Tuesday 31 January 2023

ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:29/1/23 રવિવાર

ઓળખપત્ર વગરનો સંવાદ....💫✍️

પૃચ્છા કરવી એ ગૌણ છે...
         જ્યાં પ્રશ્નો જ ઉત્તર હોય....!!

તારાં કરતાં તારી જરૂર...
           તારામય હોય તેને વધુ છે...!!

શબ્દોની ભાષા તું માત્ર તેને જ સમજાવજે...
              વાંચા કરતા વાચાળતાની જરૂર,
મારા કરતાં મારામહી હોય તેને વધુ છે...!!

            હોકાયંત્ર પોતે જ જ્યારે દિશાશુન્ય બની જાય, દિશાઓ પારખવામાં તેની હયાતી નિષ્ફળ જાય, ત્યારે કુદરત ખુદ તેને દોરવણી આપવા એક્શનમાં આવે છે. અકાળે અવસાન પામેલ સંદર્ભ સાહિત્યસમ સંવેદનાઓને જીવતી કરવાનુ જોમ માત્ર કુદરત પાસે છે. ક્યારેક અણસમજ સમજશક્તિની ઉધઈ બનવા જઈ રહી હોય ત્યારે, પરિપક્વ સેતુ દ્વારા તેને મુલવવાની તાકાત માત્ર કુદરત દ્વારા જ માણસના 'માનસ'માં આવે છે. તે માટે પોતાના અંતરઆત્માને દીવાદાંડી બનાવવી પડે. એવી જ રીતે આપણા જીવનમાં પણ કોઈક ને કોઈક લાઈટ હાઉસ ચોક્કસ હોય છે. જે ઉર્જાને દિશા આપે છે. અને સાયમલટેનીયસલી પીડાની ચરમશીમાં પણ. વનસ્પતિથી વિખુટુ પડેલ પાદડું જીવંત નથી રહી શકતું. તેવી જ રીતે દીવાદાંડીની નજર બિંદુથી ગુમ થયેલ વહાણ હોય કે માણસ પોતાનું સાચું "સ્વત્વ" ગુમાવી દે છે. માટે ધીરજને હથિયાર બનાવી દરેક ઉતાર ચઢાવમા ટકી રહેવું અથવા સંબંધને આધારશીલા બનાવી ઊર્મિના વાહક બનવું ખૂબ જરૂરી છે.

        સંવેદનાઓનું વજન લાગે ત્યારે હળવું થવું જરૂરી હોય છે. તે માટે જાતને સંભાળવી, સમજવી અને યોગ્ય દિશા આપવી ખૂબ જ જરૂરી હોય છે. જો આપણો ભાવ અને નિયત સાચા તેમજ વૃત્તિ સાચી હોય તો કુદરત આપણી મનોસ્થિતિ અને ક્ષણમાં જીવાતા ઉતાર ચઢાઓની દરકાર વધુ રાખતી હોય છે. હા, પરીક્ષા વધુ લેવાતી હોય એવું થઈ શકે, પણ તેમાંથી વધુ સજ્જ થઈ, સમૃદ્ધ થઈ, કંઈ રીતે બહાર આવી શકાય તેનાં રસ્તાઓ કુદરત ચોક્કસપણે કરતી જ હોય છે. તમારી જાત સાથે નિયમિત થતો સંવાદ તમારી જાતમાં આતમના મૂળિયાં વધુ ઊંડા બનાવે છે. છોડ સહેલાઈથી ઉખાડી શકાય. વૃક્ષને મૂળમાંથી ઉખાડવું ક્યારે સહેલું નથી જ હોતું. એવી જ રીતે જે નીજમસ્તીમાં અને એક સાત્વિક ભાવ સાથે જીવતો હોય તેને કંઈ જ અડતું નથી. માન અપમાન, કાવા દાવા બધું જ કમળ જેમ પાણીમાં નિર્લેપ રહીને જીવી શકે છે, એમ જ સ્પર્શી શકતું નથી. તેનાથી વધુ મક્કમતા અને આતમ સાથે સજ્જડતા ની નિશાની બીજી કઈ હોઈ શકે!!

આકાશમાં કોઈ બિંદુ શોધી આપે તો કંઈક કહું..!!
             તું મને જ મારામાં નિરાકાર પામી શકે તો કંઈક કહું...!!

આમને સામને બેઠા તોય...
          અળગાવને નામે શૂન્ય.

અલ્યા..!! સંબંધોનું વ્યાપારીકરણ નહીં....
            "અલગારીકરણ" કરી શકે તો કંઈક કહું....!!

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment