Monday 28 June 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

વાઈપર સમ પાંપણ... અદકેરી...
      નુંછે અશ્રુ.. કે .. ઝાકળબિંદુ....પીડાના...🌨️🧏
 

 

       ગાડીમાં જેમ વાઇપર પાણી કેરા આવરણને દૂર કરી દ્રશ્ય સ્પષ્ટ દેખવામાં આપણને મદદ કરે છે તેવી જ રીતે આંખો, જેમાં આપણી દ્રષ્ટિ છે, તેનું દૃષ્ટિબિંદુ, તેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ બને, વધુ ધારદાર બને, વધુ કેળવાય તે માટે અશ્રુ નામનું પ્રવાહી ઉત્તમ સેનેટાઈઝર સાબિત થાય છે. ને પાંપણ તેને વાઇપરની માફક ખંખેરી... વધું નિર્મળ, વધુ સ્વચ્છ ,વધુ વાત્સલ્યની નીતરતી, વધુ જીવંતતાથી છલોછલ બનાવે છે.

 

 

        પ્રિય હોય તેને પ્રિયવત બનાવી રાખવા તે દ્રષ્ટિકોણ કેળવવો પડે છે. કૃષ્ણમાં "કૃષ્ણપણુ" જોવું એ દ્રષ્ટિ કેળવવા આપણામાં રહેલ "માનસ" ને મઠારવું પડે. તેવી જ રીતે પીડાને "પીડાપર્યત" પર થઈને તેનામાં છુપાયેલ 'અવસર'ને નિહાળવું, તેનામાં રહેલ સંઘર્ષથી 'પર' આત્મસંતોષ રૂપી સંજીવનીને જોવું, તે દ્રષ્ટિ કેળવવી પડે છે.

 

 

તમારું હૃદ વલોવાય છે...

       તો તમે જીવંત છો...

તમે સ્વથી વધુ બીજાની વેદનાં..

      સંવેદી શકો છો ..

            તો તમે જીવંત છો

તમે જીવનને "જીવથી વધુ" વહાલ કરી                

        જીજીવિષા ટકાવી રાખી..ખુલીને તેને માણી શકો છો

             તો તમે જીવંત છો...

 

   

        સંવેદના તો જીવંત વ્યક્તિને જ થતી હોય છે. બાકી ફક્ત શ્વાસ ચાલતાં હોય અને જીવતાં હોય તેવાં પથ્થર જેવાં માણસો માટે તો જીવન એટલે એક ફિક્સ સિડ્યુલ માં પૂરું કરવા ઈશ્વરે આપેલ કોઈ ટાસ્ક. જેમાં નથી કોઈ રંગ હતો, નથી કોઈ જીવવાનાં હોશરૂપી જીજીવિષા.

 

 ભરપૂર જીવવું ઈશ્વરના મંદિર માં બેસી ને યજ્ઞમાં આપેલ કૃતજ્ઞતાની આહૂતિ છે...

 

       બાળક કેટલું નિર્દોષતાથી હસી, રડી શકે છે,જીદ કરી શકે છે, ગુસ્સો કરી શકે છે, અગ્રેસીવલી કોઈ વસ્તુને મેળવવાં ઉધામા કરી શકે છે કારણકે હજી તેનાં પર ખોટા દંભના આચળા નથી ચડ્યાં હોતા. તે નિર્દોષતા જીવનને જીવવાલાયક બનાવે છે. બસ આવી નિર્દોષતા, પારદર્શકતા, મન કર્મ વચનમાં એકરૂપતા, તમે કેળવી શકો તો સાચા અર્થમાં જીવન જીવવા જીવન દૃષ્ટિ કેળવી લીધી છે એવું માનજો.

