Monday, 27 March 2023

💫✨એક્ટિવિટી💫

વિજ્ઞાન ચિત્ર બુક 🧑‍🎨🖼️🎨🖍️🖌️🗒️

          આકૃતિઓ એ વિજ્ઞાન વિષયનું હાર્દ છે. પરિવહનતંત્ર હોય કે હૃદયની આડો છેદ, અમીબામાં વિભાજન હોય કે પેરામિશિયમ જેવાં એકકોષી સજીવો, દેડકાનું જીવન ચક્ર હોય કે ભૂમિના સ્તરો, વનસ્પતિના વિવિધ અંગો હોય કે પરાગનયન ની ક્રિયા, ફલનની ક્રિયા હોય કે મનુષ્યનું પાચનતંત્ર...... વગેરે આકૃતિઓ વિજ્ઞાનની વિવિધ સંકલ્પનાઓને સહજ રીતે બાળકોમાં આત્મસાત કરવાં ખૂબ જ મહત્વની હોય છે. તો એ આકૃતિઓને જો આપણે કોઈ  આનંદદાયી પ્રવૃત્તિ દ્વારા બાળકોને સમજતા અને યાદ રાખતા શીખવીએ તો વિજ્ઞાન તેમના માટે ખૂબ જ સહજ અને સરળ થઈ જશે. વિજ્ઞાનનાં ચોપડાના પાછળનાં વધેલા ત્રણ ચાર પાનામાંથી ત્રણ ચાર ગડી વાળીને, ઉપરથી સહેજ કટ કરી ઓપોઝિટ સાઈડ કાગળના ટુકડા દબાવી નાનકડી વિજ્ઞાન વિષયની ચિત્ર ડાયરીઓ તૈયાર કરાવી શકાય. જેમાં આખી ચોપડીના મહત્વના ચિત્રો ટીક કરાવી બાળકોને દોરવા આપી શકાય. આવો જે પ્રયત્ન મેં પણ મારા વર્ગમાં કર્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકો એ વિજ્ઞાનની આકૃતિઓ દોરી અને ખુબ સરસ ડાયરી તૈયાર કરી.

મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
દહેગામ, ગાંધીનગર

Sunday, 19 March 2023

ગાંધીનગર સમાચાર "🗞️ દૈનિક ન્યૂઝપેપરમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......19/3/23... રવિવાર...🌹📖✍️✍️💫🥰🫥

Tuesday, 7 March 2023

જીવતે જીવ તું, કોઈનાં જીવનું પાનેતર બનને...
કફન બનશે બધાં, તું દાવેદાર બનને..!!

આંચકા સાથે, વાંધા વચકા બધું જ આવશે,
તું થોડોક ખામી ખૂબી વાળો માણસ બનને...!!

કીડીયારું ભર્યું હશે તો, ઊગી નીકળશે ક્યાંક
તે લોન લીધી તી લાગણીની, હવે પુરવણી ભરને...!!

 કયા રોગમાં સપડાયા હશે.. કે અસ્તિત્વ સુકાઈ ગયું...
તું પહેલા હતો, તેનાં જેવો જ માણસ બનને...!!

સાવ નિર્લજ્જ સ્વાર્થ હોય, કપટ હોય, લાગણી નહીં.....
તું બોલકો હતો, શ્રવણ શક્તિ પતી ગઈ... તું વાંચા બનને..!!

અઢળક ઢોળ્યો હતો મારામાં તને....
એ તું જ હતો, તો તારામાં હજી યથાવત જ્ઞાત બનને...!!

અસર રહેશે જીવતા સુધી... જોકે...
 મર્યા પછી પણ ક્યાં મરાય છે...!!

સાંધા ઉપર સાંધો ન ચાલે ,
જોડી શકે એવું થીંગડું બનને...!!

દિગ્મુઢ થઈ ભાવ બધાં હેબતાઈ ગયા છે....
જખમો ના આપ, હવે જીવ ઓલવાઈ ગયા છે...!!

હશે હું ય થોડો તારાં જેવો અડિયલ....
અઘરો દાખલો આપી દીધો, હવે આહવાન બનને...!!

