Thursday, 29 June 2023

ગાંધીનગર સમાચાર ન્યુઝપેપરમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 28/6/23 બુધવાર નો આર્ટીકલ.....🪻✨✍️🦚🦩

વાંચન માણસને માનસિક રીતે જગાડવાનું કામ કરે છે......✍️📗📘📙📖

           માણસને કોઈ ઘટના કે પ્રસંગમાં ઘણાં બધા રૂપિયા ખર્ચાઈ જાય તો કેટલું બધું ખૂંચે છે. પણ જિંદગીના દિવસોના દિવસો, કલાકોના કલાકો, વર્ષોના વર્ષો ખર્ચાઈ જાય પણ તેનાં તરફ લક્ષ સુધ્ધાં જતું નથી... સ્થિર ઉભા રહીને થોડી ક્ષણો થોભીને વીતી ગયેલ અને હમણાં જીવાતી ક્ષણોની સાર્થકતા વિશે વિચાર કરવાનો વિચાર પણ ભાગ્યે જ અથવા તો બહું ઓછાંને આવે છે. જો આવી શકે તો થઈ ગયેલ ખોટાં નિર્ણયો ભૂલો બહુ ઝડપથી સુધારી શકાય. આ ઉપરાંત બાકીનાં જીવનમાં સાચાં નિર્ણયો લેવામાં અને સાચું જીવન જીવવામાં તેમજ જીવનને સાર્થક બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. વાંચન એ તો જાત સાથેની, બીજા શબ્દોમાં કહીએ તો જાત ભણીની યાત્રા છે. જે "તમે" છો તેની ઓળખાણ કરી આપતો "ભોમિયો" એટલે પુસ્તક. ટીવી જોવું ગમે પણ ટીવીના ચલચિત્ર કે મોબાઈલમાંથી નીકળતા શબ્દો તમને વિઝયુલાઈઝેશનની તાકાત આપી શકતા નથી. જ્યારે વાંચનથી તમારાં અંતરપટ પર જે તે દ્રશ્ય ઉપસી આવે છે. બીજી રીતે કહીએ તો તમે તમે જે વાંચતા હોવ છો, તેને જોતા પણ હોવ છો. પક્ષીઓના અવાજ કે વૃક્ષના વૈભવ વિશે વંચાતું હોય ત્યારે એ દરેકે દરેક ધ્વનિ, એ દરેકે દરેક વૃક્ષત્વની વિભાવનાઓ તમને અનુભવાય છે, તમને સંભળાય છે.

            કેટલીકવાર ગામડામાં રહેતાં હોઈએ અથવા પ્રકૃતિની વચ્ચે મોટાભાગનો સમય કાઢતાં હોઈએ, તો પણ કોયલનો ટહુકો કે વરસાદનાં છાંટા કે મોરની કળાનો જાજરમાન નજારો ભીતર સ્પર્શતો નથી. હૃદયમાં અનુકંપા જન્માવતો નથી. તે કાનનાં પડદામાં અથડાઈને પરાવર્તન પામી પાછો જતો રહે છે. આ એક પ્રકારનું સૂક્ષ્મ"જડત્વ" છે. જે આપણાં બધામાં વત્તા ઓછાં પ્રમાણમાં પ્રવેશી ગયું છે. "કુત્રિમતા" તેને નામ આપી શકાય. એટલે જ આપણને અન્ય વ્યક્તિનું દુઃખ, પીડા કે ખુશી બહુ જલ્દી સ્પર્શતી નથી. "હું" અને "મારું" એટલું વધી ગયું છે કે "આપણે" શબ્દ ઘરમાં, મિત્રતામાં, સમાજમાં, કુટુંબમાં કે કર્મ સ્થળે બહુ ઓછો વપરાતો થઈ ગયો છે. "આપણે", "આપણું", "આપણો" એ ભાવ, કોઈપણ સંબંધમાં, ઘરમાં, કુટુંબમાં, સમાજમાં અને કર્મ સ્થળોએ આવશે ત્યારે જ સંબંધો અને કામની ઉચ્ચ ગુણવત્તા અને એક ઉચ્ચ લેવલ જળવાશે. એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે અન્ય વસ્તુ, ઘટના, વ્યક્તિ સાથે તાદામ્ય સાધી શકો. તેનાં સ્થાને પોતાને મૂકીને તેની ખુશી, પીડા અનુભવી શકો. પ્રકૃતિને પામવી હોય તો તેનામાં ઓગળવું પડે, તેનામાં ભળવું પડે, એકાકાર થવું પડે. આ બધું જ એઝ અ ગિફ્ટ વાંચન આપે છે. આ બધું જ સાવ સહજ રીતે આપણામાં વાવવાનું કામ વાંચન કરે છે.

                 કલમ પકડીને કંઈક સત્વ ચિતરવું ક્યારે શક્ય બને...?? અંતરમન સાંદિપનીરૂપી કલમ બની જાય,લેખકનું સ્થૂળ અસ્તિત્વ માનસિક રીતે મટી જાય અને અજાણ્યો પ્રવાહ તેનો હાથ પકડી કંઈક અલૌકિક શબ્દભાવ‌ ચિતરાવી જાય, ત્યારે કંઈક "સત્વ" અને "તત્વ" થી સભર લખાય છે. માત્ર પ્રાસ બેસાડીને તો કવિતા ય ન‌ લખાય. લેખનમાં કૃત્રિમતા પ્રવેશે ત્યારે લખાયેલું ક્યારેય વાંચકને સ્પર્શતું નથી. અને જે ભીતરથી ન સ્પર્શે તેને વાંચવું ય ન જોઈએ. શું વાંચવું? કેવી રીતે વાંચવું? વાંચેલું પચાવવું કંઈ રીતે? તે પણ એક વૈચારિક પ્રક્રિયા છે. અને તે નક્કી કરીને અમલમાં મૂકવું ખૂબ જ મહત્વનું છે. બાકી નીંદણરૂપી વિચારો આપણાં જીવનમાં ઊગી નીકળે, તો ઉધઈની જેમ સારાં વિચારોને કોરી જઈ ખોટી દિશામાં દોરે છે.

             એક સારો વાંચક લેખકના લખાણને સાર્થકતા બક્ષે છે. અને એક સારો લેખક વાંચનની પ્રક્રિયામાં પ્રાણપ્રતિષ્ઠા કરી સારાં અને સાચાં વાચકોનો ઉમેરો કરે છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Wednesday, 7 June 2023

પાટનગરનું પોતાનું અખબાર "ગાંધીનગર સમાચાર" માં રવિવારનાં વાંચન વિશેષ પાના પર આવતી મારી કોલમ "પમરાટ" હવેથી બુધવારના ન્યુઝ પેપરમાં આવશે...... છેલ્લાં એક વર્ષથી અવિરત ચાલી રહેલ મારી આ કોલમને આપ સૌનો ખુબ સુંદર સહકાર ,પ્રેમ, આવકાર અને પ્રતિભાવ સાંપડ્યો છે તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર... ઈમેલ, મેસેજ અને ફોન દ્વારા મળતા પ્રતિભાવ, અપ્રિશિયેસન અને સૂચનો એ હંમેશા મને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરી છે વધુ સારું લખવા અને શબ્દોનું ઉત્તમ ઘડતર અને ચણતર કરવાં.......... આભાર......🙏😊😊😊✍️✍️✍️🎉🌷 "ગાંધીનગર સમાચાર "🗞️ માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો આજનો લેખ......07/06/23... બુધવાર...

Monday, 15 May 2023

પાટનગર ગાંધીનગરના ન્યુઝપેપર  " ગાંધીનગર સમાચાર "🗞️  માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......14/05/23... રવિવાર...✍️🌿🪵🌲🌳🌴🌄

અંધારામાં સમાવિષ્ટ અજવાળાની પરિભાષા.......📝💫🌘🌔🌕

Wednesday, 10 May 2023

શબ્દોત્સવ ને આપણું શ્રોતાપણું.........

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના"ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

મન, મગજ અને અંતરમન વચ્ચેની તર્કબધ્ધ સંઘર્ષગાથા......🌪️🌀⛈️✍️🌷✨😊

    આપણે દરેક સ્થિતિમાં,
            "સ્થિત" થઈ શકીએ છે ખરાં...!!

આપણે પ્રકૃતિ સાથે સાવ સહજ
             તાદામ્ય સાંધી શકીએ છીએ ખરાં..!!

આકાર વગરના નિરાકાર તત્વ અને સત્વનો
             સ્વિકાર કરી શકીએ છીએ ખરાં...!! 

સ્થૂળથી સૂક્ષ્મ તરફ જીવન દ્રષ્ટિ 
             કેળવી શકીએ છીએ ખરાં...!!

મૌનનાં કોલાહલને સાંભળી
             સમજી ને પામી શકીએ છીએ ખરાં...!!

               જીવનનાં અમુક પડાવ પછી આપણાં અંતરમાં સ્મરણના, અનુભવોના ઇન્ટેલેક્ચ્યુઅલ ભાવવરણ પર એક પછી એક પડ ચડતા રહે છે. નજીકના સંબંધો, સમાજ, દેશ હોય કે ખુદ "સ્વ" માટે પણ કંઈ કેટલાય અનુભવો થકી ચોક્કસ વિચારધારા, ચોક્કસ માન્યતાઓ, ગ્રંથિ, તર્કો, ધારણાઓ ફિક્સ થઈ ગઈ હોય છે. તેને બદલવી, મઠારવી , સમુળગી કાઢવી એ લગભગ અશક્યની નજીક, ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હા પણ એટલી જ જરૂરી પણ થઈ જાય છે કેટલીકવાર બદલવી. એટલે જ આપણે મન અને મગજ વચ્ચેના સંઘર્ષથી લગભગ નીચોવાઈ જતા હોઈએ છીએ. દરેક માણસ ક્યાંક ને ક્યાંક તો એવું અનુભવે જ છે કે મગજ કંઈક અલગ રહેતું હોય જે માત્ર તર્કબદ્ધ વિચારતું હોય, ને તેને અનુસરવા જાવ તો અંતરમન બળવો પુકારે કારણ કે તેનાં એથિક્સમાં એ નથી આવતું હોતું. આ એટલે ગહન અને દરેકને પરેશાન કરતી બાબત છે. તે નકારીય નથી શકાતી, નિવારીય નથી શકાતી કે મિટાવી ય નથી શકાતી. બસ તેનો સ્વીકાર કરી શકીએ છીએ. તેનાં પરસેપ્શનને પચાવી ને આપની દરેક નાની નાની સફળતાના પગથિયાં બનાવી શકીએ છીએ. પણ તે થાય કંઈ રીતે? મોટેભાગે તો આપણાં દરેક નિર્ણયમાં અડચણરૂપ જ બનતો હોય છે આ આંતરિક સંઘર્ષ. આપણને વર્તમાનમાં લાઈવલી જીવતાં અટકાવતો હોય છે આ ભીતરનો ટકરાવ. આપણને લગભગ લગભગ લાગણીની દ્રષ્ટિએ નિચોવી નાખે છે આ ન દેખાતો વિખવાદ. તો કંઈ રીતે તેને ફ્રુટફુલ બનાવી શકાય? તેમાંથી નીકળવાનો વિચાર પડતો મૂકી, તેનો સ્વીકાર પોઝિટિવ વે થી કંઈ રીતે પોતાની તરફ તેને વાળી શકાય? કે આકારી શકાય?

         ભીતરના સંઘર્ષ ટાળવાની વૃત્તિ અને પ્રયત્ન આપણને વધુ સંઘર્ષ તરફ વાળે છે એ આપણા સૌનો અનુભવ છે અથવા ઉમળકાના દમન તરફ વાળે છે.

