આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......
Overthinking - પોતાને જ પીડતી એક માનસિક વ્યાધિ....🤔🙇✨
કેટલીક વાર આપણે વાસ્તવિક કરતાં સતત કાલ્પનિક વિચારો કરી કરીને કોઈ વ્યક્તિ અને ઘટનાને કંઈક જુદી રીતે મૂલવતાં જોઈએ છે. પોતાની જાતે વધારેનું ચિત્ર મનમાં ક્રિએટ કરી કાલ્પનિક ઘોડા એટલાં બધાં દોડાવીએ છીએ કે મૂળ વ્યક્તિ કે મૂળ ઘટનાની વાસ્તવિકતા તો ક્યાંક કોરાણે મૂકાઈ જાય છે અને પોતે ઓવરથિંકીગ કરી કરીને અર્થનો અનર્થ કરી નાખી, પોતાને તો દુઃખી કરે જ છે ને તે વ્યક્તિ સાથેના સંબંધો પણ કાયમ માટે બગાડી નાખે છે. એવું નથી કે તે જે વિચારે છે તે સો ટકા ખોટું જ છે. હા તેમાંથી થોડા અંશે તે સાચી પણ હોઈ શકે પણ વિચારવાની અને તે ઘટનાને સમજવાની, મૂલવવાની દિશા, તેની પાછળનું કારણ, પરિસ્થિતિ, તે સમયની દરેકની મનોસ્થિતિ કેવી હશે તે સમજવાને બદલે તે વ્યક્તિ અને ઘટનાને સંપૂર્ણ પણે વિલન ચીતરી નાખતી સતત કાલ્પનીક પરિસ્થિતિમા રાચવાની આદત થી વ્યક્તિ પોતે તો માનસિક પીડા દુ઼:ખ વેઠે જ છે અને નાની નાની બાબતમાં નિરાશ થઈ જવું ,રડવું, ફ્રસ્ટએડ થઈ જવું ,જેવી સ્થિતિમાં મુકાઇ જાય છે. આમાંથી પોતાની જાતને બને તેટલાં વહેલાં બહાર કાઢવી ખુબ જરૂરી છે.
Self help with full self confidence is most important
આત્મવિશ્વાસ એ જીવન બળ પૂરું પાડતી એક ખૂબ જ સામાન્ય લાગતી પણ સૌથી વધુ તાકતવર અને દરેક પરિસ્થિતિમાં ટકાવી રાખતી એક આખી "જીવનશૈલી" છે. આત્મવિશ્વાસ આપણને વર્તમાનમાં જીવાડે છે. વિચારોને એક પોઝીટીવ દિશા આપે છે. "સ્વ"માં ઓતપ્રોત રાખે છે. જીવનને તલ્લીન બનીને જીવતાં શીખવાડે છે. આ ઓવરથિંકીગમાંથી નીકળવાનો એકમાત્ર મજબૂત રસ્તો પોતાનાં પરનો વિશ્વાસ છે."મને પોતાનાં પર પૂરો વિશ્વાસ છે"આટલું તમે પોતાની જાતને નિરંતર કહેતા રહો પછી તમારી જાત તમારાં પર શ્રદ્ધા રાખશે અને તમે એક સ્થિર, પ્રસન્ન અને જિંદાદિલીભર્યુ જીવન, સંબંધો ,પરિસ્થિતિને જીવી શકશો.
પોતાની જાતને હંમેશા સારાં કાર્યો, પોતાનાં શોખમાં હંમેશા વ્યસ્ત રાખો. પોતાને ભીતરથી અંકુરિત થવા દો. તે માટે ઉત્સાહ, ઉમંગનું તેનામાં સિંચન કરો. વ્યસ્ત રહેવું એટલે માત્ર કામ કર્યા કરવું સતત એવું નહીં. હંમેશાં નવું નવું સતત શીખતાં રહી, પોતાનાં દ્વારા સમાજમાં થઈ શકતું યોગદાન આપવા કટિબદ્ધ થઈ ,તે માટે સતત પ્રયત્નશીલ રહીએ. ગમતી પ્રવૃત્તિ ને થોડોક સમય આપીએ. 'હેલ્થ ઇઝ વેલ્થ' ના સૂત્ર ની સાર્થકતા સમજી થોડા યોગા કસરત માં ટાઈમ સ્પેન્ડ કરીએ. તો તે વ્યસ્તતા તમને થાકવા નહીં દે. ઊલટું તમને સતત ગ્રો થવામાં મદદ કરશે. ને સૌથી મોટો ફાયદો ઓવરથિંકીગના વ્યસનથી છુટકારો અપાવશે હેપ્પી લાઈફ જીવવામાં મદદ કરશે.
મિત્તલ પટેલ
"પરિભાષા"
mitalpatel56@gmail.com