Thursday 14 October 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"ગરબે રમવું એ એક પ્રકારનું મેડીટેશન છે.."💫❤️🥰✨

             સાવ ગીચોગીચ વિચારોની ઝાડીઓમાંથી, સાવ વ્યસ્ત જીવનની ઘટમાળોમાથી, સાવ ભીતરથી હોરાતા હ્રદય સ્તરોની કોતરોમાંથી નીકળતાં સિસકારા જેવી જિંદગીની ભીતરથી ઉગતો એક સુવાસિત બગીચો એટલે ગરબો. 

          અંતરનાં ભીતરમાં ખોવાતા, અંજાતા, શરમાતા, રંગાતા, તન્મયતાથી, તલ્લીનતાથી ઐક્યને પામતાં એ રમઝટના તાલે રૂમઝૂમ રમાતો ગરબો એ "ધ્યાન"ની પ્રક્રિયા છે.

 ‌       તમે થોડી ક્ષણો દુનિયાથી અલિપ્ત થઇ શકો, તો ગરબો શ્રેષ્ઠ મેડીટેશન બની શકે .તાલની દોરીમાં હ્રદયના ધબકારારૂપી મોતીને પરોવી, ખુદને શણગારી શકો, તો ગરબો તમને ટ્રાન્સ સ્ટેજમાં લઈ જઈ શકે. તમે દંભ, દેખાડો, મોટાઈ ,અભિમાનને એ ક્ષણોમાં ઉખાડીને ફેંકી દઈ શકો, સ્વને ,અહમને ઓગાળી પ્રકૃતિ તત્વમાં ઐક્ય સાધી શકો તો ગરબો એ તમને તમારી સાથે જોડી આપતું મેડીટેશન બની શકે. તમે કેવાં દેખાવ છો કે લોકો તમારા માટે શું વિચારશે, તેવાં આવિર્ભાવથી મુક્ત થઈ, મુકતતાની ફિલ પોતાની જાતને કરાવી શકો, "સ્વ" માં મુકતતાથી વિહરી શકો ,તો ગરબો એ જીવતેજીવ મોક્ષની ઝલક બતાવી આપતી આધ્યાત્મિક  સ્પિરિચ્યુઅલ શ્રેષ્ઠ સંવેદન છે.

ભક્તિ અને શક્તિનો સંગમ એટલે ગરબો

       ભક્તિ એ હદયસ્થ થવાની પ્રક્રિયા છે કોઈની ભક્તિ કરવી એ સ્થૂળ વસ્તુ છે જ નહીં .તે તો અંતરની અભિવ્યક્તિ છે. સ્થળ સમય અને સંજોગથી પર છે. માતાજીનાં ગરબા એ સ્ત્રી શક્તિનું આલેખન છે. આ સ્ત્રી એટલે કોઈ પણ પુરુષમાં રહેલ સ્ત્રી તત્વ અને સ્ત્રી માં રહેલ પુરુષતત્વની પણ વાત છે. સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે કદાચ તેનું ઉદ્ગમ સ્થાન છે શું મા વગરની છોકરી એ પિતામાં "માં" નું તત્વ ન જોઈ શકે!! પુરુષ માં રહેલું સ્ત્રી તત્વ તેને સંવેદનશીલ બનાવે છે. કઠોરતાને ઓગાળતા શીખવાડે છે  અહમને ભૂસીને લાગણીને પોષતા શીખવાડે છે.

ગરબો એ માની આરાધના કહો કે સ્ત્રી શક્તિની ઉપાસના....

          સતને તત્ માં રોપતા શીખવાડે છે.

ગરબો એ આડંબરને આનંદથી ભૂસી...                    

         અહમથી પર થતા શીખવાડે છે.

ગરબો એ તન્મયતા અને તલ્લીનતાથી,    

           આત્માને પરમાત્મા સાથે એકાકાર થતાં શીખવાડે છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા "
અમદાવાદ

No comments:

Post a Comment