કૃતજ્ઞતા--જીવનને મઘમઘતું રાખતો ગુલદસ્તો.
આપણા સુખ, પ્રસન્નતાના કારણ બનેલ વ્યક્તિઓ, ઘટનાઓ, સંજોગો માટે, તક માટે ઈશ્વરને ક્યારેય થેંક્યુ કહ્યું છે? દરરોજ સવારે ઉઠીએ અને સ્વસ્થ શરીરના આશીર્વાદ સાથે કોરા ચેક સમાન દિવસ આપવા બદલ ક્યારેય કૃતજ્ઞતા વ્યક્ત કરી છે? તકલીફોની ફરિયાદો કરવી એ સહજ અને રૂટીન થઈ ગયું છે. તકલીફોનો સામનો કરવા જે હિંમત ભીતર કેળવાઇ અને વધુ મજબૂત થઈને ,તપીને, વધુ સમૃદ્ધ બનીને બહાર આવ્યાં તે માટે શું તે તકલીફો નો ફાળો નાનો સુનો છે!! તકલીફોને પગથીયા બનાવી જીવનમાં પ્રગતિના મંદિરીયા ખૂદ્યા, તે માટે જે આંતરસૂઝ કેળવાઈ તે માટે કુદરતને થેન્ક્યુ કહેવું જરૂરી નથી લાગતું! "કૃતજ્ઞતા"એક એવો ભાવ છે જે આપણને ભીતરથી વિકસવામાં મદદ કરે છે. આપણાં વ્યક્તિત્વનો હકારાત્મક વિકાસ કરવામાં ખીલવવામાં મદદ કરે છે. સારાં ભાવનો સ્વિકાર અને કદર જીવનમાં વધુ સારાં અનુભવો મેળવવાં માટે આપણને કાબીલ બનાવે છે.
નકારાત્મકતાની ખેતીથી તો નકારાત્મકતાનો જ પાક મળે. પછી ગમે તેટલાં એફોર્ટ્સ તેમાં નાખી દો. "How to live"શીખવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે.."How to react"શીખવું. આપણને ગુસ્સો તરત આવી જાય છે, બદલાની ભાવના તરત આવી જાય છે. હરએક ક્ષણમાં પ્રસન્નતાથી જીવવાનો ભાવ જાતે પ્રયત્ન કરીને કેળવવો પડે છે. હકારાત્મકતાને સ્વભાવમાં રોપવી પડે છે. તો દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાના એટીટ્યુડ ને લણી શકશો.
આપણે જજમેન્ટલ બની જઈએ છે. કોઈપણ ઘટના, કોઈપણ બનાવ, પછી તરત તેનાં વિશે અભિપ્રાય બાંધી દઈએ છીએ. અને તેને અનુરૂપ નિર્ણય પણ ત્વરિત લઈ લઈએ છીએ. પોતાના મનને તેનું અર્થઘટન કરવાની તક જ નથી આપતાં. એટલે જ પસ્તાવાના ઝરણામાં નહાવું પડે છે. અને તેમાં કંઈક કેટલુય જીવનમાં ગુમાવી દેતા હોઈએ છે. કેટલાય સંબંધો કેટલીય તકો અને સૌથી કીમતી "મનની શાંતિ".
એક ઊર્મિને હૃદયમાં વાવીએ તો કેવું!!
સંદર્ભ કોઈપણ હોય, તેને કૃતજ્ઞતાનું જળ પાઈએ તો કેવું!!
તું સાચો જ હોઈશ પણ,
સામે વાળાનું સત્ય પણ પારખી શકીએ તો કેવું!!
પોતાને પ્રેમ કરવો સાવ સહજ છે,
હરએક માં રહેલ સારપ જોઈ શકીએ તો કેવું!!
તોતિંગ ઝાડની છાયામાં વાહન પાર્ક કરીએ ત્યારે તે વૃક્ષ વાવવાનો વિચાર મનમાં સ્ફૂરે છે ખરો! તે વિચાર ત્યારે જ આવે જ્યારે તે વૃક્ષ માટે આપણને છાયડો આપવા બદલ આપણાં હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ એક ક્ષણવાર માટેય આવ્યો હોય. આવું જ કંઈક સંબંધોમાં થાય છે. સંબંધમાં સતત હૂંફ, લાગણી અનુભવતાં રહીએ છીએ, પણ ક્યારેય તે સંબંધાયેલ વ્યક્તિની તે લાગણી અને પોતાનાપણું આપવા માટે કદર કરી છે? તેમને અશાબ્દિક કે શાબ્દિક તમારાં જીવનમાં હોવાનું કેટલું મહત્વ છે, તેની અનુભૂતિ કરાવી છે? એ એટલું જ જરૂરી છે જેટલું એક છોડને પાંગરવા માટે ખાતર પાણી જરૂરી છે.
મિત્તલ પટેલ
અમદાવાદ