 

       એક તાંતણે જીવને બાંધી રાખતો ભાવ એ સંવેદનાની પારાશીશી છે. ક્યારેક વ્યવહારમાં, ક્યારેક સંજોગોમાં ,ક્યારેક જીવન રાહ માં નવાં નવાં વળાંકો આવે તે અનુસાર પોતાને, પોતાની આવડત અનુસાર ગોઠવવામાં  આપણે સૌ તેમાં સફળ જ થઈ એ જરૂરી નથી અને તે અસફળતા સામેવાળાની પણ હોઈ શકે છે તે કદાચ એ સંજોગો પ્રમાણે પોતાની જાતને ઢાળી શકવા સક્ષમ પુરવાર ન પણ થઈ શકે. તેની અક્ષમતાને મહત્વ આપવા કરતાં, તેનાં તે સંજોગોનો સામનો કરવાનાં પ્રયત્નોને મહત્વ આપી , તે વ્યક્તિમાં રહેલાં 'સ્વ'ના અંશને મહત્વ આપી, કંઈક પોતીકું ત્યાં જોડાયેલું છે તે તત્વને મહત્વ આપી શકીએ તો માનવતા ક્યાંય મરી પરવારી નથી એ પુરવાર થઇ જશે...

 

મિત્તલ પટેલ

"પરિભાષા "

અમદાવાદ

Thursday 24 June 2021

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં મેગેઝીન "બાલસૃષ્ટિ"ના જૂન -2021 નાં અંકમાં મારી બાળવાર્તા...--"આંબાને કાંઈ વાગે જ નહીં...!!"

Thursday 17 June 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં જૂન- 2021 અંકમાં મારો લેખ...

મૃગજળમાં નાવડી તરતી હોવાનો ભાસ એટલે સોશિયલ મીડિયા....☕

     

           સંવેદના, લાગણી વગેરેનું આદાન-પ્રદાન પહેલાંના સમયમાં રૂબરૂ થતું. "હાજરી"નું "ઉપસ્થિતિ" નું મહત્વ હતું. શબ્દોનું ટાઈપિંગ સ્વરૂપ ન હતું ત્યારે શબ્દભાવના અનુભવથી હૂંફ મળતી. જાણે તકલીફની ક્ષણોમાં, આનંદની ક્ષણોમાં, અસમંજસની ક્ષણોમાં, પોતીકું તાપણું કોઈએ કર્યું હોય તેવું અનુભવાતું.

નશ્વર હતું છતાંય.. સાશ્વતનો અનુભવ હતો...
     માથે હાથ હોતો કોઈનો, ને ખોળો સરભર હતો.....

વ્યવસ્થા આ કેવી કે વંચાય બધું પણ સંવેદાય કતીક જ...
         કેવો પહેલો રૂબરૂ મળવાનો સુંદર રિવાજ હતો...

            પારિવારિક સંબંધોમાં પરિવારની ભાવનાનું તત્વ, લાગણીના સંબંધોમાં લાગણીનું તત્વ, વ્યવસાયિક સંબંધોમાં પ્રોફેશનલ તત્વ, બધાં સોશિયલ મીડિયામાં શોધતા થયા છે ત્યારે યાદ રાખવું ઘટે કે હીંચકે સંગાથે ઝૂલવાની મજા, મિત્રો અને સગા-સંબંધીઓ ને ગળે મળવાની મજા, રૂબરૂમાં પ્રેમનો એકરાર કરવાની મજા, સાથે ભેગા મળીને વાંચવાની મજા ,ભેગા મળીને કેરમ,પત્તા રમવાની મજા, કુટુંબ ભેગું થાય અને રાત્રે મોડા ચા-નાસ્તાની મહેફિલ ઊજવવાની મજા, સમયે કસમયે સાથે ચા પીવાની મજા, જીવનનો સાચો ઉત્સવ અને સાચો દાગિનો છે. જેને વીસરવું એટલે કે સાચાં જીવન આનંદને ચૂકવું જેવું ગણાય. માટે આ આનંદની અવેજીમાં સોશિયલ મીડિયા પર સમય પસાર કરી લેવો તે યોગ્ય નથી જ પોતાની ખુશી માટે.

