Tuesday 28 February 2023



ગાંધીનગર સમાચાર "🗞️ દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......26/2/23... રવિવાર....



સત્યતાથી જ શાશ્વતતા સુધી પહોંચી શકાય........✍️🍁🪷🌿🪹




       સત્ય કઠોર હોય છે, કડવું હોય છે, તેનો રસ્તો કઠિન હોય છે. પણ કંઈક શાશ્વત પામવું હોય તો આ માર્ગ દ્વારા જ મળી શકે છે. બાકી સરળ રસ્તા તો બધા ક્ષણિક સુખ અને માત્ર ઉછાંછળા ભાવ જ આપે છે. તમારો અંતરઆત્મા તમને જે દિશા બતાવે તે જ શ્રેષ્ઠતાની ટોચ સુધી તમને લઈ જાય છે. અમુક વાર વ્યાજબી કારણ ન પણ લાગે, મગજ સાથે સંઘર્ષ કરવો પડે, મગજ સતત તેનો વિરોધ કરે, પણ મહત્વના નિર્ણય લેતી વખતે માત્ર હૃદયનું જ સાંભળજો. તે ક્યારેય ખોટા નિર્ણય નહીં લેવા દે.


વહેંચી લઈશું સુખ દુઃખ ચલ ને...
           હું આપીશ સધિયારો, તું આગળ વધજે.


ઓળખ પત્રની ક્યાં જરૂર પવન ને...!!
             હું પાંખો બનુ.... તું આકાશ ખૂદજે....ચલ ને....



          એવરેસ્ટ આરોહણ કરતી વખતે કંઈ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.પણ જેનું લક્ષ્ય એવરેસ્ટ ચડવાનું હોય તે ક્યારેય ટેકરીઓ ચઢીને સંતોષ માની લેતા નથી. ઉપક્રમ કોઈપણ હોય, ધ્યેયનિષ્ઠા તેમની છોડતા નથી. "નિશાનચૂક માફ નહીં માફ નીચું નિશાન" . છાશવારે જેમનાં ધ્યેય બદલાતાં હોય, પોતાની સવલત પ્રમાણે રસ્તાઓ બદલાતા હોય, ત્યાં કંઈક શાશ્વત અને શ્રેષ્ઠ મેળવવાની આશા રાખવી વ્યર્થ છે. આ માટે તો પોલાદી મનોબળ કેળવવું પડે. કંઈ કેટલાય વાવાઝોડાઓ સાથે બાથ ભીડવી પડે. સાચાં માટે હજાર સામે ઊભું રહેવું પડે તો એ ઉભું રહેવાની તાકાત કેળવવી પડે. અને તે એક્ચ્યુલી આપોઆપ આવી જાય છે, જો તમારે નિયત અને નીતિ સ્પષ્ટ અને ચોખ્ખી હોય તો.



        કંઈ વસ્તુની "પરવા ન કરવી" તે આવડી જાય ને તો ઘણી બધી અડચણનો માનસિક સ્તર પર જ ડીલીટ થઈ જાય છે. જેની વૈચારિક શક્તિ જ નિમ્ન હોય તેમનાં આપણા માટેના ઓપિનીયનને સર આંખો પર ચડાવવાની મૂર્ખામી કદાપી ન કરવી. તે તેમના મગજની નીપજ છે તે ગળે. આપણે આજુબાજુથી જે સારપ છે તે જ લેવાની. બાકી બોર ખાઈ ઠળિયો ફેંકી દઈએ તેમ ફેંકી દેવાની. નહિતર મનમાં અમળાયા કરે.

કવિ શ્રી દલપતરામની કવિતા તો તમને યાદ જ હશે...

કરતાં જાળ કરોળિયો,
        ભોંય પડી પછડાય....

વણતૂટેલે તાંતણે ,
            ઉપર ચડવા જાય....



