Wednesday 16 December 2020
મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝિનનાં ડિસેમ્બર 2020 ના અંકમાં મારો લેખ......"સમસ્યાની આરપાર".....✍️🌪️💫✨☄️
"સમસ્યાની આરપાર"...
તમે સમસ્યા વિનાની જિંદગીની કલ્પના કરી છે ખરી?? સમસ્યા જીવનમાં હોવી એ પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે સમસ્યાને તમે સાથે લઇને જીવો છો, સમસ્યામાં તમે ગરકાવ થાવ છો,સમસ્યાને તમે પોતાનાં પર હાવી થવા દો છો. પાણીમાં રહેલી અશુદ્ધિઓ કમળને સ્પર્શે છે ખરી?? બગલો કાદવમાં ,માટીમાં રહેતો હોવા છતાં કદી તેનાં સફેદ પોત પર ડાઘા પડેલાં જોયા છે??
જિંદગી આપણી કલ્પનાના કેનવાસ પર ચીતરેલી નથી હોતી. તેનું પોતાનું પોત છે. પોતાના રંગો છે. પોતાનું આખેઆખું એક મેઘ ધનુષ છે. બધા જ રંગો આપણને અનુકૂળ ,આપણને ગમે તેવા જ હોય એ જરૂરી નથી. અને તે ખરબચડાપણા,અતરંગીપણા માં જ તેની સુંદરતા છે ,મર્મ છે. અટપટાપણુ અને ગુઢતા એ જીવન નો સ્વભાવ છે. તેમાં ખુપ્યા વગર તેને પામી, માણી કે જાણી શકાય જ નહીં. આ માર્ગમાં એક બેટરી હંમેશા પોતાની સાથે રાખજો. હકારાત્મકતા ની. અને તેને અંતરાત્માના અવાજ રૂપી ઉર્જાથી હંમેશા ચાર્જ રાખજો. તો ક્યારેય તમે જીવનમાં કોઈ સમસ્યા નહીં થાય.
જીવનમાં મુશ્કેલી ,તકલીફ હોવી અને તેની સમસ્યા આપણને થવી બંને અલગ વસ્તુ છે. કેટલાક લોકોને જીવનમાં કેટલીય આર્થિક ,સામાજિક, માનસિક શારીરિક મુશ્કેલીઓ હોય છે. પણ તે તો સતત સારા કાર્યોમાં વ્યસ્ત રહી, પ્રસન્નચિત્ત જ રહેતાં હોય છે. તેમના સંપર્કમાં આવતી કોઈપણ વ્યક્તિ ક્યારેય કળી ન શકે કે આ વ્યક્તિનાં જીવનમાં આટલી બધી તકલીફો હશે. તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને જો તમારા જીવન પ્રવાહમાં, તમારી પ્રસન્નતામાં તમે દખલરુપ થવા દો, સ્પર્શવા થવા દો તો જ તે તમારા માટે સમસ્યારૂપ બનશે. બાકી તો સમય પર છોડી દેશો તો તે તો આવશે ને જશે. આપણે તો સતત પોઝીટીવ, સતત પોતાના કર્મમાં વ્યસ્ત અને "જીવવામાં"મશગુલ, તનમય રહીએ તો તકલીફોને પણ આપના આનંદથી ઈર્ષા આવશે.
ધ્રુવ ભટ્ટની અહીં થોડી પંક્તિઓ યાદ આવે છે...
મુઠ્ઠી ભરીને વ્હાલ વહેંચતા રહો, ને ભલે આપણી હથેળી હોય ખાલી...
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી..
પંખી તો કોઈનેય કહેતું નથી કે એને પીછા માં સાચવ્યું છે શું....
મારામાં આરપાર સાત સાત દરિયા અને દરિયામાં આરપાર તું....
નદી જેમ તળીએ માટી, રેતી, પથ્થર કંઈ કેટલાય કચરા ધરબીને ખળખળ વહેતી , આ બધાથી સાવ નિર્લેપ રહી આગળ વધતી જાય છે. બસ આમ જ બધી તકલીફો મુશ્કેલીઓને ધરબી દઈ આપણે મસ્ત મોલા ની જેમ જ પ્રસન્નતા વહેંચતા આત્મીયતા થી જીવી જવાનું છે.
ગુસ્સો આવવો, દુઃખ થવું, સારું ફીલ થવું, ખુશી થવી તકલીફ થવી, એ માનવ સહજ સંવેદના ઓ છે. ને સહજ છે. તમને ક્યારેય દુઃખ નહીં જ થાય. એવું તો શક્ય જ નથી પણ તમારાં મનની શાંતિ ને ડહોળે એ ન જ થવું જોઈએ. જે ભાવ જે પરિસ્થિતિ તમારા મનની શાંતિને, ભીતરના સ્વ ને ડહોળી નાખે તે હદે પોતાના પર હાવી ન થવા દેવી. તો ક્યારેય તે તમારા માટે સમસ્યારૂપ નહીં બને. સારા પુસ્તકોનું વાંચન એ જીવનના ગૂઢ રહસ્યોને સમજવા, જીવનને સાચા અર્થમાં માણવા, એક ટોનિક પૂરું પાડે છે. કારણકે તમે ઘણા બધા જીવન એક સાથે જીવો છો. ઘણા બધા અનુભવો ને એક સાથે જીવો છો જેથી પોતાના જીવનમાં આવતી મોટાભાગની મુશ્કેલી ,તકલીફ અને કહેવાતી સમસ્યાઓ ના અર્થપૂર્ણ અને સાચા નિરાકરણ તેમાંથી આપણને મળી રહે છે. so keep reading keep living lively......