કેટલી સુંદર હોય જ્યારે વસવસો પણ વ્યક્ત કરી શકુ....
       કેવું મનને ભાવે... જ્યારે ખુલીને હસી કે રડી શકુ...

ખભો હોય, ખોળો હોય ,મિત્રો કેરો વડલો હોય...
       કેટલું સુંદર હોય જ્યારે જીવનને જીવન ભર  ખુલીને જીવી શકું....

          ઘણીવાર આપણે નક્કી કરીએ છીએ કે સોશિયલ મીડિયાનો મિનિમમ ચોક્કસ સમય માટે જ વપરાશ કરીશું પણ આ વ્યસન કંઈ જેવું તેવું થોડું છે? અતિશયોક્તિ સર્વત્ર ત્યજતે... કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાન કરે. સોશિયલ મીડિયાની આદત ક્યારે વ્યસન બની જાય છે તે વ્યક્તિ પોતાને બહુ મોડી ખબર પડે છે. અને તેમાંથી નીકળવું ખરેખર અઘરું છે પણ અશક્ય નથી. હા તમારા માટે તેનાં વપરાશ વગર રહેવું શક્ય નથી પ્રોફેશનલી ને બીજી રીતે તમને તેની જરૂર પડવાની પણ તમારું મન મગજ સતત તેમાં પરોવાયેલું રહે તો તમારી ટેલેન્ટ, તમારાં કૌટુંબિક સંબંધો, લાગણીના સંબંધો ની ગુણવત્તા પર ચોક્કસ અસર થાય. તે માટે થોડાંક પગલાં લઈ શકાય..
*તમે સોશિયલ મીડિયાના નોટિફિકેશન સાઈલેન્ટ મોડ પર રાખી શકો. જેથી નોટિફિકેશનના ટોનથી તમારું મન તેને વારે વારે ખોલીને જોવાં માટે લલચાય નહીં.

*એક સાઇકોલોજિકલ વસ્તું છે. મોટેભાગે મોબાઈલ આખો દિવસ તમારી આજુબાજુ જ રહેતો હોય છે જેથી તમારું ધ્યાન સતત એટ્રેક્ટ કરે છે તમે તેને નજરથી દુર બીજી રૂમમાં અથવા પાકીટમા કે ડ્રોવરમાં રાખી શકો. ફોન આવે તો રીંગટોનથી ખબર પડશે જ.

*ચોક્કસ સમય નક્કી કરો સોશિયલ મીડિયા ઓપન કરવાનો ને તેમાં અડગ રહો. હાં, આ બધું મક્કમ મનોબળ માંગી લે તેવું છે. પણ એક વાત સતત યાદ રાખવી ઘટે કે

     "આપણાથી ટેકનોલોજી છે ટેકનોલોજીથી આપણે નથી. ટેકનોલોજી આપણને કંટ્રોલ કરે તે પહેલાં પોતાનાં મનને એ રીતે કેળવી લો કે આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરી શકીએ".

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Saturday 12 June 2021

🎷🎶"પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી?
        સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે...". ---દલપતરામ💫


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......





        પરિસ્થિતિ અનુકૂળ હોય અને માણસ પ્રગતિ કરે, સાહસ કરે, ધ્યેય ઝંકૃત બની મહેનત કરે તો તેનો આનંદ જ હોય. પણ ઘટમાળ જીવનની ઈશ્વરે કંઈક પર્વતોની ગિરિમાળા જેવી ગોઠવેલ છે! એટલે જ પ્રતિકૂળતાના ડુંગરો ખડકાય અને બધું જ ધૂંધળું, અઘરું ,જીરવવું અતિશય કપરું લાગે ત્યારે તેમાં અંતરાત્માના અવાજને અનુસરી હકારાત્મકતાનો દીવો લઈને, રોદણાં રડવાના વ્યુત્પનોમાંથી બહાર આવી, ઝઝૂમવા વૃત્તિ કેળવી શકીએ, સતત જીવવાની મથામણ કરવાનું મનોબળ કેળવી શકીએ તો જીવન સાગરના આ વલોપાત માંથી મિસરી મેળવી શકીએ. અને જે માણસને દરેક પરિસ્થિતિમાં 'સ્થિર' રહેતાં શીખવાડે. તોફાનો સામે પહાડની જેમ અડગ રહી ઝેરવવાની તાકાત ભીતર કેળવતા શીખવાડે.


પાણિયારું હતું પાસે, ને પીધું પાણી તેમાં શી નવાઈ...!!
         સૂકા ભઠ્ઠ રણમાં, મૃગજળ ભેદી લાવે તો કરામત છે.

શીશ મહેલમાં કવન પહેરીને દર્પણ બન્યો તેમાં શી નવાઈ...!!

         રખોપુ સંદર્ભ તણું શોધી કોકમાં, સાચવી જાણે તો તે કરામત છે!!


          વૃદ્ધત્વ અકાળે આવવું એટલે તમારામાં સાહસવૃત્તિ ,હિંમત ઝઝૂમવાની વૃત્તિ, કપરી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત મંદ પડી રહી છે. અને એક ફિક્સ સિડ્યુલમાં જિંદગી પૂરી કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છો. તમારાં જીવન ધ્યેય, તમારાં સપનાને પાંખો આપી, મહેનતનાં રંગે રંગી વિરોધોના વંટોળમાં રસ્તો કરી, આત્મવિશ્વાસથી ઊભાં રહેવાની તાકાત તમને મનથી હંમેશા યુવાન રાખે છે. યુવાન ની વ્યાખ્યા પોતાને, પોતાનાં સપનાઓને, પોતાના વ્યક્તિત્વને, "જેવો છે તેવો" મેકઅપનો ઓપ આપ્યાં વગર રજુ કરવાની તાકાત. કોઈનાં માટે સારાં બનવાની સાડાબારી રાખ્યા વગર "હું મારામાં ભરપૂર છું"ની ખુમારીથી જીંદગી જીવવાની તાલાવેલી ધરાવતો વ્યક્તિ.

શોધ મારી અહીં પૂરી થાય છે...
        જ્યારથી મેં મારામાં મને ઓળખ્યો છે

ભેદરેખા "હું", "તું" ની અહીં ભૂંસાતી જાય છે
         જ્યારથી મેં તારામાં મને ઓળખ્યો છે.