            મન અને મગજ બંને આપણાં જીવનનાવના બે હલેસાં જેવા છે. જે બંને જરૂરી છે. માત્ર બંને વચ્ચે એક સેતુ કંઈ રીતે બાંધવો, બંનેના પરસેપ્શનને, અંતરાત્માના અવાજના માર્ગદર્શનથી જોડવું કંઈ રીતે તે આવડી જાય ને તો આ સંઘર્ષ, આપની પ્રગતિ જે આંતરિક હોય સંબંધમાં હોય કે બાહ્ય પગથિયાની ગરજ ચોક્કસથી સારે છે. જરા વિચારો બંનેમાંથી એક મૌન થઈ જાય તો સંઘર્ષ ચોક્કસથી મટી જાય, પણ કદાચ સંવેદના અને જીવંતતા જ મરી પરવારે. શું એ યોગ્ય છે ખરું? માટે વાદ એ સંવાદનો એક ભાગ જ છે. એવો સ્વિકાર અને પોતાની જાત સાથે રોજ થોડો કરાતો વાર્તાલાપ, સંવાદ ઘણા અંશે આડાઅવળા રસ્તાઓમાંથી ચોક્કસ અને યોગ્ય માર્ગ તરફ આપણને દોરી જાય છે. આપણી લાઈફ સ્ટાઈલમાં નાના નાના ચેન્જીસ આપની ભીતર ચાલતા આવા કેટલાય વાવાઝોડાઓમાંથી આપણને તારે છે. ડિસ્ટ્રોય થઈ જતાં અટકાવે છે અને જે ડિપ્રેશનની કન્ડિશનથી બચાવી શકે છે.
 ૧)આપણી આખી હોર્મોનલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ લાગણીતંત્ર બધું જ આ આંતરિક સંઘર્ષને  આપણે કંઈ રીતે મેનેજ કરીએ છીએ તેનાં પર ડિપેન્ડેડ છે. જ્યારે આપણે તેને મેનેજ નથી કરી શકતાં ત્યારે બધું જ કોલેપ્સ થઈ જાય છે. જે આપણને ફસ્ટ્રેશનના લેવલ સુધી દોરી જાય છે. આવું જીવવું એ કંઈ જીવવું કહેવાય!! જે જીજીવિષા ને મારી નાખે, જીવનરસને સુકાવી નાખે. તેનાં કરતાં..........
 અંતરાત્માના અવાજને ભીતરથી સાંભળી શકીએ એટલું શ્રોતાપણું આપણે કેળવવું પડે...

૨) મેડીટેશનને જીવનનો અનિવાર્ય ભાગ બનાવવો પડે. જે ખોટાં વિચારોને શૂન્ય કરી સ્ટેબિલિટીના લેવલ પર મગજ અને મનને લઈ જઈ પરિસ્થિતિને યોગ્ય એન્ગલથી જોઈ શકવા સક્ષમ બનાવે છે. ભાવનાત્મક મજબૂતાઈ કેળવે છે. આજનાં ગેજેટ્સના સમયમાં ચારે બાજુથી જ્ઞાનનો કોલહાલ વધ્યો છે. તેમાં કુદરત જે આપણને કહેવા માંગે છે. દિશા સૂચન કરવા માંગે છે. તેની અનુભૂતિ કેળવવા, માનસિક શાંતિ કેળવવા, મેડીટેશન નો અન્ય કોઈ વિકલ્પ નથી.

૩) આપણા જીવનનું હોકાયંત્ર વિચારોને બનાવવાની જગ્યાએ, અનુભૂતિ, અંતરાત્માના અવાજ અને ભગવતગીતા જેવાં માર્ગદર્શકને આપીએ તો આપને અધ્ધર નહીં સધ્ધર થતા શીખી શકીશું. તે માટે આપણાં અંતરમનને આપણને  મુજબતા પ્રશ્નો, પોતાના અંદર ગુચવતા પ્રશ્નો અવારનવાર શાંત જગ્યાએ બેસીને પૂછવા જોઈએ. તે ચોક્કસથી જવાબ આપશે જ. ચોક્કસથી પડઘો મળશે જ. અને તે જ આ સાચો ઉકેલ હશે. માત્ર તે સાંભળવાની ક્ષમતા આપણે કેળવવી પડે. જે માત્રને માત્ર સતત અનુભવ કરીને, અનુભૂતિ કરીને જ કેળવી શકાય છે. હા "કેળવી શકાય છે". જન્મજાત હોતી નથી.

મિત્તલ પટેલ
"પરિભાષા"