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ..
એકલો ઊભું ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ,
આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી..
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી ,પરવા સમંદરને હોતી..
સૂરજ તો ઊગે ને આથમી એ જાય ,મારી ઉપર આકાશ એમનેમ છે..
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે.
----ધ્રુવ ભટ્ટ
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com
Thursday 10 December 2020
Wednesday 2 December 2020
Thursday 26 November 2020
Monday 23 November 2020
Friday 20 November 2020
Wednesday 18 November 2020
Tuesday 17 November 2020
Wednesday 4 November 2020
ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...
"તન-દુરસ્તી માં જ મન- દુરસ્તી સમન્વિત થયેલી હોય છે..."💌....😑😐😌😏😊😄😍
આપણે પોતાનાં જીવનમાં એટલાં વ્યસ્ત થઈ ગયા હોઈએ છે કે હેલ્થ વિશે વિચારવા કે તેને સાચવવા તરફ ક્યારેય લક્ષ નથી આપતાં. શરીર તરફથી આપણને અલ્ટીમેટમ મળતાં રહે છે. કોઈને કોઈ સ્વરૂપે. શરીરમાં ગેસ, પિત્ત, કફની તકલીફ થતાં સતત બેચેની, માથાનો દુખાવો , અનવેલ ફીલિંગ અને સ્થૂળતા તરફ ધકેલાઈ રહ્યા હોવાનો અહેસાસ પણ થતો હોય છે. પણ આપણે તેને ઇગ્નોર કરીએ છીએ. બસ એક છટકબારી હેઠળ કે "ટાઈમ જ ક્યાં મળે છે". અને તમે તમારી તંદુરસ્તીને ત્યાં સુધી ટાળો છો તેના મૂળિયા છેક તમારી માનસિક તંદુરસ્તી સુધી પણ પહોંચી જાય... સ્ટ્રેસ, ડિપ્રેશન ચીડિયાપણું જેવાં માનસિક રોગ તમારામાં ઘર કરવા માંડે, જ્યારે અચાનક તમને ખબર પડે છે કે તમને ડાયાબિટીસ ,બીપી, થાઇરોડ કે અન્ય કોઈ વિટામિનની કમી જેવા રોગનાં શિકાર બન્યા છો. હવે તમે શું તે તંદુરસ્તી પાછી મેળવી શકશો? એ મનદુરસ્તી, એ એનર્જી, એ કામ કરવાનો ઉમંગ પાછો મેળવી શકશો? મેળવી તો શકશો પણ ત્યાં થોડી વધુ મહેનત અને વધુ દિવસથી તમારે રાહ જોવી પડશે. અથવા તો ના પણ મેળવી શકો. તમે કાયમ માટે એ રોગ સાથે જીવવું પડે, તેના ઓથાર હેઠળ શારીરિક તકલીફ ભોગવવી પડે તે પહેલા થોડા સજાગ થઈ જઈએ.અને હેલ્થ અને પોતાની વ્યસ્ત લાઈફ સ્ટાઈલ નો એક નાનકડો હિસ્સો બનાવીએ. થોડુંક જ લક્ષ આપીએ.થોડાક સજાગ રહો તો લાંબા સમય સુધી તંદુરસ્ત અને મનદુરસ્ત રહી જીવનના દરેક સ્ટેજ પર રોગમુક્ત, ભયમુક્ત અને ડિપ્રેશન મુક્ત રહી સાચા અર્થમાં જીવી શકશો. તમે જે પૈસા કમાવવા માટે દોડધામ કરો છો તે પૈસા વાપરવા માટે મનથી અને તનથી ઉર્જાવાન રહી શકશો, તમે જે સંબંધોને સાચવવા મથામણ કરો છો તે સંબંધોને સંગાથે આત્મીયતાથી જીવી શકશો વધુ જીવનને માણી શકશો.
બસ જરૂર છે પોતાની લાઈફ સ્ટાઈલમાં નાના થોડા પરિવર્તન સાથે હેલ્થને સ્થાન આપવાની. પહેલાના જમાનામાં લોકો પાંચ વાગે વહેલા ઉઠી જતાં. ખેતરે કામ કરવાં જતાં, કુવામાંથી પાણી ખેંચીને બેડલા ઊંચકીને લાવતાં શારીરિક શ્રમ કરતાં. કદાચ હજી પણ ગામડાઓમાં કરે છે. તો પણ આધુનિક સાધનો અને ટેકનોલોજીને કારણે તેમનું કામ સરળ થઈ ગયું છે. વધુ શારીરિક શ્રમ પડતો નથી. અને શહેરમાં તો શારીરિક શ્રમનો સદંતર અભાવ , ફાસ્ટ ફૂડ ને પ્રદૂષિત હવા ના સંગાથે જીવવાનું અને પાછું હેલ્ધી રહેવાનું. બહુ મહેનત માગી લે તેવું છે. તે માટે તમારે શરીરને એટલું મજબૂત કરી દેવું પડે કે આ બધા સામે ટકી રહે. ને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. તો જો તમારું શરીર હેલ્દી હશે તો તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો. એનર્જીસ્ટ રહેશો. માથાનો દુખાવો, બેચેની, સ્ટ્રેસ ,ડિપ્રેશન જેવા મનના વિકારો ક્યારેય નહીં આવે.
