Friday 2 August 2024

" ગાંધીનગર સમાચાર "✍️🗞️📰💫 દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા: 31/7/24 બુધવાર🌿🪷📜








શું નિંદાવૃત્તિ એ  ચેપી છે??



            આપણાં સૌનું જીવન કેટલું કિંમતી, કેટલું અમૂલ્ય, અને કેટલું ક્ષણભંગુર છે!! આ જીવનક્ષણોનો ઉપયોગ આપણે ક્યાં, કેવી રીતે, કોની સાથે અને શું કરીને કરીએ છીએ તેનાં પર આપણાં જીવનની સાર્થકતાનો આધાર છે. દરેક જીવ એક ચોક્કસ સિન્ક્રોનાઈઝેસનથી જોડાયેલો છે. આપણે કોઈ વ્યક્તિનું જાણતા અજાણતા પણ દિલ દુભવ્યુ હોય, તે કર્મ કુદરતના ચોપડે તરત લખાઈ જાય છે. અને તે અજંપાની જનની છે. એ ખટકો તમને માનસિક શાંતિ અને સુકૂન સાથે જીવવામાં અંતરાય બનતા સૌથી મોટા પથ્થરો અને અવરોધો છે .

          આપણે મક્કમ મને નિંદાવૃત્તિથી પોતાની જાતને અલિપ્ત રાખવાની, તે કારણસર "એકલા ઊભા રહેવાની" હિંમત અને સાહસ કેળવવામાં પાછા કેમ પડીએ છીએ? જે વૃત્તિ આપણને વિચારોની અધોગતિ તરફ દોરી જાય, તે વૃત્તિથી દૂર રહેવું એટલે પોતે પોતાના આત્મારક્ષક બનવું કહેવાય . બે વ્યક્તિ વચ્ચેના મતભેદ અને મનભેદ ઊભાં થવાનું, કરવાનું બહુ મોટું કારણ નિંદાવૃત્તિ છે. પીઠ પાછળ થતી, વાતો કરતી વ્યક્તિઓ માત્ર તેમના વિચારો અને મનોવૃત્તિને દૂષિત કરવાં સિવાય કંઈ જ કરતા નથી. ટેવ છૂટી શકે, આદત કદાચ મહામહેનતે છૂટી શકે, પણ એકવાર કેળવાયેલી વૃત્તિ ક્યારેય છૂટતી નથી. આપણી બધી ઉર્જા સારાં પ્રોડક્ટિવ કામમાં રોકીએ, નહીં કે એકબીજાના દુર્ગુણોના નિબંધ શાબ્દિક રટ્યા કરવાની સ્પર્ધાઓમાં.


           દરેક માણસને પોતાના કર્મો પોતે જ ભોગવવાના છે. કોઈના કર્મો આપણે તો ભોગવવાનું આવવાનું નથી, તો શા માટે આપણે તેમની, આપણને ન ગમતી બાબતોની વાતો અન્ય સમક્ષ કર્યા કરવી. ખાસ કરીને સ્ત્રીઓને આ આદત વધુ હોય છે અને એટલે જ તે સરળ, સહજ અને હળવાશભર્યા આનંદ સાથે જીવી નથી શકતી .



          આપણી ઈચ્છા મુજબ દુનિયા નથી ચાલતી અને કુદરતની મરજી વગર પાંદડું યે નથી હાલતું. આપણાં વિચારોમાં વૈમનસ્ય ઉભું કરવા માટે પણ આ વૃત્તિ જવાબદાર છે. પારકી પંચાત દ્વારા અંતરાત્માને દૂષિત કરી, જાતને દેખાતો અંતઃમનના દર્પણને ધૂંધળો બનાવવા પાછળ  જવાબદાર માત્ર નિંદા કરવાની, પીઠ પાછળ તેનાં વિશે ઝેર ઓકવાની વૃત્તિ જ છે. ઘણીવાર સારાં માણસો, કર્મનિષ્ઠ માણસો નિંદા વૃત્તિ જ્યાં ચાલતી હોય ત્યાં રસ લેવાની, તને વારંવાર સાંભળતાં રહેવાની, તેનામાં મમરો મૂકીને તેમની સહમતી દાખવવાની ચેષ્ટા કરતાં હોય છે. પછી ધીમે ધીમે તે તેમની આદત બની જાય છે. કદાચ બધા માટે સારા બનવાની વૃત્તિ તેના માટે જવાબદાર હોઈ શકે. "એકલા પડી જવાની બીક" તેના મૂળિયા હોઈ શકે.પણ શું નિંદા કર્યા પછી તમને ભીતરથી ખોટું કર્યાનો અજંપો નથી લાગતો? તમારું મન, વિચારો બધું નકારાત્મકતાના વાદળોથી ઘેરાઈ ગયું હોય એવું નથી લાગતું? તો જે બાબત આપણાં અંતરમનને દૂષિત કરે, જે બાબત આપણને અંદરથી ખૂંચતી હોય, તે થોડાંક લાભ ખાતર કે બીજા માટે સારું બનવા પણ ન જ કરવી જોઈએ. "બધાં માટે સારું બનવું" એ આપણી જવાબદારી નથી. હા આપની જાત માટે સારું હોવું,સાચું હોવું એ આપણી જવાબદારી છે. અને જાત સાથે હોય, એટલે ઈશ્વર સાથે હોય. તો એકલા પડવાનો પ્રશ્ન ક્યાંથી આવે? અને ઘેટાંના ટોળામાં ચાલવું તેના કરતાં સિંહની જેમ પોતાનાં સિદ્ધાંત પર જીવીને સાર્થક જીવવું વધારે સારું.


મિત્તલ પટેલ 
"પરિભાષા"