મિત્તલ પટેલ
" પરિભાષા"





Monday, 6 March 2023

ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......05/3/23... રવિવાર...🌱🌿🍀☘️🪴🌳🌲🌴🍁🌹🌺🌷🪷💫🤩😃✍️☕📖

વસંતના વધામણાં ને અલખના હરખ...!!🌱❣️


           કેટલીક વાર જીવનમાં અતિશયોક્તિના લેવલ પર પાનખરની અનુભૂતિ પછી, વસંતનાં વૈભવની અનુભૂતિ થાય ને ત્યારે  જીવનની શ્રેષ્ઠતમ ક્ષણો માંથી એક હોય એવી અલખસમ ક્ષણ ભાસે. વસંતને જો સ્થૂળ સ્વરૂપ હોત, તો તે માયામય જ હોત.હર ક્ષણે અર્થ બદલતું, હર ક્ષણે ભાવ બદલતું, તત્ક્ષણ પ્રસન્નતાની ચેરાપુંજી અને આગળ પાછળની ક્ષણોમાં અજીર્ણતા માત્ર. કદાચ તત્ક્ષણ જીવવું, વર્તમાન ક્ષણોમાં લાઇવ જીવવું તેને જ વસંત કહેવાતું હશે. "વસંત" શબ્દ બોલતા જ ભીતર કંઈક ખીલતું અનુભવાય, કંઈક મનને ભાવતું વ્યંજન રંધાતું અનુભવાય, કંઈક ખુલ્લા દિલનો આવકાર અનુભવાય, એ જ શબ્દભાવનો ઉચ્ચતમ મહિમા છે.

પ્રકૃતિ જાણે ઈશ્વરમય બની ઉજવતી ઉત્સવ એટલે વસંતોત્સવ...!!

              માણસની ભીતર અજવાળું અજવાળું અનુભવાય ને ત્યારે સમજજો કે પરીક્ષાનો સમય પૂરો થઈ સારાં કર્મનો અજવાળુંસમ ફળ હવે મળવાનું શરૂ થયું છે. જેટલું ઘેરુ અંધારું એટલું જ અજવાળું વધારે ઉજળું હોવાનું. ખુશીના આંસુ કંઈ જેવાં તેવા નથી હોતાં. લાગણી ઓવરફ્લો થઈ મનરાંગણમાં હરખનું પૂર આવે ને, ત્યારે એ સહજ રેલાય છે. હર પરીક્ષામાં નાપાસ થતું બાળકની જેમ માણસ પણ નાસીપાસ થવાની તૈયારીમાં જ હોય, ને ઈશ્વર કોઈ હલેસું મોકલે અવકાશનું ત્યારે તેને પણ વસંતસમ ભાવની અનુભૂતિ થતી હશે ને..!!

            "ખરી પડવાની ઘટના" કંઈ જેવી તેવી નથી. એ નવી કુપળ ફૂટવાની પ્રસુતિ પીડા હોઈ શકે...!! "ખરી પડવું" એ દરેકની નિયતિ હોય જ છે. પછી વસંતના રૂપે એક જીવન પૂરું કરી બીજો જન્મ થયો હોય, તેવી ક્ષણોને માત્ર જીવંતતાથી ઉજવવાની જ હોય." નામાંકરણ" કરવાં ન બેસાય!! ભૂતકાળના આવરણ ખંખેરી નિર્લેપ અને નિર્મળ બની જીવી શકો એ દરેક ક્ષણ એટલે આપણાં જીવનનો વસંતોત્સવ...!!

હેલી રે ઝળકતી,
         મારાં શ્યામની તું જો ને...!!

વસંત ની પધરામણી,
          જાણે સોળે શણગાર.....

અવસર રૂડો ને,
        નૈણની વેણી તું જો ને...!!

ખીલતા ને ઉગતા એ
              ભાવનો લલકાર...
ખુલ્લી આંખોના જાણે,
               સપના તું જો ને...!!

પલાસના રૂપની
          એ અલગારી પસવાર....

મિત્તલ પટેલ
"પરિભાષા"

Tuesday, 28 February 2023



ગાંધીનગર સમાચાર "🗞️ દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......26/2/23... રવિવાર....



સત્યતાથી જ શાશ્વતતા સુધી પહોંચી શકાય........✍️🍁🪷🌿🪹




       સત્ય કઠોર હોય છે, કડવું હોય છે, તેનો રસ્તો કઠિન હોય છે. પણ કંઈક શાશ્વત પામવું હોય તો આ માર્ગ દ્વારા જ મળી શકે છે. બાકી સરળ રસ્તા તો બધા ક્ષણિક સુખ અને માત્ર ઉછાંછળા ભાવ જ આપે છે. તમારો અંતરઆત્મા તમને જે દિશા બતાવે તે જ શ્રેષ્ઠતાની ટોચ સુધી તમને લઈ જાય છે. અમુક વાર વ્યાજબી કારણ ન પણ લાગે, મગજ સાથે સંઘર્ષ કરવો પડે, મગજ સતત તેનો વિરોધ કરે, પણ મહત્વના નિર્ણય લેતી વખતે માત્ર હૃદયનું જ સાંભળજો. તે ક્યારેય ખોટા નિર્ણય નહીં લેવા દે.


વહેંચી લઈશું સુખ દુઃખ ચલ ને...
           હું આપીશ સધિયારો, તું આગળ વધજે.


ઓળખ પત્રની ક્યાં જરૂર પવન ને...!!
             હું પાંખો બનુ.... તું આકાશ ખૂદજે....ચલ ને....



