્યાં તરાતું હોય અંતરથી....



          પાંચ આંગળા ભલે સરખા ન હોય પણ પાંચેય આંકડાનું કોઓર્ડીનેશન ત્યારે જ થાય છે, જ્યારે દરેક આંગળીને બીજી આંગળી પર વિશ્વાસ અકબંધ હોય. સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ, આત્મીયતા, કનેક્ટેડ ફીલ થવું ,સમસંવેદન હોવું એ બધું ત્યારે જ શક્ય છે જ્યારે વિશ્વાસ એકબીજા પરનો અકબંધ હોય. જ્યાં વિશ્વાસ નથી, ત્યાં કોઈ પણ પ્રકારનાં સત્વ ની ઉપસ્થિતિ હોવી કદાચ શક્ય જ નથી. કોઈ પણ સંબંધ હોય, પુત્રીનો માતા પરનો વિશ્વાસ, ભાઈનો બહેન પરનો વિશ્વાસ કે મિત્રનો મિત્ર પરનો વિશ્વાસ.... જ્યારે માણસ જેવું વિચારે છે, એવું જ બોલે છે અને એવું જ વર્તે છે ત્યારે જ વિશ્વાસ દરેક સંબંધમાં જળવાય છે. આમાંથી એક પણ લીંક તુટી તો લાગણીનું વાતાવરણ ડહોળાય છે. જ્યારે અંતર મનમાં લાગણીઓનું વાવાઝોડું, માનસિક ડિસ્ટર્બન્સ ચાલતાં હોય ત્યારે, માણસ વર્તમાન ક્ષણમાં પ્રસ્તુત રહી શકતો નથી. કાં તો તે ભૂતકાળની ઘટનાનાં વિશ્લેષણમાં વ્યસ્ત બની જાય છે. કાં તો તે ભવિષ્યનાં અનિશ્ચિત વિચારોમાં ગરકાવ બની જાય છે. તે વર્તમાનમાં જીવી શકતો નથી. જ્યારે તેનાંથી ઊલટું જેટલું તમારાં વિચાર, વાણી અને વર્તનમાં ઐક્ય તમે જાળવી શકો, હા થોડું fluctuations થઈ શકે, પણ પ્રયત્ન કરીને મહત્તમ પણે જો એ લેવલમાં રહીને જીવી શકો તો, તમારું માનસિક મનોબળ પણ ખૂબ મજબૂત બનશે. કારણકે તમે તમારી જાત જોડે એકદમ ક્લિયર રહીને જીવતાં હોવ છો!! અને તમારી સાથે સંબંધમાં જોડાયેલ દરેક વ્યક્તિને તમે માનસિક, ઈમોશનલ, સ્પિરિચ્યુઅલ શાતા આપી શકો છો. તમે વર્તમાનમાં જીવી શકો, અને માણી શકો છો. જો તમારું વર્તમાન ભવ્ય હશે તો તે જ્યારે ભૂતકાળ બનશે તો ભૂતકાળ પણ ભવ્ય જ હશે.


           વિશ્વાસ એ શ્વાસ જેવો છે. લેવાય છે ને દેવાય છે. કાઢી શકાતો નથી, કે નકારી શકાતો નથી. અનિવાર્ય છે જીવવા માટે. આજે માણસાઈ જીવે છે પૃથ્વી પર, એ વિશ્વાસ જિવાડે છે. આજે જીવવાનાં "કારણ", "હેતુ" માણસની જીજીવિષાને જિવાડે છે. આ જીવવાનાં "કારણ" અને "હેતુ" જ્યારે જતાં રહે છે, ત્યારે માણસ એકલો પડી જાય છે. અને તે ક્યારે બને છે જ્યારે જે જીવવાનાં કારણ હતાં, તેમની સાથે વિશ્વાસનો સેતુ તૂટી ગયો. આવી માનસિક દુર્ઘટનાઓને ઈશ્વરીય સંવિધાનમાં અયોગ્ય ઠેરવવામાં આવે છે.


       માટે દરેક સંબંધમાં સમયાંતરે આ વિશ્વાસ અને લાગણીના જળનો છંટકાવ થતો રહે છે ને...!! તેનું ધ્યાન ચોક્કસ રાખી શકીએ.


મિત્તલ પટેલ 
"પરિભાષા"

No comments:

Post a Comment