Friday 19 February 2021
Wednesday 17 February 2021
Sunday 7 February 2021
આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......
"વખતોવખત જિવાઈ ગયેલી ક્ષણોનું રખોપુ એટલે કે આયખું...."◉‿◉🌹
આપણે કેટલી મોંઘી હોટલમાં જમ્યા હતાં તે કદાચ યાદ ન રહે પણ લારી પર મિત્રો સાથે ગપ્પા મારતા મારતા "ચા" ક્યારે લીધી હતી તે યાદ વધુ રહે છે. બર્થ ડે સેલિબ્રેશનમાં પીઝા ખાધા એનો સ્વાદ કદાચ ભૂલાઈ જાય પણ નાનપણમાં કરેલ તોફાનો બદલ શિક્ષકનાં હાથનો ખાધેલ મીઠાં મારનો સ્વાદ હંમેશા યાદ રહે છે. પૈડું લાકડીથી મારી મારીને ફેરવવાની મજા, આગિયાને પકડી કોથળીમાં પુરી પછી મુક્ત કરવાની મજા,લાઈટો જાય ત્યારે એક સાથે બૂમો પાડવાની મજા અને એ અંધારામાં ખુલ્લાં તારાઓથી ભરેલા આભલાંને ઓઠીને અસ્તિત્વને માણવાની મજા,અગાસીમાં પથારી કરીને અથવા લીમડાનાં ઝાડ નીચે ખાટલો ઢાળી અમૂલ્ય મીઠી નીંદર કુદરતનાં ખોળામાં માણવાની મજા, 25 પૈસા કે આઠ આનામાં મુઠ્ઠીભર ચણીબોર કે ચણાની લિજ્જત ઉઠાવવાની મજા.....જેવી ક્ષણો લોહીમાં રક્તકણોની ભીતર હંમેશા માળો કરીને રહેતી હોય છે. જીવનભર સજીવન થતી રહી આપણાં પર અમીછાટણા કરતી રહે છે. તો જે વસ્તુ નિર્ભેળ છે, નિસ્વાર્થ છે મોટાઇ, દેખાડા, દંભથી રહિત છે. તે જ સાશ્વત છે. અને તે જ ટકે છે. ચિરંજીવી રહે છે માટે આવી ક્ષણોને જીવો. આવી ક્ષણોને ,આવા સંબંધોને સાચવો. જ્યારે આપણી કમનસીબી છે કે ઘણીવાર આપણે બીજાની નજરમાં સારા બનવા જીવીએ છીએ. બીજાને સારું લગાડવા વર્તીએ છે. અને સંબંધને ઉપયોજન નું એક માધ્યમ બનાવી દઈએ છીએ.
આજે ક્વોલિટી ટાઈમ કરતાં ક્વોન્ટીટી ટાઈમને વધુ મહત્વ આપીએ છીએ. બાળકને ખોળામાં બેસાડી વહાલ કરવો તે ક્વોલિટી ટાઇમ છે. અને મોબાઈલ મચેડતા મચેડતા હોમ વર્ક કરાવવું તે ક્વોન્ટિટી ટાઈમ છે.વાઈફ જોડે સાથે બેસી જૂની યાદો તાજા કરવી ,તેને ઘણા સમયેથી તમારી સાથે કરવી છે તે ઢગલો વાતો ને એક સારા શ્રોતા બનીને સાંભળવી, તે ક્વોલિટી ટાઈમ છે. અને ટીવી જોતા-જોતા સાથે જમવું તેના પ્રશ્નો સમસ્યાઓને ઉપરછલ્લી હા હા કરી ટાળવી, તે ક્વોન્ટિટી ટાઈમ છે. કોઈ પણ પુરુષના મૌનને સમજી શકે અને તેના અવગુણ સાથે તેના અસ્તિત્વને માણી શકે,ઓફિસથી ઘરે આવે એટલે હસી ને આવકારી શકે, કકળાટને ઘરના ઉંબરા પર ઉતારી સામંજસ્ય અને આત્મીયતા નો દીવો ઘરમાં સતત ઝળહળતો રાખી શકે તો તે ક્વોલિટી ટાઈમ છે. બાકી કોઈ પુરુષને વાતો કરવા કરતાં તેનાં અસ્તિત્વ નો સ્વિકાર "સ્વ"નો સ્વીકાર વધુ પ્રિય હોય છે. આ જન્મજાત તેમનાં ડીએનએમાં ચિતરાયેલા ગુણો છે. સાચા-ખોટા ગમા-અણગમા ,સારા-ખરાબનાં જોડકારુપી આવ્યયો થી પર એક સમય હોય છે જેમાં માણસને માણસની જરૂર પડે છે. વસ્તુની સાથે રહી શકે છે જીવી શકતો નથી. પછી તે અંદરોઅંદર રૂંધાય છે ,અકડાય છે જીવવા ધમપછાડા કરે છે. ભરપૂર પ્રયત્નો કરે છે પણ એકલતાના આ અખાડામાં તેનાં આક્રંદ ને સાંભળવા ત્યાં કોઈ હોતું નથી. માટે તમે જેની આગળ ખુલીને વ્યક્ત થઇ શકો,ખુલ્લા મને રડી શકો ,હસી શકો, ઝગડી શકો, પાછાં મનાવી પણ શકો તેવા મિત્રો ભલે ઓછા હોય, ભલે થોડા ગુણો, અવગુણો પણ હોય છતાં સાથે રાખજો. આ જીવનરૂપી દરિયાના મોજામાં સમય લખેલો નથી હોતો. તે આવે ને મૂળમાંથી ઉખાડી જાય તે પહેલાં "સ્વ" ના મૂળ જોડે જોડાઈ જઈએ.
મરતાં પહેલા મરવું એ છે એકલતા
જીવતાં જીવતાં "જીવવું" એ છે સંગાથ
વહેલા ઉકલી જઈએ કે જીવી જઈએ ક્ષણિક...
પરાભવ થી આ ભવનો ઋણાનુંબંધ છે ક્ષણાર્ધ....
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