       કંઈ કેટલાય તાંતણા ભેગા કરી કરોળિયાની જેમ જ ધીરજથી ચકલી પોતાનો માળો બનાવતી હોય છે. એક એક તણખલું ખૂબ જ ધીરજથી ચાંચમાં ભેરવી લાવી, ભેગા કરી હૃદયની સૂઝબુજ મુજબ પોતાનો રહેવાસ બનાવે છે. તડકો, છાયડો, વાંછટ સામે રક્ષણ કાજે તે હુંફરૂપી માળો ચણતી હોય છે. આવી જ રીતે માણસે અનિતીના તડકા, છાયા, વાંછટથી બચવા પોતાની સ્વ મહેનત અને નીતિરૂપી માળાને ચણવાનો હોય છે. જે જીવનભર તમને રક્ષે છે. તમારું "સ્વ" પોતને ઉજળું રાખે છે. હિંમત હારવાની તૈયારી હોય ને અજવાળું પ્રગટે એવું પણ થાય. ધીરજની કસોટી તો ઈશ્વર અવારનવાર લેતો જ રહે છે. તમારી કસોટીઓ થોડી વધારે છે કારણ કે ઈશ્વર તમારામાંથી શ્રેષ્ઠતમ બહાર કાઢવા ઈચ્છે છે. તમને બધાં કરતાં વધુ શ્રેષ્ઠ આપવાની મહેચ્છા છે. બધું જ સારું સારું જ હોય ત્યારે ક્યારેય તમારી ભીતર અંકુરિત થતું બીજ બહાર આવી શકતું નથી.


        રસ્તા પરના બેરિયર તમને ખોટાં રસ્તાથી ડાઈવરજન આપી , સાચાં રસ્તા તરફ વળવાનું સૂચવે છે. "આત્મશ્રદ્ધા" નાં અજવાળાથી જીવનને દોરતા રહીએ તો, સાવ સહજ તમે પ્રસન્નચિત્તે આગળ વધતાં રહેશો. મુશ્કેલીઓ તમારી મનની શાંતિ અને સ્થિરતા ને ડહોળાવી નહીં શકે. આખરે અંતિમ ધ્યેય તો આપણુ માનસિક શાંતિ અને કંઈક શાશ્વત પામવાનું જ હોય છે. જે મર્યા પછી આતમની સાથે જડાઈને આપણી સાથે આવે. નાશવંત વસ્તુઓ "મેળવી" શકાય છે. જ્યારે શાશ્વતને તો "પામવું" જ પડે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"


શિક્ષણ એટલે..?- મિત્તલ પટેલ સાથે ત્રિલોક સંઘાણી ની વાતચીત સહિયર' કાર્યક્રમ માં..આપ સાંભળી શકશો: બુધવાર 1 માર્ચ બપોરે 1230 વાગ્યે.આકાશવાણી અમદાવાદ- વડોદરા પર..MW 846 khz પરલાઈવ streaming- 'NewsOnAir’ App પર..🎧🎙️📻🎞️📽️😃✨💫

Wednesday 22 February 2023

Coming on...... 💫 ALL INDIA RADIO...(AIR)....💫🎙️🎧🎥🎤📻📺🎬.....પ્રસાર ભારતી.....

આકાશવાણી અમદાવાદ....🎧📻❤️✨

Second time.....it's fabulous experience.......

આટલાં બધાં પોસ્ટકાર્ડ્સ......અધધ...... શુભેચ્છાઓ.... પ્રોત્સાહન..... અભિપ્રાયો.....વાહ...... વર્ષો પછી આટલા બધા પોસ્ટકાર્ડ્સ ના યુઝર્સ જોયા.. એક વર્ષ પહેલાંનો આપણો શૈક્ષણિક પ્રોગ્રામ હજીય....યાદ કરવામાં આવતો હોય.... આપણાં કામને વાગોળવામાં આવતું હોય તો... અહમ રહિત આનંદ તો થાય........❤️😃😃📩🗂️
આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા.....✨✍️🎸

          કેટલીક વાર આપણે આપણી જિંદગીને માત્ર એક સાક્ષી બની વહી જતી જોઈ રહ્યાં હોઈએ છે. આપણાં હાથમાં કંઈ જ હોતું નથી. પરિસ્થિતિ પર કુદરત પોતાનો કંટ્રોલ કરી તેને બનાવતી અને આપની સમક્ષ મુકતી રહે છે. આપણે તેમાંથી બહાર પણ નીકળી નથી શકતાં, અને તેને નજરઅંદાજ પણ નથી કરી શકતાં. પણ સાક્ષી બની જોઈ રહેવા સિવાય કંઈ જ નથી કરી શકતાં. આ જીવનનો એક એવો pause છે જે આપણામાંથી "અહમ્"ની બાદબાકી કરવા ,"હું" પણું નાબૂદ કરવાં અને આસક્તિને નામશેષ કરવા અનિવાર્ય હોય છે. બધું જ આપણી ફેવરમાં હોય તો આપણે ક્યારેય "શાશ્વતને" પામી નથી શકતા. કસોટી એ અપરિપક્વતાને તપાવીને આપણાં "માનસ"માં પરિપક્વતા, "સ્વ" સુજને વિકસાવવાના યજ્ઞમાં આહુતિસમ પ્રક્રિયા છે.