હવે હેલ્થને આપણી લાઈફસ્ટાઈલમાં વણવું કઈ રીતે?? ઘણા બધા એમ કહેશે કે અમે ઘરનું કામ કરીએ જ છે ને એટલે બધી કસરત થઇ જાય છે.પણ એ સાચું નથી જે કામ પહેલાના જમાનામાં સ્ત્રીઓ કરતી હતી તેની સરખામણીમાં આપણે કંઈ જ નથી કરતાં માટે એક્સ્ટ્રા સમય તંદુરસ્તી માટે તમારે ફાળવવો જ પડે. જો ઘરનું કામ કરીને જ બધા તંદુરસ્ત રહેતા હોત તો આજે કોઈ સ્ત્રી સ્થૂળ ના હોત.
ઓબેસિટી એ નાનાં બાળકથી માંડી પુખ્ત સ્ત્રી-પુરુષ માં જોવા મળતી બહુ કોમન અને વધતી જતી સમસ્યા છે. તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં નાના-નાના ક્યાં ફેરફાર કરી શકીએ?
* ઘરનું જ ખાવાનો આગ્રહ રાખી શકાય અને ફેટ જેમાં વધુ હોય તેવાં તેલ ,ખાંડ નો ઉપયોગ નહિવત્ કરી શકાય. બહારનું ખાવાનું અને કોલ્ડ ડ્રિંક્સ બને ત્યાં સુધી એવોઇડ કરી શકાય.
*સવારે પાંચ વાગે ઊઠવાને જીવનનો એક ક્રમ બનાવી શકીએ તો તમને આખા દિવસનાં કામમાંથી પોતાનાં માટે પૂરતો સમય મળી રહેશે. અને આ મળેલ કિંમતી સમયનો તમે થોડા યોગા અને પ્રાણાયામ માટે અડધો કલાક કે કલાક ફાળવી શકો. કદાચ બહુ ન આવડે તો માત્ર ને માત્ર સૂર્ય નમસ્કાર 10 કે15 વાર કરો તોય આખા શરીરની કસરત થઇ જાય.તેમાં દસ મિનિટ ધ્યાન માટે આપી શકો, જે વિચારોને સ્થિર કરવા ,મન શાંત કરવા અને મનની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોનો એમ વિચારવામાં જ મેડીટેશન નથી કરતા કે હું કરું છું તેને જ ખરેખર મેડીટેશન કહેવાય છે? મારી પદ્ધતિ ક્યાંક ખોટી તો નથી ને. અરે શાંત ચિત્તે શાન્ત એરિયામાં બેસી આંખો બંધ કરી આવતા જતા શ્વાસ માં ધ્યાન કેન્દ્રિત કરો તોય તમારાં વિચારોનું ટ્રાફિક સ્થિર થશે અને મન શાન્ત થઇ જશે.
* આપણાં શરીરનો દુખાવો, હાડકા નો દુખાવો પિત્ત, કફ, ગેસ મોટેભાગે શરીરની અંદરની ph એસીડીક થવાનાં કારણે થતા હોય છે. તમારા શરીરની ભીતર ની pH એસિડિક હોય તો તે હાડકા માંથી કેલ્શિયમ એબસોર્બ કરે છે. તેનાથી હાડકા નો દુખાવો, ઘૂંટણના દુખાવા, પગના દુખાવાનાં રોગ થતાં હોય છે. તે બધાથી બચવા તમારે શરીરની અંદરની pH આલ્કલાઈન મેન્ટેન રાખવી પડે. તે માટે લીંબુ પાણી ને પોતાના રોજિંદા વ્યવહારમાં સ્થાન આપવું પડે. તમે એમ વિચારશો કે લીંબુ તો એસિડિક છે. પણ તે લીંબુ મોઢાની લાળ સાથે ભળી આલ્કલાઈન બની જાય છે. જે તમારી અંદરની pH આલ્કલાઈન મેન્ટેન કરવામાં મદદ કરે છે. માટે જમ્યા બાદ અને સવારે ઊઠીને લીંબુવાળું પાણી પીવું હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. તેનો તમારે પ્રયોગ કરવો હોય તો કરી જોજો ...તમને ગેસ કે એસીડિટી જેવું લાગે તો પાણીમાં લીંબુ નીચોવી પી જજો કોઈ દવા વગર ચોક્કસથી રાહત થશે.
આવા નાનાં નાનાં ચેન્જીસ આપણી લાઈફ સ્ટાઈલમાં લાવીને આપણે કાયમ તનથી અને મનથી તંદુરસ્ત રહી શકીએ છે.
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Monday 2 November 2020
Thursday 29 October 2020
ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...
"ધૈર્યની કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ...
સફળતાની નિસરણી સુધી પહોંચી શકાય છે..."
નાની નાની બાબતમાં તરત છેડાઈ જતો માણસ, તરત રિએક્ટ કરી બેસતો માણસ, જજમેન્ટલ બની ફેંસલો સુણાવી દેતો જજ બની જતો માણસ, કૂવાના પાણી માં દેખાતાં પોતાનાં પ્રતિબિંબની જેમ પોતાના લક્ષ્યને હાથવેંતમાં ઝડપભેર પકડી લેવા તરફડીયા મારતો હોય છે.
