Tuesday 31 January 2023

ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:29/1/23 રવિવાર

ઓળખપત્ર વગરનો સંવાદ....💫✍️

પૃચ્છા કરવી એ ગૌણ છે...
         જ્યાં પ્રશ્નો જ ઉત્તર હોય....!!

તારાં કરતાં તારી જરૂર...
           તારામય હોય તેને વધુ છે...!!

શબ્દોની ભાષા તું માત્ર તેને જ સમજાવજે...
              વાંચા કરતા વાચાળતાની જરૂર,
મારા કરતાં મારામહી હોય તેને વધુ છે...!!

            હોકાયંત્ર પોતે જ જ્યારે દિશાશુન્ય બની જાય, દિશાઓ પારખવામાં તેની હયાતી નિષ્ફળ જાય, ત્યારે કુદરત ખુદ તેને દોરવણી આપવા એક્શનમાં આવે છે. અકાળે અવસાન પામેલ સંદર્ભ સાહિત્યસમ સંવેદનાઓને જીવતી કરવાનુ જોમ માત્ર કુદરત પાસે છે. ક્યારેક અણસમજ સમજશક્તિની ઉધઈ બનવા જઈ રહી હોય ત્યારે, પરિપક્વ સેતુ દ્વારા તેને મુલવવાની તાકાત માત્ર કુદરત દ્વારા જ માણસના 'માનસ'માં આવે છે. તે માટે પોતાના અંતરઆત્માને દીવાદાંડી બનાવવી પડે. એવી જ રીતે આપણા જીવનમાં પણ કોઈક ને કોઈક લાઈટ હાઉસ ચોક્કસ હોય છે. જે ઉર્જાને દિશા આપે છે. અને સાયમલટેનીયસલી પીડાની ચરમશીમાં પણ. વનસ્પતિથી વિખુટુ પડેલ પાદડું જીવંત નથી રહી શકતું. તેવી જ રીતે દીવાદાંડીની નજર બિંદુથી ગુમ થયેલ વહાણ હોય કે માણસ પોતાનું સાચું "સ્વત્વ" ગુમાવી દે છે. માટે ધીરજને હથિયાર બનાવી દરેક ઉતાર ચઢાવમા ટકી રહેવું અથવા સંબંધને આધારશીલા બનાવી ઊર્મિના વાહક બનવું ખૂબ જરૂરી છે.

        સંવેદનાઓનું વજન લાગે ત્યારે હળવું થવું જરૂરી હોય છે. તે માટે જાતને સંભાળવી, સમજવી અને યોગ્ય દિશા આપવી ખૂબ જ જરૂરી હોય છે. જો આપણો ભાવ અને નિયત સાચા તેમજ વૃત્તિ સાચી હોય તો કુદરત આપણી મનોસ્થિતિ અને ક્ષણમાં જીવાતા ઉતાર ચઢાઓની દરકાર વધુ રાખતી હોય છે. હા, પરીક્ષા વધુ લેવાતી હોય એવું થઈ શકે, પણ તેમાંથી વધુ સજ્જ થઈ, સમૃદ્ધ થઈ, કંઈ રીતે બહાર આવી શકાય તેનાં રસ્તાઓ કુદરત ચોક્કસપણે કરતી જ હોય છે. તમારી જાત સાથે નિયમિત થતો સંવાદ તમારી જાતમાં આતમના મૂળિયાં વધુ ઊંડા બનાવે છે. છોડ સહેલાઈથી ઉખાડી શકાય. વૃક્ષને મૂળમાંથી ઉખાડવું ક્યારે સહેલું નથી જ હોતું. એવી જ રીતે જે નીજમસ્તીમાં અને એક સાત્વિક ભાવ સાથે જીવતો હોય તેને કંઈ જ અડતું નથી. માન અપમાન, કાવા દાવા બધું જ કમળ જેમ પાણીમાં નિર્લેપ રહીને જીવી શકે છે, એમ જ સ્પર્શી શકતું નથી. તેનાથી વધુ મક્કમતા અને આતમ સાથે સજ્જડતા ની નિશાની બીજી કઈ હોઈ શકે!!

આકાશમાં કોઈ બિંદુ શોધી આપે તો કંઈક કહું..!!
             તું મને જ મારામાં નિરાકાર પામી શકે તો કંઈક કહું...!!

આમને સામને બેઠા તોય...
          અળગાવને નામે શૂન્ય.

અલ્યા..!! સંબંધોનું વ્યાપારીકરણ નહીં....
            "અલગારીકરણ" કરી શકે તો કંઈક કહું....!!

મિત્તલ પટેલ
" પરિભાષા"

Thursday 5 January 2023

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......❣️🪄✍️

Tuesday 3 January 2023

ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘના  ...  "શિક્ષકજયોત "   મેગેઝિનનાં  જાન્યુઆરી-2023 અંકમાં  મારો લેખ .....💫✍️

Sunday 1 January 2023


Happy New year to all of you 🎊💜💛❤️....🥰😃🎈☕☕🎉✨


ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:01/01/23 રવિવાર

પોતાની ઓરિજનાલિટી હંમેશા જાળવી રાખો...🎋🪞🎖️🏆


               માણસ શા માટે બહારથી અલગ અને અંદરથી અલગ એવું જીવતો હશે? કપમાની ચ્હા રકાબીમાં ઢોળીએ એવું જ વર્તન અંદરની મૌલિકતા અને સહજભાવને બાહ્ય જગતમાં પ્રગટ ન કરી શકીએ?? થોડાંક સ્વાર્થ માટે, થોડાંક ડરને કારણે, થોડાંક સારાં નહી બની શકવાના ડરે ,પર્સનાલિટી પાડી દેવાની મથામણમાં સાવ રોબોટિક અને પોતાના "સ્વ" થી સાવ વિપરીત રજૂ થતાં હોઈએ છીએ. પણ ક્યાં સુધી? ક્યાં સુધી આ અંદર બહારની રમતમાં અટવાયેલા રહેશો? ક્યારેક તો થાકશો ને? ક્યારેક તો ગુગળાશો ને? ક્યારેક તો ફર્સ્ટ્રેશન આવશે ને? તો મસ્ત જીવી લો ને. તમે જેવાં છો તેવા. તમે મસ્ત ત્યારે જ જીવી શકો છો જ્યારે તમે તમારી ઓરીજનાલિટી દરેક સંજોગોમાં, હરેક ક્ષણે જાળવી રાખો છો. બધાં માટે સારું બનવું ક્યાં જરૂરી છે? બધાં આપણાં માટે સારું જ વિચારે એ પણ ક્યાં જરૂરી છે. એક્ચ્યુલી માણસ પોતે જેવો હોય છે, સામેવાળી વ્યક્તિને એ જ દ્રષ્ટિકોણથી જુવે છે. એ બધી લપમાં પડ્યા વગર, "સહજ જીવો". "સહજતા" અને "સરળતા" કમાવવી પડે છે પ્રયત્ન કરીને. તે ગિફ્ટપેક નથી મળતી. સહજ હસો. સ્મિત વહેંચો. કોઈપણ માણસને ઉમળકાભેર મળો. ફોર્માલિટીવાળા રોબોટિક વ્યવહારમાંથી બહાર નીકળો. માત્ર વ્યવહારું નહીં, માનવ સંવાદી બનો. સ્મિત વહેચવાનો કોઈ તહેવાર ન હોય. સાચો આનંદ "આપવામાં" જ આવે છે માત્ર કપડાં પૈસાનું દાન એ જ "આપવું" નથી. દાન કરવું અને આપવું ,વહેંચવું માં ફરક છે. હું મારામાંથી મારો થોડોક ભાગ વહેંચું છું, તે દાનમાં ત્યારે જ તબદીલ થાય છે જ્યારે વચ્ચે "હું" આવે છે." મેં કર્યું"નો ભાવ આવે છે. "હરખ થવો" "ઉમળકો થવો" એ માણસની જીવંત હોવાની નિશાની છે. ઇન્ફેક્ટ માણસમાં ભાવપૂર્ણ "માનસ" હોવાની સાબિતી છે. આ જીવંતતાના અમીછાંટણાને હૃદયમાં, વ્યક્તિત્વમાં જાળવી રાખો તો, અમુક ઉંમર પછી પસ્તાવો નહીં થાય કે જિંદગી માત્ર વિતાવી દીધી. "જીવી લીધી" એ અનુભૂતિ જીવનને સફળ બનાવશે. તકલીફમાં રહેલ વ્યક્તિ સાથે ઉભા રહેવું, એ પણ સૌથી મોટી ઉપલબ્ધ છે્ તકલીફ માત્ર આર્થિક, સામાજિક નથી હોતી. એકલતા અને ડિપ્રેશ થયેલ વ્યક્તિને આપેલ સથવારો પણ તમારો પોતાની જાત માટેનું આત્મ સન્માન વધારશે. સારાં અને નિષ્ઠાથી કરેલ દરેક કર્મ તમારું પોતાનું "સ્વ" મનોબળ મજબૂત કરશે. જ્યારે તમારાથી અજાણતા પણ કોઈનું મન દુઃખ થયું હોય અને જો તે વ્યક્તિ તમારા મનની ખૂબ નજીક હોય તો એક અકારક અજંપો ચોક્કસ અનુભવાય છે પ્રતિક્ષણ. જ્યાં સુધી તમે તેના તય સુધી ન પહોંચો. તમને તમારી ભૂલની અનુભૂતિ ન થાય ત્યાં સુધી કંઈક ખૂચ્યાં કરે છે. આ "ખૂંચવું" ખૂબ જરૂરી છે જો માણસને પોતાની ભૂલો ડંખવાનું બંધ થઈ જશે તો તે માણસમાં સત્વ મટી જશે. તેનામાં સાત્વિક ઉર્જાનું મૃત્યુ થશે.


પ્રવચન મહી વચન સધ્ધર હોય જો...
         આકાર વગરનો નિરાકાર ભીતર હોય જો.

માણસ મટી, તે બની જાય છે ઈશ્વર....
           શ્વાસની ભીતર શ્વાસની હુંફ વર્તાય જો.


મિત્તલ પટેલ
" પરિભાષા"


જયહિન્દ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલ મારી એક રચના. સંપાદક યશવંતભાઈ શાહ તથા કૌશિક શાહ (USA) સૌજન્યથી... આનંદ અને આભાર.🥰☕☕