              માણસને કઠોર, અસવેદનશીલ, પથ્થરસમ બનાવવા માટે બધા જ કારણો પૂરતા હોય, મોટાભાગના કિસ્સાઓમાં વ્યાજબીય હોય, ત્યારે માણસ રડીને ,દુઃખી થઈને, પીડામાં તપીને પણ સ્થિર રહી શકે. સંવેદનશીલતા પોતાની અકબંધ જાળવી શકે. પોતાની જીવંતતા અકબંધ રાખીને સર્વાઈવ કરી શકે .ગમે તેટલા મોટા દુઃખને પણ જીરવીને પોતાનું "સ્વ" ત્વ એઝ ઈટ ઇસ જાળવી શકે. જડતાને પોતાનામાં ઘૂસવા ના દે તો તે આ દુનિયાનો સૌથી સફળ વ્યક્તિ છે. દુઃખની સામે જડ બની જાવ એ તો બહુ ઇઝી છે. તમને કોઈનુ દુઃખ, પીડા કે પોતાનું દુઃખય ન સ્પર્શે. પણ એ જડતા શું કામની? તમને અમાનવ બનવા પ્રેરે તેવી શાંતિ શું કામની? "વહેતા રહેવું" એ કુદરતી છે. "જડતા" અ કુદરતી છે. "વહેતું પાણી" જેમ હંમેશા નિર્મળ હોય છે. તેમ વિપરીત પરિસ્થિતિમાં તરતો રહેનાર વ્યક્તિ કદાચ વધુ નિર્મળ થઈને બહાર આવે છે. જ્યારે જે પોતાની લાગણીને શુન્ય કરી નાખે છે, તે સંવેદનશુન્ય બનીને માત્ર પોતાનાઓને વધુને વધુ પીડા જ આપતો રહે છે. એ જડત્વ શું કામનું છે જે તમારામાના "તમને" મૃતઃપ્રાય કરી નાખે!!

વાંચા પોતાની લાગણીઓને આપી શકો છો,
              તો તમે જીવંત છો...!!

તમે કોઈના દુઃખમાં દુઃખી થઈ શકો છો ,
              તો તમે જીવંત છો..!!

પોતાની તકલીફ તો બધાને અડે....
બીજાની તકલીફમાં સંવેદનાની આહુતિ આપી શકો છો,
             તો તમે જીવંત છો..!!

મિત્તલ પટેલ
" પરિભાષા"

Monday 6 February 2023

ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......5/2/23... રવિવાર....

શ્રીમદ્ ભગવદ્ ગીતા અને અંતઃસ્ફુરણા....💫✍️

          જીવન એક એવી આંટીઘૂટી છે ને...કે જો તમે એને માત્ર મગજથી ઉકેલવા જશો તો કોઈ નવા જ રસ્તે ખૂંપી જશો. જે ક્યાંય પહોંચશે નહીં અને તમે પોતાની જાતથી જ વિખુટા પડી જશો. સંબંધો વિશ્વસનીયતા જેવાં જીવનના ખૂબ જ પેચિદા, મોટા અને મહત્વના નિર્ણયો લેતી વખતે મગજને અંતઃસ્ફુરણાનો સધિયારો અનિવાર્યપણે જોઈએ છે. પણ એ મળે ક્યાંથી?? અથવા આવે તો આપણને તેની અનુભૂતિ કંઈ રીતે થાય. તેને આપણે સાંભળી શકીએ છીએ ખરા!! અથવા એટલાં પોતાની જાતને કેળવી શક્યા છે ખરાં કે તેને સાંભળી શકીએ...!! અંત:સ્ફુરણા દરેકના અંતરાત્મામાથી  સ્ફુરતી જ હોય છે. દરેક જીવનના તબક્કે દિશા સૂચન કરતી જ રહે છે. પણ તેને સાંભળવા પોતાની જાત જોડે સો ટકા પ્રમાણિક રહેવું પડે. માણસ જ્યારે બીજા વ્યક્તિ સાથે જૂઠું બોલે છે, ત્યારે સૌથી પહેલા તે પોતાની જાતને છેતરતો હોય છે. બીજાના કામની ક્રેડિટ પોતે લઈ એવોર્ડ જીતી લાવે પણ તેની જાતને તો સાચી વસ્તુની ખબર હોય જ છે. અને મનોમન તેની જાત તેનાં પર હસતી જ હોય છે કે અલ્યા આ તે કેવી વૃત્તિ...!! તું વળી મને છેતરે એ પણ એવોર્ડ્સ માટે...!! તે વ્યક્તિ તે સફળતાનો આનંદ ક્યારેય નથી મેળવી શકતી. હા, ક્ષણિક ખુશ ચોક્કસ થઈ શકે છે. આવું જ પોતાની કામચોરીને ઢાંકવા કાવા દાવા કરતી વ્યક્તિઓ જોડે થાય છે. એક ખોટું કર્યાનો અજંપો તેને સતત ડંખતો રહે છે.તે એકલો ક્યારેય નહીં રહે. તે ટોળામાં જ રહેશે. કારણ કે એકલાં ઊભા રહેવાની ક્ષમતા કે ત્રેવડ તેનામાં ક્યારેય નહીં આવે. 'જાતને જવાબ આપવો પડશે' તેનો સતત ડર તેને લાગશે.જે પોતાના સત્ય માટે એકલો ઉભો રહી શકે છે તે પોતાની જાત સાથે સો ટકા પ્રમાણિકતાથી જીવતો હશે. કોઈને ખુશ કરવાની, કોઈની આગળ જાતને સાબિત કરવાની, ખુશામત કરવાની જરૂર ક્યારેય જીવનમાં નહીં પડે. "સારું બનવાની વૃત્તિ" કરતાં "સાચા બનવાની વૃત્તિ " (પોતાની જાત જોડે જ સ્તો) કેળવવા જેવી છે.

             શ્રીમદ્ ભગવત્ ગીતા એટલે આપણાં અસ્તિત્વનો ઉત્સવ છે. તમારી જાતને સત્વથી સમૃદ્ધ કરવી હોય તો ગીતાનો એક અધ્યાય રોજ વાંચવાની આદત જીવનમાં કેળવજો. આપણને બધાને બધું જ સમજાય જવું જોઈએ, બધું જ તરત પરખાઈ જવું જોઈએ, એવી અપેક્ષાઓ હોય છે. ગીતામાં તો રોજ વાંચતા પણ એક જ શબ્દોનો અલગ અલગ ભાવ મળે છે. રોજ કંઈક નવું સ્ફુરે છે. તેને કોઈ એક ભાવાર્થમાં કે કોઈ એક સંકલ્પનામાં કે કોઈ એક ચિત્રમાં તમે બાંધી નહીં શકો. પણ વાંચવાનું અવિરતપણે રોજ રોજ ચાલુ રાખજો. ભલે બધું જ તત્ક્ષણ ન સમજાય, પણ તમારા વ્યક્તિત્વમાં તમારા "સ્વ"માં સમયાંતરે થતો બદલાવ ચોક્કસ તમે અનુભવી શકશો. સ્પંદી શકશો. નાની-નાની બાબતોમાં ઉદાસ થઈ જતા તમે, ગમે તેટલું મોટી ઘટનામાં પણ તમારા મનને સ્થિર રાખી શકશો. નિર્લેપ રહી જીવી શકશો. જલ્દી કોઈ જ પીડા કે ખુશી તમને અડશે નહીં. સુખ અને દુઃખમાં સ્થિર રહેતા શીખી શકશો. તમારું મનોબળ તમે વિચાર્યું હશે તેના કરતાં કંઈ કેટલાય ઘણું વધુ મજબૂત બની જશે. તમે એકાંતને ઉજવી શકશો. જીવનમાં કંઈક "સત્વ" પામ્યાનો આનંદ અનુભવી શકશો. અને હા, અંતઃસ્ફુરણા એકદમ સ્પષ્ટપણે સાંભળી શકશો.તેને અનુસરવાની નૈતિક હિંમત પણ તમારામાં આપોઆપ આવશે.

મિત્તલ પટેલ
"પરિભાષા"