     
      શિક્ષકને જ્યારે આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે મારી શાળાનાં બાળકો નબળા છે. તેમને આટલું અઘરું ન આવડે. ત્યારે તેઓ શિક્ષક મટીને જજ બની ગયા હોય એવું ભાસે છે. પ્રાઇવેટ માં ઇન્ટરવ્યૂ લઈને 'હોશિયાર' બાળકોને એડમિશન આપે પછી ઉચ્ચ ટકાવારીમાં રીઝલ્ટ બતાવે તેમાં શી નવાઈ! આ 'હોશિયાર' એટલે ચોપડિયા જ્ઞાનમાં અવ્વલ. પણ શું તે જીવનમાં પ્રેક્ટીકલ લાઈફમાં ચાલશે? શું ઇન્ટરવ્યુમાં પુછાયેલા પ્રશ્નોનાં જવાબ આપી દીધેલ બાળક જ નવું વિચારી શકવા, ક્રિએટિવ થિંકિગ કેળવી શકવા, પોતાનાં જીવનમાં ને દુનિયામાં આવતાં પડકારો સામે ઝઝૂમવા માટેની ક્ષમતા કેળવવા સક્ષમ હોય છે? બાળકોને "નબળું" એવું લેબલ લગાવવાવાળા, તેમને મૂલવવાવાળા તમે કોણ? બાળકની ક્ષમતાને માપવાની ક્ષમતા તમે કેળવી છે ખરી? તમારામાં એટલી ક્ષમતા પણ છે કે બાળકમાં રહેલી અગાધ શક્તિઓને માપી શકો? ઈશ્વર સિવાય એ કોઈનામાં નથી. તો તમે પ્રયત્ન કરો ને એમને કેળવવાની, શિક્ષિત કરવાની, એમનામાં રહેલી ક્ષમતાઓને બહાર લાવી આત્મવિશ્વાસુ બનાવવાની. છટકબારી શોધતો આ વર્ગ અંગત જિંદગીમાં પણ દરેક ફરજમાં છટકબારી જ શોધતો હોય છે કારણ કે તેમનામાં પોતાનામાં નિયત નથી હોતી મહેનત કરવાની. પોતાની ફરજ નિભાવવાની, પોતાની જાત જોડે પ્રમાણિકતાથી રહેવાની .તે તો ઊંઘ ન આવે તો ઊંઘની ગોળી લઈને પણ પોઢી જતો એક એવો વર્ગ છે કે તેમને અંતરાત્મા ડંખે છે એટલે guilty અનુભવે છે જેને કારણે ઊંઘ નથી આવતી એવુંય સમજી શકવા સક્ષમ નથી. રાજાના ઘરે જન્મેલું બાળક અને મજુરના ઘરે જન્મેલ બાળકની અંદર છુપી ક્ષમતાઓમા લગીરે ફરક નથી હોતો. રાજા જેટલો પોતાનાં બાળકને પ્રેમ કરે છે એટલો જ મજૂર પણ કરતો હોય છે. હા, ભૌતિક સુવિધાઓમાં ચોક્કસ ફરક હોય છે પણ તેનાથી બાળકનું "બાળકત્વ"... "તેની શીખવાની ક્ષમતા".. "તેનાં સપના જોવાની ત્રેવડ મા" લગીરેય ફરક પડતો નથી હોતો. આ બધી બાંધી લીધેલ ગ્રંથિઓ તો સમાજની અને શિક્ષકની હોય છે. જો તે બાળકને તેના મા-બાપ ની આર્થિક પરિસ્થિતિથી પર જઈને જુએ ભણાવે અને કેળવે તો તે બાળકને ચોક્કસથી સપનાની નવી ઉડાનો માટે પાંખો આપી શકે છે.


મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

Monday 7 June 2021

"ભાંગ્યાના ભેરુ" -પન્નાલાલ પટેલ

💫 અગમના મલકમાંથી અમીનું અવતરણ તે કોઈ એકધારી સીધીસટ ગતિ નથી. "હો જા બચ્ચા શીરાપૂરી"કહેતાં થઈ જનારાં ખેલ નથી, પણ આખોય દરિયો ડહોળવાને અંતે, ભીષણ સમુદ્રમંથનને અંતે અને હાલાહલના પ્રાકટ્ય પછી પ્રગટનાર વસ્તું છે.

💫 આ  ઘાટની ઘટના કેવી તો અટપટી છે. ઉલટામાંથી સૂલટું અને સૂલટામાંથી ઊલટું નિપજાવનારી છે. બહારથી પકડવા જાઓ, બુદ્ધિથી ગોઠવતાં જાઓ તો કદી ન ગોઠવાય તેવી છે. તમે મૂંગા મૂંગા તમારા ઘડવૈયાના પ્રહારો ઝીલતાં રહો, એ જિવાડે તો જીવો, એ મારે તો મરો, એ આગળ ધકેલે તો આગળ વધતાં રહો, એનાં આપેલાં કડવા ઘૂંટ અને ઝેરના કટોરા કાળજુ કાઠું કરીને પી જાઓ અને જુઓ કે આ બધાયને અંતે કેવી તો સૃષ્ટિ રચાઇ છે....

💫🪶✨ વાંચતા-વાંચતા....સરી પડેલ કલમ સાથે કાગળનો સંવાદ......😊

                🫖☕💫

અઘરાને અઘરું કહેવું શી રીતે...!!

       પીસાય જેમ અનાજ, તેમ મનડું એ ચિતરવું શી રીતે..!!

પેંતરા રચી જાણે... છતાં વહી પણ જાણે સમય....

        આતમના એ પરિવેશને ખીંટીએ ટીંગાડી જીહવળવું શી રીતે...!!

મિત્તલ પટેલ 
"પરિભાષા"

Thursday 3 June 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝીન શિક્ષકજ્યોતના જૂન- 2021 અંકમાં મારો લેખ.."કોરોના સમય અને બાળકોની માનસિક સ્થિતિ"..

         મોટેરાઓને જો આ પરિસ્થિતિ માનસિક રીતે હચમચાવી દે તેવી હોય તો... બાળકો જેમની મૂળ પ્રકૃતિ રમવાની હોય, મિત્રો સાથે ઉછળકૂદ કરવાની હોય, દુનિયાદારીની હજી કંઈ જ સમજણ ન હોય, તેવાં ભૂલકાઓ દોઢ વર્ષથી  ઘરમાં પુરાયેલા છે. તેઓ આ તેમની પ્રકૃતિથી વિરુદ્ધ પરિસ્થિતિને કંઈ રીતે મેન્ટલી ટેકલ કરતાં હશે...

             કંઇ કેટલીય દૂવિધાઓને મનમાં લઈને તેઓ ફરતાં હશે! મોટેરાઓની જેમ સરકાર કે લોકો પર દોષારોપણ કરતાં કે સોશિયલ મીડિયા પર તેમનો ઉભરો ઠાલવવા જેવી બીજી કોઈ અભિવ્યક્તિ કરવી તેમની ક્ષમતા નથી.....બસ અંદરો અંદર તેઓ ઘૂઘવાતા હશે.. શું થઈ રહ્યું છે? કેમ થઇ રહ્યું છે? હું કેમ રમવા નથી જઈ શકતો? શાળાઓ કેમ ચાલુ નથી થતી? સમાચાર ન્યુઝ પેપરોમાં માત્ર એક જ પ્રકારના ન્યુઝ કેમ આવ્યાં કરે છે? આવાં બધા ઘણાં પ્રશ્નો તેનાં અંતરમનમાં ઉઠતાં હશે પણ તેને વાંચા તે નહીં આપી શકતો હોય. હાં ક્યારેક આંતરિક સંઘર્ષથી થાકીને રડી દેતો હશે. અમથો અમથો નાની નાની બાબતમાં ગુસ્સે થઇ જતો, રિસાઈ જતો હશે. ઘણાં ધમપછાડા કર્યા પછી પણ તે જે નોર્મલ લાઈફ જીવવા ઇચ્છે છે તે નહીં જીવી શકે એટલે મનોમન અકળાતો  હશે.

           "અભિવ્યક્ત થવું" એ બાળકો માટે હાલનાં સમયની બેઝિક નીડ છે. તેને બોલવાં દો. ગુસ્સે થવા દો. તેની વાતો એક સારાં શ્રોતા બનીને સાંભળો. પણ ઘરનાં અને બહારનાં કામોમાંથી સમય કાઢી તેમની જોડે થોડીકવાર બેસવાનો સમય કાઢી શકાય. તેનાં મિત્રો સાથે ફોન પર વાતો કરવા દો. ખુલવા દો તેમને.તેમને દાદા ,માસી, ફોઈ કઝિન્સ જોડે વિડીયોકોલ થી વાત કરાવી શકો. તેઓ ઘરમાં નાનાં મોટા તોફાન કરીને, અલગ-અલગ પ્રકારના અવાજો કરીને, બુમો પાડીને, મોટેરાઓનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન પણ કરતાં હશે તો તમને ડિસ્ટર્બ કરવાં બદલ સજા ન કરતાં. તેમની સાયકોલોજીકલ સ્ટેટસ ને સમજી પ્રેમથી અને વ્હાલથી કામ લઈ શકાય.

            એક શિક્ષક માટે વિદ્યાર્થીઓ પણ તેમનાં બાળકો જેવાં જ હોય છે. તેઓ પણ ક્યારેક તેમને ફોન કરી ખબર અંતર પૂછી શકે. એ વાત કરશે તો તેમને શાળાથી જોડાયેલ હોવાનો અહેસાસ થશે.તેને એવો આશાવાદ થશે કે તે ક્યાંક શાળાથી, શાળાના મિત્રોથી, ભણવાથી વિખુટો નથી પડી ગયો. માત્ર કપરાં સંજોગોમાં ટેમ્પરરી સ્વીકારેલ વ્યવસ્થા છે. તમે એ બાળકોને પણ સતત કોઇને કોઇ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખી શકો. થોડાંક વાર્તાના પુસ્તકો તમને મોકલાવી વાંચવામાં મન પરોવી શકો "નવું જાણવા જેવું" "સાયન્સ ફેક્ટસ" જે ઇન્ટરનેટ પર ઘણું બધું અવેલેબલ છે તેની લીંક તો તેમને મોકલાવી સર્જનાત્મક કાર્યો માં તેમણે વ્યસ્ત રાખી શકો. 

            "ગમતી પ્રવૃત્તિમાં અને સર્જનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેવું" એ આ સમયમાં માનસિક રીતે ટકી રહેવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. એક શિક્ષક તરીકે પોતે પણ આવાં કાર્યોમાં વ્યસ્ત રહી શકાય અને બાળકોને પણ કોઈને કોઈ રીતે વ્યસ્ત રાખી શકાય. જેથી નકારાત્મક વિચારો તેમનાં પર હાવી ન થઈ જાય. " નવરુ મન શયતાનનુ ઘર" એ કહેવત એક્ઝેક્ટલી આ સમયમાં લાગુ પડે છે.  માટે સતત વ્યસ્ત રહો,અને માનસિક રીતે સ્વસ્થ રહો......

  બોલવાં થનગને ને ....
           વાતો કરવા બનબને

એ બાળ તારી સંગાથે
         થોડું જીવવા ટળવળે....

પરપોટા જેવું તેનું મન...
         ન જાણે કંઈ કશુંયે...

સપનાં સાથે દોસ્તી કરી
        પાછુ પતંગિયું થવા તરફડે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
વિજ્ઞાનની સ્વાધ્યાયપોથીમાં દરેક એકમમાં include કરવામાં આવેલ ફ્લોચાર્ટ્સ .... જે બાળકોને જે તે એકમ ઓછા સમયમાં, ખૂબ જ સરળતાથી યાદ રહી જાય તે રીતે, બાળકો પોતાની નોટમાં પણ સરળતાથી નોંધી શકે તે રીતે દર્શાવેલ છે. ઓનલાઇન ટિચિંગ દરમિયાન ગણિત વિજ્ઞાન શિક્ષકોને આ ફ્લોચાર્ટ્સ અધ્યાપન પ્રક્રિયા ને સફળ અને સરળ બનાવવામાં મદદ કરશે. ત્રણેય ધોરણની સ્વાધ્યાયપોથીની લિંક અહીં આપી છે. જેને ઓપન કરીને દરેક એકમના અંતમાં આપેલ ફ્લોચાર્ટસનો ઉપયોગ તમે વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટીચિંગમાં કરી શકો છો.these all flowcharts are made by me

https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/swavadhyanSTD6.htm

https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/swaadhyanSTD7.htm

https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/swaadhyanSTD8.htm

Wednesday 2 June 2021

ધોરણ 6,7,8 ની વિજ્ઞાનની સ્વાધ્યાયપોથીમાં લેખક તરીકે...

It is proud moment for me....and precious experience to be a part of swadhyaypothi writing in GCERT..... Gandhinagar...