          એવરેસ્ટ આરોહણ કરતી વખતે કંઈ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.પણ જેનું લક્ષ્ય એવરેસ્ટ ચડવાનું હોય તે ક્યારેય ટેકરીઓ ચઢીને સંતોષ માની લેતા નથી. ઉપક્રમ કોઈપણ હોય, ધ્યેયનિષ્ઠા તેમની છોડતા નથી. "નિશાનચૂક માફ નહીં માફ નીચું નિશાન" . છાશવારે જેમનાં ધ્યેય બદલાતાં હોય, પોતાની સવલત પ્રમાણે રસ્તાઓ બદલાતા હોય, ત્યાં કંઈક શાશ્વત અને શ્રેષ્ઠ મેળવવાની આશા રાખવી વ્યર્થ છે. આ માટે તો પોલાદી મનોબળ કેળવવું પડે. કંઈ કેટલાય વાવાઝોડાઓ સાથે બાથ ભીડવી પડે. સાચાં માટે હજાર સામે ઊભું રહેવું પડે તો એ ઉભું રહેવાની તાકાત કેળવવી પડે. અને તે એક્ચ્યુલી આપોઆપ આવી જાય છે, જો તમારે નિયત અને નીતિ સ્પષ્ટ અને ચોખ્ખી હોય તો.



        કંઈ વસ્તુની "પરવા ન કરવી" તે આવડી જાય ને તો ઘણી બધી અડચણનો માનસિક સ્તર પર જ ડીલીટ થઈ જાય છે. જેની વૈચારિક શક્તિ જ નિમ્ન હોય તેમનાં આપણા માટેના ઓપિનીયનને સર આંખો પર ચડાવવાની મૂર્ખામી કદાપી ન કરવી. તે તેમના મગજની નીપજ છે તે ગળે. આપણે આજુબાજુથી જે સારપ છે તે જ લેવાની. બાકી બોર ખાઈ ઠળિયો ફેંકી દઈએ તેમ ફેંકી દેવાની. નહિતર મનમાં અમળાયા કરે.

કવિ શ્રી દલપતરામની કવિતા તો તમને યાદ જ હશે...

કરતાં જાળ કરોળિયો,
        ભોંય પડી પછડાય....

વણતૂટેલે તાંતણે ,
            ઉપર ચડવા જાય....



       કંઈ કેટલાય તાંતણા ભેગા કરી કરોળિયાની જેમ જ ધીરજથી ચકલી પોતાનો માળો બનાવતી હોય છે. એક એક તણખલું ખૂબ જ ધીરજથી ચાંચમાં ભેરવી લાવી, ભેગા કરી હૃદયની સૂઝબુજ મુજબ પોતાનો રહેવાસ બનાવે છે. તડકો, છાયડો, વાંછટ સામે રક્ષણ કાજે તે હુંફરૂપી માળો ચણતી હોય છે. આવી જ રીતે માણસે અનિતીના તડકા, છાયા, વાંછટથી બચવા પોતાની સ્વ મહેનત અને નીતિરૂપી માળાને ચણવાનો હોય છે. જે જીવનભર તમને રક્ષે છે. તમારું "સ્વ" પોતને ઉજળું રાખે છે. હિંમત હારવાની તૈયારી હોય ને અજવાળું પ્રગટે એવું પણ થાય. ધીરજની કસોટી તો ઈશ્વર અવારનવાર લેતો જ રહે છે. તમારી કસોટીઓ થોડી વધારે છે કારણ કે ઈશ્વર તમારામાંથી શ્રેષ્ઠતમ બહાર કાઢવા ઈચ્છે છે. તમને બધાં કરતાં વધુ શ્રેષ્ઠ આપવાની મહેચ્છા છે. બધું જ સારું સારું જ હોય ત્યારે ક્યારેય તમારી ભીતર અંકુરિત થતું બીજ બહાર આવી શકતું નથી.


        રસ્તા પરના બેરિયર તમને ખોટાં રસ્તાથી ડાઈવરજન આપી , સાચાં રસ્તા તરફ વળવાનું સૂચવે છે. "આત્મશ્રદ્ધા" નાં અજવાળાથી જીવનને દોરતા રહીએ તો, સાવ સહજ તમે પ્રસન્નચિત્તે આગળ વધતાં રહેશો. મુશ્કેલીઓ તમારી મનની શાંતિ અને સ્થિરતા ને ડહોળાવી નહીં શકે. આખરે અંતિમ ધ્યેય તો આપણુ માનસિક શાંતિ અને કંઈક શાશ્વત પામવાનું જ હોય છે. જે મર્યા પછી આતમની સાથે જડાઈને આપણી સાથે આવે. નાશવંત વસ્તુઓ "મેળવી" શકાય છે. જ્યારે શાશ્વતને તો "પામવું" જ પડે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"