તે સફળતા મેળવવા માટે જે ડેડીકેશન, ધીરજ, સતત અવિરત હાર્ડવર્ક, ધ્યેય માટે એકાગ્રતાપૂર્વક મથવું.... આ બધી બાબતોને અમલમાં મૂકવા કે સંઘર્ષ કરવા જેટલી હિંમત, ધીરજ અને નિયત નથી હોતી. ફક્ત ઓછા સમયમાં, ઓછી મહેનતે ,ઓછા પ્રયત્નથી સફળ થઈ જવું છે ને ઘણીવાર તે જ લ્હાયમાં ઓળખાણ, ચાપલૂસી અને છેલ્લે પૈસા આપીને પણ સફળતાને ખરીદવાનો છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરતો હોય છે. અને મેળવી પણ લે છે પણ
"સફળતા મેળવી છે " એવો જ ભાવ આવે છે "હું સફળ થયો છું" એવો ભાવ ,એવો ઉમંગ, એવો અનંગ ઉત્સાહ, હરખ ક્યારેય આવતો નથી.
સફળતાથી વધુ મહત્વનું છે સફળતાથી મળતો "આત્મસંતોષ". જો સફળતાથી તમે આત્મા સંતોષની અનુભૂતિ ન થાય તો તમે મેળવેલી સફળતા માં કંઈક ખૂટે છે, ક્યાંક રસ્તો ખોટો છે, ક્યાંક ભાવ ખોટો છે, ક્યાંક હેતુ ખોટો છે, અથવા તો સફળતા મળ્યા પછી "અહમ" ની હાજરી વર્તાય છે.
તમે જ્યારે એક ધ્યેય રાખીને જીવનમાં આગળ વધતા હોવ છો ત્યારે તમારા એ માર્ગમાં ઘણો સંઘર્ષ તમારી રાહ જોઈ રહ્યો હોય છે. તે સંઘર્ષની પેલે પાર જ સફળતા છે માટે સંઘર્ષથી ક્યારેય ભાગવું નહીં. ખૂબ ધીરજથી અને સતત હાર્ડવર્ક થી એ સંઘર્ષનો સામનો કરો. તેમાં અડીખમ રહી નજર સમક્ષ માત્ર ને માત્ર ધ્યેય રાખી ધીરજ અને મહેનત ની લાકડી પકડી આગળ વધતા રહો. મનોબળ અને આત્મબળને તમારામાં વિકસવા દો. આગ જેવી લાગતી મુશ્કેલી અને તકલીફમાં તપવાથી ભાગશો નહીં. તમે એક સફળ વ્યક્તિ બનાવવા માટેની પ્રક્રિયા કુદરતે શરૂ કરી દીધી છે એવું માનશો. આ દુનિયામાં સફળતા મેળવવા માટેનું એક અને માત્ર એક જ હથિયાર સતત કરવામાં આવતી સખત મહેનત છે. તેની પાછળ તક,નસીબ, પૈસા ,આનંદ આપોઆપ આવે છે. પણ તક ,નસીબ ,પૈસા ,આનંદને સાધન ન બનાવો. માત્ર ને માત્ર સતત હાર્ડવર્કમા જ કોન્સટ્રેટ કરો બાકીના બધા પાસાં આપોઆપ ગોઠવાઈ જશે. પ્રયત્ન કર્યા વગર. કેમકે તે તો નિર્ધારિત જ હોય છે. અથવા તો તમને સફળતા મેળ્યા પછી લોકો આ તક ,નસીબને મહત્વ આવશે. કેમકે તે જ તેમની છટકબારી, તેમની મહેનત ન કરવાની વૃત્તિને પોષણ આપતા તત્વો છે.
ખટકતી સૌને આ અણીયાળી માયા છે...
સંઘર્ષ અને ધીરજની એ રજવાડી કાયા છે.
રસ્તે રસ્તે રાહ જોવાય, તોય મંઝિલ ક્યાં દુર છે!!
શ્રમ શ્રમ અને બસ શ્રમ એ જ..સફળતા ના પાયા છે...
મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ
mitalpatel56@gmail.com
Wednesday 28 October 2020
Monday 26 October 2020
Friday 23 October 2020
Thursday 15 October 2020
સંબંધો સાચવવાનો..ય થાક લાગે છે...
એક ઓથાર હેઠળ જીવવાની ભાતી....
જાતને ભૂલીને જીહવળવાનોય..થાક લાગે છે...
કમોસમી વરસાદ હોય તોય શું!!
એ વ્યવહારને અવસર બનાવું તોય શું!!
પડછાયો થઇ પૂજાવાનોય.. થાક લાગે છે..
તૂટી ને ફરી ફરી જોડાવાનોય... થાક લાગે છે...
