Thursday, 2 December 2021

તમને પ્રસંશા કરતાં આવડે છે,
      ખોટી ચાપલૂસી નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને બાળકો માટે વિચારતા આવડે છે,
        માત્ર "અહમ્"પોતાનો પંપાળતા નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને શાળામાં ભણાવતાં આવડે છે,
          કોઈને નીચા બતાવતા નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને પ્રમાણિકતાથી કામ કરતા આવડે છે,
           બાળકોના પૈસે પોતાનું ઘર ભરતા નહીં....
તો તમે શિક્ષક છો...!!

તમને જીવનમાં આગળ વધતાં આવડે છે,
         કોઈને નીચે પાડતા નહીં.....
તો તમે શિક્ષક છો...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"માણસોની "વૃત્તિ" તેનાં ભવિષ્યને આકારે છે"....


આકારજે તું તારી તકદીર...
        તારી વૃત્તિને આકારીને સાત્વિક,

તારું ભવિષ્ય તારાં કર્મોના હાથની મહેંદી છે....!!

   
         માણસની જ્યારે "પડતી" શરૂ થાય છે ત્યારે તેના ખુદનાં આખી જિંદગીના કર્મો એક અરીસો બનીને તેની સમક્ષ ઉદય થઈને ઉભા રહે છે. "સહાનુભૂતિ" શબ્દ માટે વ્યાકુળ બનતું, તેનું હૃદય કંઈ કેટલાય લોકોને દીધેલ તકલીફની તાસીર બનીને, તેમણે અપરાધભાવથી સતત ડૂબાડતી રહે છે. ડૂબી જવું સરળ હોય છે પણ જિંદગી આપણી સાચી તસવીર આપણી સમક્ષ અચાનક એવી રીતે અને  એવાં સમયે મૂકી દે છે કે ત્યાંથી ભાગી છૂટવું કે ઇગ્નોર કરવું કે પોતાની જાતને તેનાં માટે માફ કરવું પણ અશક્ય બની જાય છે. માણસ થાકથી રાત્રે ઊંઘી શકે છે પણ નિરાંતની અને સુકુનની ઊંઘ તો સારા કર્મોનું પ્રતિબિંબ સ્વરૂપે જ મળતી હોય છે.

ક્યારેક પૃચ્છા કરી હોત તે તારા મનને  કે..." તું જે માર્ગ પર છે તે રસ્તો સવડો છે ખરો!!

તો "માણસ" તું ચોક્કસ માણસાયતથી પાછો વળ્યો હોત.

         કેટલીકવાર સમય, સંજોગ અને તક નો સંગમ માણસને છેતરી શકે છે. મહોરા પહેરીને જીવતાં માણસો, નિર્લેપ માણસોને પોતાનાં દ્રષ્ટિકોણથી નિહાળી તેમનાં રસ્તા ના ફાંટા પાડવાં માટે પ્રયત્નશીલ બની જાય છે. પણ દરેકનાં હૃદયમાં ઈશ્વર સ્વયં સાક્ષીરૂપે પ્રસ્તુત હોઈ, દરેક વળાંકે  નિર્લેપ અને સરળ માણસને તેના institutions ક્યારેય ભટકવા દેતા નથી. દરેક માણસ પોતાનાં માટે હંમેશા સારો જ હોય છે. અને સારાં ખોટા ની સંકલ્પનાથી પર દરેક માણસ પોતાને તટસ્થ રીતે ક્યારેય મુલવી શકતો નથી. જો જીવનમાં થોડાં થોડાં સમયે માણસ પાછું વળીને પોતાનાં જીવનને તટસ્થ રીતે, સાક્ષીભાવે નિહાળી શકતો હોય પોતે સાચા માર્ગે તો છે ને...?? તેની ચકાસણી કરતા રહેવાની વૃત્તિ હોય તો તે જીવનના ગમે તે લેવલ પરથી સાચા માર્ગે આવવા યુ ટર્ન મારી શકે છે. અને  ખુદેશ્વર તેને તે માટે દિશાસૂચન કરીને મદદ કરે છે પણ  તે "હું" માંથી ક્યારેય બહાર ન આવી શકતો માણસ આ વૃત્તિ ક્યારેય કેળવી શકતો નથી. "હું તો ક્યારેય ખોટો હોઈ જ ન શકું". તે વલણમાંથી તે માટે બહાર નીકળવું પડે. પોતાની ભૂલોનો સ્વીકાર કરવા અહમને ઓગાળવું પડે. તો જ જિંદગીના કોઈપણ તબક્કે અપરાધ-ભાવના અતિશય કપરા પડાવે પહોંચવાના સંજોગો ન આવે.

શું તે પોતાના કર્મોથી જ હારેલ માણસને જોયો છે??
હા, છેતરવાની વૃત્તિમાંથી જન્મેલ તે હિસાબનો ચોપડો છે....

મિત્તલ પટેલ
" પરિભાષા"

Thursday, 25 November 2021

✨💫🎯QUESTION MAKING ACTIVITY✍️💫

વિજ્ઞાનનો એક એવો એકમ બાળકને આપો કે જે તમારે હજી ચલાવવાનો હજી બાકી છે અને થોડોક થિયોરેટીકલ છે. જેને વાંચીને સરળતાથી સમજી શકાય.ઉદા. પાણી, હવા પ્રદૂષણ અભયારણ્ય ,જંગલો બચાવો, આવાં એકમને શરૂથી એકેએક ફકરાને બાળક વાંચતું જશે અને તે તેમાંથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો જાતે બનાવશે. જેમ કે ખાલી જગ્યા, ટૂંક નોધ પ્રકારના પ્રશ્નો, વર્ગીકરણના પ્રશ્નો, તફાવત પ્રકારના પ્રશ્નો ,૧૦૦ થી 400 શબ્દોમાં પ્રશ્નો, જોડકા પ્રકારના પ્રશ્નો, આવાં વિવિધ પ્રકારનાં પ્રશ્નો પાઠ વાંચતા વાંચતા બનાવવા માટે બાળકોને એક કલાકનો સમય આપો. જે સૌથી વધુ વૈવિધ્યસભર અને વધારે સંખ્યામાં પ્રશ્નો બનાવી શક્યા હોય તેવાં ત્રણ બાળકોને પસંદ કરો અને તેમને યોગ્ય પ્રોત્સાહક ઇનામ આપો. આ પ્રકારની પ્રવૃત્તિથી નીચે પ્રમાણે ફાયદા હશે.

# બાળક તે એકદમ બરાબર સમજીને વાંચશે. તો જ તે પ્રશ્નો બનાવી શકશે. સારા અને વૈવિધ્યસભર પ્રશ્નોનું નિર્માણ કરવું એ થોડો વિચાર માંગી લે તેવી પ્રક્રિયા છે. બાળક આ પ્રક્રિયામાંથી પસાર થશે અને તે એકમને સારી રીતે આત્મસાત કરતા-કરતા પ્રશ્નાવલી નિર્માણની પ્રક્રિયા કરશે.

# બાળક "સ્વ-અધ્યયન" કરતો હશે. અધ્યયન પ્રક્રિયા સાવ સહજ, સરળ અને સ્વયં નિર્મિત બની જશે.

# બાળ પ્રવૃત્તિ દ્વારા શીખતો હોવાથી તેનાં માટે ભણવું એ આનંદની પ્રક્રિયા બની જશે.
# બાળકમાં ક્રિએટિવિટી, વિચારવાની શક્તિ, સમજ શક્તિનો વિકાસ થશે.
# બાળક પોતે જાતે કંઈક નવું સર્જન કર્યું છે તેનો અનોખો આનંદ અનુભવશે. "સર્જનનો આનંદ કંઈક વિશિષ્ટ હોય છે." તે બાળકોનો આત્મવિશ્વાસ વધારશે.

💫 આ એક્ટિવિટી સમાજવિદ્યા, હીન્દી, ગુજરાતી જેવાં વિષયોમાં પણ કરાવી શકાય......
✨💫🎯QUESTION MAKING ACTIVITY✍️💫

વિજ્ઞાનનો એક એવો એકમ બાળકને આપો કે જે તમારે હજી ચલાવવાનો હજી બાકી છે અને થોડોક થિયોરેટીકલ છે. જેને વાંચીને સરળતાથી સમજી શકાય.ઉદા. પાણી, હવા પ્રદૂષણ અભયારણ્ય ,જંગલો બચાવો, આવાં એકમને શરૂથી એકેએક ફકરાને બાળક વાંચતું જશે અને તે  તેમાંથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો જાતે બનાવશે. જેમ કે ખાલી જગ્યા, ટૂંક નોધ  પ્રકારના પ્રશ્નો, વર્ગીકરણના પ્રશ્નો, તફાવત પ્રકારના પ્રશ્નો ,૧૦૦ થી 400 શબ્દોમાં પ્રશ્નો, જોડકા પ્રકારના પ્રશ્નો, આવાં વિવિધ પ્રકારનાં પ્રશ્નો પાઠ વાંચતા વાંચતા બનાવવા માટે બાળકોને એક કલાકનો સમય આપો. જે સૌથી વધુ વૈવિધ્યસભર અને વધારે સંખ્યામાં પ્રશ્નો બનાવી શક્યા હોય તેવાં ત્રણ બાળકોને પસંદ કરો અને તેમને યોગ્ય પ્રોત્સાહક ઇનામ આપો. આ પ્રકારની પ્રવૃત્તિથી નીચે પ્રમાણે ફાયદા હશે.

# બાળક તે એકદમ બરાબર સમજીને વાંચશે. તો જ તે પ્રશ્નો બનાવી શકશે. સારા અને વૈવિધ્યસભર પ્રશ્નોનું નિર્માણ કરવું એ થોડો વિચાર માંગી લે તેવી પ્રક્રિયા છે. બાળક આ પ્રક્રિયામાંથી પસાર થશે અને તે એકમને સારી રીતે આત્મસાત કરતા-કરતા પ્રશ્નાવલી નિર્માણની પ્રક્રિયા કરશે.

# બાળક "સ્વ-અધ્યયન" કરતો હશે. અધ્યયન પ્રક્રિયા સાવ સહજ, સરળ અને સ્વયં નિર્મિત બની જશે.

# બાળ પ્રવૃત્તિ દ્વારા શીખતો હોવાથી તેનાં માટે ભણવું એ આનંદની પ્રક્રિયા બની જશે.
#  બાળકમાં ક્રિએટિવિટી, વિચારવાની શક્તિ, સમજ શક્તિનો વિકાસ થશે.
# બાળક પોતે જાતે કંઈક નવું સર્જન કર્યું છે તેનો અનોખો આનંદ અનુભવશે. "સર્જનનો આનંદ કંઈક વિશિષ્ટ હોય છે." તે બાળકોનો આત્મવિશ્વાસ વધારશે.

💫 આ એક્ટિવિટી સમાજવિદ્યા, હીન્દી, ગુજરાતી  જેવાં વિષયોમાં પણ કરાવી શકાય......



મિત્તલ પટેલ
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
 બાયડ, અરવલ્લી
"કાર્યદક્ષતા-સંકલ્પનિષ્ઠાની ફળશ્રુતિ"...💫✍️☕


ડૂબી ગયા કે ડૂબીને તરી ગયા..
        એ પરિભાષાની પરવા કોણે?
અહીં તો ગળાડૂબ વ્યસ્તતાના કારણો અમને ગમે છે...!!


      કેટલીકવાર નવરાશ આપણને કોરી ખાય છે. ચિંતન કે મનન કરવા પણ જાત સાથે તો વાર્તાલાપ ચાલતો જ હોય છે. પણ સાવ નવરાશ કે જ્યાં વાદ નથી, સંવાદ નથી વ્યવહાર નથી ,તહેવાર નથી, કર્મ નથી, અકર્મ નથી. ત્યાં સ્થગિતતા આવે છે. નદીનું વહેતું જળ હંમેશા સ્વચ્છ અને નિર્મળ રહે છે. જ્યારે તળાવ અને ખાબોચિયાનું પાણી સ્થગિત હોય છે. એટલે તેનામાં કચરો અને ગંદકીનો ઉપદ્રવ થાય છે. તેવી જ રીતે માણસ જ્યારે પોતાનાં નૈમિત્તિક કર્મો પણ પૂરે પૂરી દક્ષતાથી કરતો નથી, ત્યારે તેમનું નવરુ મન સ્વયંની જ અધોગતિ નોતરે છે. કેમકે કાં તો તે મોબાઇલમાં ગળાડૂબ રહેવાનો કાં તો તે દ્વેષભાવ અને નકામી નિંદા કૂથલી માં મશગુલ રહેવાનો. "નવરું" હોવું અને "નવરાશ" હોવી બંને અલગ વસ્તુ છે.

            તમારાં જીવન પાસેથી તમારે શું જોઈએ છે? તે ક્યારેય તમે વિચાર ન કર્યો હોય તો તમે અમુલ્ય જીવનને સાવ આમ જ વેડફી રહ્યા છો. આપણે તો તહેવારમાં પોતાનાં આપ્તજનોની વચ્ચોવચ હોવાં છતાં ભાગ્યે જ મેન્ટલી પ્રેઝન્ટ હોઈએ છે. મન અને મગજ તો ક્યાંય ભૂતકાળ અને ભવિષ્યના વિચારોમાં ભમતું હોય છે!! વર્તમાનની ક્ષણમાં લાઈવ આપણે જીવતાં જ્યારે શીખી શકીશું, ત્યારે જીવનને સાચાં અર્થમાં માણતા શીખી શકીશું.

          દુનિયામાં 90% ખુશી આંતરિક હોય છે અને ૧૦ ટકા જ બાહ્ય વસ્તુઓમાંથી મળે છે. જે પૈસાથી કે પ્રયત્ન કરીને મેળવી શકાય છે જ્યારે 90% ખુશી આપણા કર્મો આપણને આપે છે. જો તમે તમારી ફરજમાં આવતાં કાર્યોમાં કામચોરી ,આળસ કે છટકબારી કાયમ શોધતાં રહેતા હોવ તો તમને સાચી પ્રસન્નતા ક્યારેય નહીં સાંપડે. હા ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાંય. અને પોતાનાં નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી દક્ષતાથી કરનાર વ્યક્તિ શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, જીવનના સંજોગો, આગળ વધવા માટે મળતી તકો બધું તેમને અનુરૂપ રહેશે અને પ્રસન્નતાનો સંગાથ તેઓ સતત અનુભવશે. જિંદગીમાં માણસ કંઈપણ કાર્ય કરે, શેના માટે કરે છે? ખુશી મેળવવા. અને તે મેળવવાનો સાચો રસ્તો છે.. "તમારાં કાર્યમાં દક્ષતા" એટલે કે પોતાના હન્ડ્રેડ પર્સન્ટ આપીને દરેક નૈમિત્તિક કાર્ય પૂરેપૂરાં મનથી કરવું એ જ છે. બાકી તેમાંથી છટકબારી શોધતા રહેશો તો કાયમ દિવાસ્વપ્નમાં જ રાચતાં રહેશો. કે આ મળશે એટલે હું ખુશ થઈશ. આટલી મિલકત ભેગી થશે એટલે હું સુખી થઈશ. જે માત્ર મૃગજળ ની જેમ તમારાથી કોસો દૂર જ રહેશે. કાર્યદક્ષ માણસ વર્તમાનમાં સો ટકા જીવે છે. જ્યારે બાકીના ભૂતકાળમાં કે વર્તમાનની યોજનાઓમાં જ જીવતા હોય છે.


સજીવન થઈ ઊઠે ચેતના તારી ભીતર...
          તે સમયભોમ પર વાવ તું બીજ કર્મનું...
રસ્તો દેખાડશે તારો ભાવ અને હેતુ...
       તું સંવાદજે તારા "સ્વ" ને પહેરી પહેરણ નિષ્કર્મનું... 

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com



mitalpatel56@gmail.com

Wednesday, 24 November 2021

ભાવનગર થી પબ્લિસ થતા ગારીયાધાર એક્સપ્રેસ સાપ્તાહિકમાં મારી બાળવાર્તા...✨💫"બાળવાર્તા---વાંદરા અને ખિસકોલીની દોસ્તી...."💫✍️

        એક વાંદરો ગામનાં પાદરે આવેલાં આંબાના ઝાડ પર રહે. તે જ ઝાડ પર એક ખિસકોલી પણ રહેતી હતી. રોજ ભાતભાતનાં ઝાડવાઓ ઉપર, તેની ડાળીઓ પર રમળભમળ ઘૂમીને સાંજે બંને તે ઝાડ પર આવતાં અને નિરાંતે જપીને, પગ વાળીને બેસતાં. બાકી આખો દી તો વાંદરો તેના કૂદકા થી કંઈ કેટલાય ઘરોનાં છાપરા ઉપર ઉછળકૂદ કરતાં હોય કે ઝાડવા ઉપર, રસ્તા પર, બસ ધમાલ, ધમાલ ને ધમાલ. ખિસકોલી પણ કાંઈ ગાંજી જાય એમાંની તો નહોતી જ. તેય પૂંછડીના પૈડાથી અહી તહી બસ અસ્ત વ્યસ્ત રીતે સર્પાકારે વાંકી ચુકી બસ દોડ દોડ કર્યા કરે.

        એકવાર સાંજે બંને થાકીને ઝાડ પર બેઠા બેઠા વાતોએ ચડ્યાં. વાંદરો કહે:"તારી અને મારી દોસ્તી સૌથી સારી રહેશે. કેમ કે તારો અને મારો સ્વભાવ સાવ એક જેવો છે. ઉછળકૂદ કરવાનો. ને ઝાડ એ આપણાં બંનેની રહેવા માટેની પ્રિય જગ્યા. કોઈ મહેલ આપે તોય ન ગમે. આપણે બંનેને તો બસ ઝાડ જ ગમે. ખિસકોલી કહે:"હાં આપણે ચોક્કસ સરસ મિત્રો બની શકીએ પણ તારે મને તારી સાથે ઉચકીને જ્યાં જાય ત્યાં લઈ જવાની. મને પણ તારી જેમ એક ઝાડથી બીજા ઝાડ પર, એક છાપરેથી બીજા છાપરે કૂદવાની બહુ મજા આવે. વાંદરો કહે:" ચોક્કસ તારે પણ જ્યાં કોઈ ઘરની બારીમાંથી બટાટાની છાબડી જુએ, કેળા જુએ, તો મને ચોક્કસ જાણ કરવી. જેથી હું લાગ જોઈને તેને ઊપાડીને ખાઈ શકું. ખિસકોલી કહે:"એ તો ચોરી કરી કહેવાય. હું ચોરીના કામમાં તને સાથ ન આપી શકું. વાંદરો કહે:"જો તું મારી આટલી પણ મદદ ન કરી શકતી હોય તો આપણે મિત્રો ન થઈ શકીએ. એક મિત્રએ બીજા મિત્રને મદદ કરવાની તો ફરજ હોય છે ખિસકોલી કહે:" હા એક મિત્રએ બીજા મિત્રને મદદ ચોક્કસ કરવી જોઈએ ,પણ ખોટા કાર્યમાં નહીં. દરેકે પોતાનાં સાચાં ખોટા કર્મોનાં ફળ ચોક્કસથી ભોગવવાં જ પડે છે. વાંદરો કહે :"સારું તો આજથી તું તારાં રસ્તે હું મારા રસ્તે"




        એક દિવસ એક ઘરડા બા પોતાનાં ઘરનું પાછળનું બારણું બંધ કરવાનું ભૂલી ગયા અને મંદિરે જતાં રહ્યા. લાગ જોઈને વાંદરો પાછલાં દરવાજેથી ઘરમાં ઘૂસ્યો અને ફ્રીજ ઉપર મુકેલાં કેળા જોયા. સીધી તેનાં પર ઝાપટ મારી. "કટક" દઈને અવાજ આવ્યો. વાંદરો પીડાથી રાડારાડ કરવાં લાગ્યો. તે કેળા તો લાકડાંના રમકડાના હતા. ને તેને મોમાં જોરથી દબાવતાં જ વાંદરાના ઉપર નીચેના બે બે દાંત તૂટી ગયાં. કેળાને ત્યાં જ મુકીને તે સીધો કૂદીને દૂર ઝાડ પર જતો રહ્યો. ખિસકોલીને ખબર પડતાં જ તે સીધી તેની ખબર કાઢવા ગઈ. વાંદરાની પીડા જોઇને તેને પોતાની પૂંછડીથી તેનાં મોઢાને સાફ કર્યું. તેને કહ્યું:" હું તારી મિત્ર હતી ,ને હજી પણ છું જ. ત્યાં ઝાડ પર લાગેલાં મીઠાં મીઠાં જાંબુ તોડીને મેં તારાં માટે ખાવા રાખ્યા છે . તું ખાઈને આરામ કર. વાંદરો બોલ્યો:" તારી વાત સાચી હતી. તું મારી સાચી મિત્ર છું. ખોટાં કર્મનું ફળ ભોગવવું જ પડે છે .અને તે જ મેં ભોગવ્યું. આજથી કોઇપણ સંજોગોમાં ચોરી કરીશ નહીં. ભૂખ્યા સૂઈ જઈશ. પણ ખોટા રસ્તે કે શોર્ટકટથી મેળવેલ ખાઈશ નહીં. તારાં જેવી સાચી મિત્ર આપવા બદલ ભગવાન તારો ખૂબ ખૂબ આભાર."

બોધ-- મિત્રના ખોટા કાર્યોમાં સહકાર આપવો એ મિત્રતા નથી. પણ તેને સાચો માર્ગ બતાવવો તે મિત્રતા છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