શબ્દોની સુગંધ...📖👌
વાંચતા-વાંચતા કંઈક સ્ફુરે, અંતર્મનને વાચા ફૂટે, કલમ બને ટેરવાં અને કાગળ બને સંવાદ ત્યારે જે આલેખાય ને... તે નિરાકાર સત્વલેખન...
તું "તારાં"માં ઉગે ને.. ત્યારે લખજે તું..
. વાંચતા ખુદને મળે ને ત્યારે લખજે તું....
બહુ જ્ઞાનસંપદા, બહુ વાચાળતા, બહુ સંવાદિતા ટાળજે તું....
"અતિ"ને ખાળી "સમતા" તરફ ઢળી શકે ને.... ત્યારે લખજે તું....
પુસ્તકનાં પાનાની વચ્ચેની સુગંધને પામવું એટલે શબ્દોના ભાવ ને સ્પર્શવુ... તમે પાને-પાને મહોરી શકો ને "સ્વ"માં તો તેમાં જ વાંચનની યથાર્થતા છે.
એક બાગકામ કરતાં માળીને તેનાં છોડ સાથે જે આત્મીયતા હોય છે.. જાણે અકથિત લગ્નગ્રંથિ!! આત્મીયતા પણ કેવી? ખુદને તેમાં રોજ થોડું થોડું વાવી શકે, ઉગાડી શકે, ઓગાળી શકે. તેની કાળજી રાખવી, તેને પંપાળવું ,તેની સાથે સંવાદ, "સ્વ" જોડે વ્યવહાર જેવું થઈ જાય ને ત્યારે માળી 'છોડમય' બની જાય છે.
"ઓળઘોળ" થઈને જીવી શકાય જ્યાં ત્યાં જ સાચું "એકત્વ" પામી શકાય. આવું જ કંઈક પામી શકાય છે, જ્યારે આપણે મેઘધનુષના રંગોને આકાશની જોડે જડાયેલ જોઈએ છે. એવી જ રીતે કેટલાક વ્યક્તિઓ આપણાં જીવનમાં જડાઈ જતા હોય છે. આપણાં વ્યક્તિત્વમાં વણાઈ જતાં હોય છે. આપણાં "સ્વત્વ" નો એક ઓગળેલ ભાગ બની જતા હોય છે.
"અક્ષરત્વ"ને પામવું હોય તો તેની પાછળના ભાવતત્વને નિહાળવાની દ્રષ્ટિ કેળવવી પડે. માણસે સામેનાં માણસમાં "મનસત્વ "જોઈને વર્તન કરવાની આદત કેળવવી જોઈએ. તેનાં ગુણ દુર્ગુણોનો લોપ કરી, માણસ તરીકે સ્વીકાર કરી, વ્યવહાર કરવામાં આવે તો માણસાયત પૃથ્વી પર કાયમ માટે ટકી રહેશે.
શબ્દોની પણ એક હુંફ હોય છે. શબ્દોનું પણ એક પોતીકાપણું હોય છે. માટે જ સંવાદ એ શબ્દોનો ધાબળો છે. જે માણસનો માણસ જોડે સંબંધનો તંતુ જાળવી રાખવામાં અનિવાર્ય અંગ છે.
શબ્દોની પાંખડીઓને ગુંથી..
બની શકે સંવાદની વેણી...
તું મારામાં વણી લેવાય...
અને હું તારામાં જ ઉગેલ સરવાણી...
તું આકારજે મને તારામાં...
નિરાકાર "તત્" સ્વરૂપે....
તું વાચાળતા મારી બને....
ને હું મૌનની આભા તારી....
મિત્તલ પટેલ
" પરિભાષા"