વર્ષો વર્ષ જીવ્યા હોઈએ તો ય માત્ર વર્ષો વિતાવ્યા હોય એવું લાગે. ને ક્ષણોને જીવવાને બદલે ઓછાપામા હંમેશા ખોવાયેલ રહ્યા હોય એવું લાગે તો ચોક્કસ તમે થાકનો અનુભવ કરશો. સબંધો આખી જિંદગી માત્ર સાચવવામાં મથ્યા હોઈએ પણ સંબંધોને "જીવવામાં" ક્યારેય લક્ષ ન આપ્યું હોય તો જીવનના એક ચોક્કસ તબક્કે તમે ચોક્કસ થાકશો. જો તમે હતાશાને કાયમ છુપાવીને રાખતા હશો.. ગુસ્સો, તણાવ, આક્રોશ, પ્રેમાવેશ, લાગણીનો ઉભરો... ને કાયમ મનમાં દબાવી દેતા હો... કોઈ મિત્ર કે આત્મીયજન સાથે ક્યારેય ખુલ્લા મને રડી લેવાનું કે ખુલ્લા મને હસી લેવાની ક્ષણો ન વીતાવતા હો, કોઈની સમક્ષ વ્યક્ત ન થતાં હો.. તો માનસિક થાકની ચરમસિમા ચોક્કસ વહેલી આવશે.નજીકનાં આત્મીયજનો માટે ઘણી બધી વાર કૃતજ્ઞતાનો ભાવ ઊભરાયો હોય પણ ક્યારેય "કદર" નું નામ આપી શબ્દ ભાવથી વ્યક્ત ન કર્યો હોય. તે વ્યક્તિની હયાતી માં તેનું પોતાનાં જીવનમાં સ્થાન અને મહત્વ ની તેને અનુભૂતિ કરાવી સંગાથે જીવનને એક ઉત્સવની જેમ ન ઉજવી શક્યા હો, તો તેની ગેરહાજરીમાં એકલતાનો થાક ચોક્કસ અનુભવશો.
થાક ક્ષણોને "જીવ્યાનો " નહીં...
ક્ષણોને "વિતાવ્યા" નો લાગે છે....
કામ કરવાં કરતાં કામ ન કર્યાનો થાક વધુ લાગે છે. નૈમિત્તિક કાર્યો સાચી નિષ્ઠાથી કરવાનો તો માત્ર મીઠો આત્મસંતોષ જ મળે છે. જો તમે તમારી નોકરી થી થાકી ગયા નો અનુભવ થાય તમારી દિનચર્યા થી, જવાબદારી નિભાવતા સતત ભારનો અનુભવ કરતા હો તો એનો અર્થ એ છે કે તમે તમારાં જીવનનાં આ કર્મસ્થળના અને નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી નિષ્ઠાથી અને પૂરા મનથી, પોતાનું ૧૦૦% ડેડીકેશન આપીને નથી કરી રહ્યા. તેમાં હજી ઉણપ છે. જો તમે દિનભર માં જે પણ કાર્ય હાથમાં લો છો તેને સાચાં અર્થમાં જીવો. પૂરા મનથી જીવંતતા થી કરો, ઉત્સાહથી કરો, તમારા કામને તમે માણો, એન્જોય કરો, તો દિવસના અંતે પણ તમે ઉત્સાહથી તરબતર અને પ્રસન્નતાથી થનગનતા હશો. આ કાર્યથી જે આત્મસંતોષ તમને મળશે તેની લાલી અને આભા તમારા ચહેરા પર સ્પષ્ટ જોવા મળશે. અને યાદ રાખજો જો તમે આ રીતે જીવ્યા હશો તો જીવનના કોઇપણ મુકામે તમે ક્યારેય થાકનો અનુભવ નહીં કરો.
દુનિયામાં આપણે ઘણા બધા માણસો થી જોડાયેલાં હોઈએ છે. લાગણીથી, કામકાજથી , કે સામાજિક રીતે. આ સંબંધોને પણ આપણે અલગ-અલગ કેટેગરીમાં વહેચી દીધા છે.સામાજિક રીતે જોડાયેલા હોઈએ તેમની જોડે સામાજિક સંબંધો રાખવાનાં,પ્રસંગમાં હાજરી આપવાની
ક્યારેક ફોન કરી ખબર અંતર પૂછવાની , સાજામાદા હોય તો ખબર કાઢવા જવાનું. કામકાજના સ્થળે હોય તેમની જોડે માત્ર પ્રોફેશનલ સબંધ... કામ હોય તો જ અને તેટલી જ વાત કરવાની, કો-ઓર્ડિનેશન થી ફોર્માલિટી વાળા સંબંધ રાખી દિવસનો 50% સમય વ્યતીત કરવો.લાગણીથી બંધાયા હોઈએ તેવા બાળકો ,પતિ-પત્ની ,માતા-પિતા ,ભાઈ-બહેન સાથે જ થોડો સમય લાગણી ભર્યો વ્યવહાર કરવાનો, નહીંતર એમાંથી પણ મોટા ભાગનો સમય મોબાઈલ મહારાજને પધરાવી દેવાનો. આ બધામાંથી ભાગ્યે જ કોકની સાથે આપણે આત્મીયતાથી જોડાયેલા હોઈએ છે. એમાંય પાછું આપની અપેક્ષા મુજબનું વર્તન ન કરે કે લાગણીનો પડઘો ન મળે તો તે આત્મીયતા પણ દુઃખદાયી નીવડે ને પાછાં "માણસ" મટીને "રોબોટ" બની જાઓ ને ફિટ કરેલા ડેટા મુજબ વ્યવહાર કરો, સંબંધો સાચવો ને જિંદગી પુરી. ભલે પોતાની સાચી જાત જે જીવંતતા થી ભરેલી છે તેને કાયમ દબાવીને રાખી છે ક્યારેક તો ઉભરો ઠાલવશે ને આ રોબોટિક લાઈફ થી થાકી જશે. આ થાક "જીવ્યાનો" નથી.... "ન જીવાયાનો" છે.
તો દરેક સંબંધ અને આપણી સાથે સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ સાથે આત્મીયતાથી કેમ ન જીવી લઈએ!! સોસાયટીમાં વોચમેન હોય કે ઓફિસમાં સહકર્મચારી કે રસ્તે મળતું અજાણ્યું બાળક સરસ સ્માઈલ આપી, ક્યારેક ખબર અંતર પૂછી, આત્મીયતાથી જોડાઈને સાચા અર્થમાં કનેક્ટ કેમ ન થઈએ...!! જ્યારે તમે કોઈપણ અન્ય વ્યક્તિ સાથે પૂરેપૂરી આત્મીયતાથી કનેક્ટ થાઓ છો ત્યારે તમે પોતાની આત્મા સાથે, પોતાની જાત ને કનેક્ટ થતી અનુભવી શકો છો. અને તેની ખુશી તમારામાં સતત પ્રતિબિંબિત થતી રહે છે. જો તમે ડોક્ટર છો તો પેશન્ટ સાથે આત્મીયતાથી વર્તો. જો તમે એક શિક્ષક છો તો બાળકો સાથે આત્મીયતાથી જીવો. જો તમે વકીલ છો તો પોતાના દરેક કેસ સાથે આત્મીયતાથી જોડાવ.
જો તમે "માણસ " છો તો દરેક "માણસ" સાથે "માનવતા"થી જોડાવ. તો "થાક" નામની વસ્તુનું અસ્તિત્વ તમારી જિંદગીમાં ક્યારેય નહીં હોય. કારણ કે તમે જીવન માત્ર વિતાવતા નથી દરેક ક્ષણને ,દરેક સંબંધને "જીવો" છો.
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
Wednesday 30 September 2020
Sunday 27 September 2020
આખેટ ✨💫 અશ્વિની ભટ્ટ
"અકથ્ય સંવેદન"
"રૂમાલ માં સુગંધ સંતાઈ""
"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".
"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"
"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."
"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."
"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."
"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."
"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો.. ઇશ્ક"
"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"
"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."
"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"
"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."
"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."
✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..
"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"
Now reading part-3 of...."આખેટ"
થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....
આખેટ ✨💫 અશ્વિની ભટ્ટ
"અકથ્ય સંવેદન"
"રૂમાલ માં સુગંધ સંતાઈ""
"ક્યાંક ક્યાંક ઝરણાનું પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલા મોટા ગબ્બામાં ભરાઈ રહ્યા હતાં".
"જીવનમાં કેટલાય પ્રસંગો અને પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે માણસે તેના કિલર ઈન્સ્ટીન્ક્ટ પર આધાર રાખવો જોઈએ . તેની સૌજન્યશીલતા કે વિવેક પર નહીં"
"પુરુષ ધૂંઆધાર હોવો જોઈએ.." "ધૂંઆધાર માણસો ના પ્રશ્નો પણ એવા જ જટીલ હોય
છે" "mysterious"ઇસ ધ પ્રોપર વર્ડ ફોર ઈટ".."એવાં માણસો નાં વ્યક્તિત્વ પણ તેવા જ હોય! નોન ટ્રાન્સપરન્ટ..."
"તું intuition માં... અંતઃસ્ફુરણા માં માને છે? અંતરમાંથી ઉઠતા સંવેદને તમે ક્યારેય કશું માર્ગદર્શન આપ્યું છે?.."
"તું વધુ પડતો નમ્ર અને સાલસ છે. ક્યારેક તેનાથી અનર્થ સર્જાય છે .આ જમાનામાં તેનાંથી વધું કશુંક જોઈએ..."
"ક્યારેક વિવેક અને સૌજન્યશીલતા નબળાઈના પર્યાય લેખાય છે.."
"પ્રેમની કોઈ માત્રા ન હોય, પ્રેમ તો સો ટકા જ હોઈ શકે તેમાં કોઈ બીજી ટકાવારી ન હોય..."
"સંગેમરમરથી મઢેલા દહાલના થળા પર એક અનુપમ ગઝલ રચાઈ.. જેના કોઈ શબ્દો ન હતાં. જેના રદીફ અને કાફિયા માં એક જ શબ્દ હતો..... ઇશ્ક....."
"પુરુષ અને પ્રકૃતિ, આત્મૈકય અને આસક્તિ"
"સમય ઓછો પડે છે એમ કહેવું એ આત્મવંચના છે."
"ઝઝૂમવું તે જ તો માણસ હોવાનું તાત્પર્ય છે. તે જ તો તેનું સત્વ છે..."
"અપાર સુખની પળો શાશ્વત નથી હોતી. એકાએક જ તેનો અંત આવે છે"
"જે સ્પંદનો નું સંગીત સર્જાઇ રહ્યું હતું, તેને આસવાનો નશો ચડી રહ્યો હતો..."
"કોઈ અસ્ફુટ શક્તિ, કોઈ અગમ ઉર્જા, કોઈ અલૌકિક એન્કાઉન્ટરની મર્યાદામાં તે જકડાઈ ગઈ હતી"
"પુરુષ ખડક જેવો હોવો જોઈએ..જે "પૈસાને " એક લક્ષ્ય તરીકે નહીં પણ એક સાધન તરીકે જોઈ શકે...જે મુસીબતમાં પણ એવો જ હોય અને વિજયની પળોમાં પણ "સ્વ " ગુમાવતો ન હોય.."
"માણસ નું વક્તવ્ય ,તેનો દેખાવ, તેની રહન-સહન, એ તેનું વ્યક્તિત્વ નથી... તેનું વ્યક્તિત્વ તેના વાસ્તવ- દર્શન પ્રત્યેનાં અભિગમ થી છતું થાય છે... અને એ અભિગમ વાસ્તવ ના અનુભવ વગર અશક્ય છે.."
✨ કેટલાક નવા શબ્દ પણ મળ્યા..
"સ્પંદનો નું સંગીત"
"નિર્વાચ વાતચીત"
"આશ્રવ"
"અભિસંગની ઉષ્મા"
"નશાર્ત"
"નેપથ્ય"
Now reading part-3 of...."આખેટ"
થોડુંક ઈરીટેટીંગ કેરેક્ટર માલતી નું લાગ્યું....
Thursday 24 September 2020
Wednesday 16 September 2020
ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ
"અંતરાત્માને જીવનની દીવાદાંડી બનાવીએ તો ક્યારેય ભૂલા પડાય ખરું!!!"✨💫🌸⛳
ભીતર જાગતો આગિયો ને...
બહાર અજવાળાને શોધે...
સંગાથ સાચો સંગાથે ને...
કાઠે કાઠે દરિયો શોધે.....
કેટલીક વાર જ્યારે આપણે જીવનનાં મહત્વનાં નિર્ણયો લેવાના હોય છે ત્યારે ભીતરથી એક અવાજ આપણને કંઈક જાણે કહેતો હોય, કોઈક દિશામાં આપણને દોરતો હોય, કદાચ સાચી દિશા બતાવતો હોય એવો અનુભવ આપણને જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય થાય છે. કેટલીકવાર આ અવાજને આપણે માત્ર આપનો ભ્રમ સમજી તેને અવગણી મગજ જે કહે તે કરીએ છીએ. ત્યારે કેટલીકવાર તે નિર્ણય લેવા બદલ પસ્તાવું પણ પડે છે. દુનિયા અને તેમાં આપણી જીવન યાત્રા દરમિયાન બનતી ઘટનાઓ અને પરિસ્થિતિ અકળ અને ગૂઢ હોય છે. ક્યારેક આપણને જીવનમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ પણ થતો હોય છે. ભીતરથી કોક આપણને કંઈક કરતાં રોકી રહ્યું હોય એવું લાગે જેમ કે કેટલીકવાર કોઈ સારા પ્રસંગમાં વારંવાર વિઘ્નો આવે તો સમજવું કે કોઈક ગુઢ ચેતના આપણને કંઈક દિશા સૂચન કરી રહી છે. પણ જ્યારે આપને તેને અવગણી કુદરત સાથે જબરજસ્તી કરી કોઈક કાર્ય કરાવવા ની ચેષ્ટા કરીએ છીએ ત્યારે તેમાં આપણું હિત કયારેય સમાયેલું હોતુ નથી.
જ્યારે પણ તમારે જીવનમાં કોઈક મહત્વનો નિર્ણય લેવાનો હોય તો અંતરાત્માને ચોક્કસ પ્રશ્ન પૂછજો કે શું આ મારા માટે યોગ્ય છે?? જો તમારું મન નિર્લેપ અને ચોખ્ખું હશે તેના પર દંભ ના આવરણ નહીં જામ્યા હોય તો તમે ચોક્કસ અંતરાત્માનો અવાજ સાંભળી શકશો.
અંતરનાદ જીવનના ભલભલા મોટા તોફાનો સામે લડવાની તાકાત પેદા કરે છે. તે તમારામાં મક્કમ પોતાના ધ્યેય માટે ઝઝૂમવાની હિંમત પેદા કરે છે. અંતરનાદ ભીતરમાં થી ઉઠતો એક એવો નાદ છે કે જીવનમાં હર તબક્કે સાચી પસંદગી તમને કરાવી ઉત્તરોઉત્તર પ્રગતિ ના પંથે તમને ખેંચી જાય છે. અને ભૂલો કરતા અને ખોટી પસંદગી કરતાં અટકાવે છે. શ્રેષ્ઠ માણસ બનાવામાં મદદ કરે છે. જીવનનો સાચો મર્મ સમજાવી, જીવનનાં મૂળભૂત હેતુ સાથે તમારો પરિચય કરાવી જીવનને સાર્થક બનાવવામાં મદદ કરે છે.
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
Thursday 10 September 2020
Thursday 3 September 2020
ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ
🤹 પોતાનાં વિચારો જબરજસ્તી બીજા પર થોપવાની વૃત્તિ..💫🤔🤨🧐
કેટલાક લોકો ખરેખર ખૂબ સારાં માણસ હોય છે પણ માત્ર આ એક દુર્ગુણ ને કારણે તે સૌનાં અળખામણા બની જતાં હોય છે.તેમનો કોઈને હર્ટ કરવાનો ઇરાદો બિલકુલ હોતો નથી પણ પોતાની પસંદ, પોતાનાં ગમા-અણગમા, પોતાનાં અનુભવ જેવાં જ સામેવાળાના પણ હોવાં જોઈએ તેવું દ્ઢપણે એમનાં મનમાં ઘર કરી ગયું હોય છે.સામેવાળી વ્યક્તિ કઈ પણ કહે જો તે તેના વિચાર સાથે મેચ ન થતી હોય તો ખૂબ આક્રમક રીતે તેની પાસે પ્રુવ કરવાની કોશિશ કરે છે કે હું વિચારું છું એ જ બેસ્ટ છે અને તારે એ જ કરવું જોઈએ. જે પોતાને ગમતું હોય છે ,વિચાર્યું હોય છે તે સામેની વ્યક્તિ પર જબરજસ્તી થોપવાની કોશિશ કરે છે. સામેવાળી વ્યક્તિ સતત પ્રતિકાર કરે તો પણ. અને આવાં માનસ ધરાવતાં માણસો તેના સંપર્કમાં આવતાં લોકોને ટોર્ચર ફીલ કરાવનારા બની રહે છે.
. આવા વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે. પોતાનાં સતત વખાણ સાંભળવા ની ખેવના રાખતાં હોય છે. સહેજ તેમના ઓપિનિયન નો વિરોધી અભિપ્રાય આપો તરત તેઓ ધૂંધવાઇ જાય છે. આવું હોઈ જ ન શકે. હું જે વિચારું છું તેવું જ હોય. હું જે અનુભવું છું તેવું જ હોય. બધાની પસંદ મારાં જેવી જ હોય.બીજાની પસંદ ગમા-અણગમા ,અનુભવો તેનાથી અલગ હોઈ શકે છે તે વિચારવું પણ તેના માટે અસંભવ હોય છે. એટલી હદે તે વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયેલ હોય છે. કોઈ તેમનાં વખાણ ન કરે તો સામેથી પ્રશ્નો પૂછી પૂછીને પણ પોતાનાં વખાણ કરાવતાં રહે છે. 'જો આ ગીત મેં ગાયું મસ્ત અવાજ છે ને મારો?' 'શું તમને નથી લાગતું કે આ કામ મારાથી સરસ થયું છે?' આવી વૃત્તિ તેમની હોય છે એમાંય આખાબોલો કોઈ માણસ તેને મળી જાય અને સાચી વાત સ્પષ્ટ પણે કહી દે તો તરત તેનો અહમ્ ઘવાઈ જાય છે. અને પછી આક્રમક બનીને "તમને કંઈ ન સમજાય આમાં"એવો અહેસાસ તેને કરાવી દેવા તલપાપડ બની જાય છે.
. આ વૃત્તિ જન્મે છે ક્યાંથી?? બાળપણમાં મા-બાપ એ બાળકને વધુ પડતા લાડ લડાવ્યા હોય ને ખોટું હોય કે ખરું માત્ર તેનું ઉપરાણું લઇને ખોટા ને પણ છાવરવાની, ને સતત એનાં અહમને પંપાળવા ની વૃત્તિ કરી હોય તો તે બાળક મોટું થઈને" સ્વકેન્દ્રી "બની જાય છે.પોતાના વર્તનથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, તેનાથી તેના અંગત લોકો તેનાથી દૂર થઈ જાય છે, પોતે એકલો થઈ જવા તરફ જઈ રહ્યો છે, તેનો અહેસાસ પણ તેને બહુ મોડેથી થાય છે.
. આ સ્વકેન્દ્રીપણાને લીધે લોકો તેની અવગણના કરવા લાગે છે. તેના સારા ગુણો ટેલેન્ટ માત્ર તેના એક દુર્ગુણ ને લીધે ઢંકાઈ જાય છે. માબાપ બાળકને ગમે તેટલો પ્રેમ કરતાં હોય પણ સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજાવે તે ખૂબ જરૂરી છે. બાળક ખોટું કરે તો તેને ખોટું કર્યું છે તેનો અહેસાસ પણ કરાવવો ખૂબ જરૂરી છે. તેની નાની મોટી સજા મળવી પણ જરૂરી છે. જેથી પોતે "માણસ" છે ભગવાન નહીં તેનો તેને અહેસાસ રહે. બાળકને બીજાના અલગ વિચારો અલગ ઓપીનિયન ને પણ રિસ્પેક્ટ આપતા શીખવવું ખૂબ જરૂરી છે. બાળકની "હા"મા સતત "હા" મેળવવાથી તમે તેને વધુ પ્રેમ કરો છો તેમ સાબિત નથી થતું. બાળકને તેની જિંદગીમાં "ના" પચાવવાની કેળવણી પણ આપવી ખૂબ જરૂરી છે. તેને જોઈએ તે બધું જ ક્યારેય મળવાનું નથી. બધું જ મળી જાય એનું નામ જિંદગી નથી.બધા જોડે આપણે આત્મીયતાથી મળી શકીએ ,જીવી શકીએ તેનું નામ જ જિંદગી છે. એવો તેને અનુભવ આપવો ખૂબ જરૂરી છે
. આવા લોકો સ્વાર્થી કે કપટી નથી હોતાં.. તેઓ એક માત્ર સ્વકેન્દ્રીપણાની બીમારી થી પીડાતાં હોય છે જો તેઓ વહેલી તકે આ કુંડાળામાંથી બહાર નીકળી જાય તો કંઈ કેટલાય સબંધો બગડતા અટકાવી શકે તેમ છે.
સ્વીકારી શકે જો તું કોકને
તેના પોત સાથે...
પ્રીત બાંધી શકીશ તું
તારી જાત સાથે...
ખુદને મળવું હોય તો
વિસરી જોજે જાત..
જોડાયેલ છે અહીં હર કોઈ
એક પરમ આતમ સાથે
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail com